Dakshin Gujarat

સંબંધીના ખબરઅંતર પૂછી પરત ફરતાં નવા બોરભાઠાના દંપતીને અકસ્માત, પતિનું મોત

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજ નજીક રોંગ સાઈડ ઉપર ઓવરટેક કરવાના પ્રયાસમાં કારચાલકે (Car Driver) મોટરસાઇકલ ઉપર અંકલેશ્વર તરફ આવતા દંપતીને ટક્કર મારતાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. પતિનું સારવાર દરમિયાન ભરૂચની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની હાલ સારવાર હેઠળ છે.

અંકલેશ્વરના નવા બોરભાઠા ગામમાં રહેતા રવિ નગીન પટેલ તા.૨૨ મેના રોજ પોતાના સંબંધીના ખબરઅંતર પૂછવા પત્ની ભાવનાબેન સાથે બાઇક ઉપર નીકળ્યાં હતાં. જેઓ ધંતુરિયાથી બપોરે એકાદ વાગ્યે પરત અંકલેશ્વર આવી રહ્યાં હતાં. દરમિયાન કડકિયા કોલેજ નજીક કાર રોંગ સાઈડ ઉપર હંકારી ઓવરટેક કરવાના પ્રયાસમાં સામેથી આવી રહેલી મોટરસાઇકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇકચાલક રવિભાઈ પટેલ તેમજ તેમની પત્ની ભાવનાબેન પટેલને હાથપગે ગંભીર ઈજા પહોંચી હતી.

જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મારફતે પ્રથમ અંકલેશ્વરની હોસ્પિટલ અને બાદમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયાં હતાં. જો કે, સારવાર દરમિયાન રવિભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસમથકે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી કાર નં.(જીજે.૧૬-ડીકે-૬૭૩૭)ના ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

ઝઘડિયાના હરિપુરા પાસે કારની ટક્કરે બાઇકચાલકનું મોત, એકની હાલત ગંભીર
ઝઘડિયા: ઝઘડિયાના હરિપુરા ગામે માર્ગ અકસ્માત એકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપારડીના કંચનભાઈ મોહનભાઈ ગાંધી અને પરેશભાઈ પરસોત્તમભાઈ પરીખ બંને પોતાની બાઈક લઇ ઉમલ્લા તરફ જતાં હતાં. ત્યારે રાજપારડી તરફથી આવતી એક કારચાલકે બંને બાઈકસવારને હરિપુરા ગામ‌ નજીક ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકસવાર હવામાં ફંગોળાઈ ગયા હતા, જેમાં કંચનભાઈને વધુ ઇજા પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેમની સાથેના પરેશભાઈને પણ ઇજા પહોંચતાં તેમને સારવાર અર્થે ઉમલ્લાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવમાં ઉમલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top