National

છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 7 નક્સલી માર્યા ગયા

નારાયણપુરઃ (Narayanpur) છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળોએ નક્સલીઓના મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. જિલ્લાના નારાયણપુરના સરહદી વિસ્તારમાં સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી જેમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ પહેલા કાંકેર જિલ્લામાં ડીઆરજી અને બીએસએફની સંયુક્ત પાર્ટી અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.

છત્તીસગઢના નારાયણપુર-બીજાપુર બોર્ડર પાસેના જંગલમાં ગુરુવારે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા. નારાયણપુરના પોલીસ અધિક્ષક (એસપી) પ્રભાત કુમારે જણાવ્યું હતું કે અથડામણ સવારે 11 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી જ્યારે સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી ઓપરેશન પર હતી. તેમણે કહ્યું કે પોતાને ઘેરાયેલા જોઈને નક્સલીઓએ વચ્ચે-વચ્ચે ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

સંયુક્ત ઓપરેશનમાં નક્સલવાદીઓ માર્યા ગયા
પ્રભાત કુમારે કહ્યું કે સુરક્ષાકર્મીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ્સ, બસ્તર ફાઇટર્સ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, દંતેવાડા, નારાયણપુર અને બસ્તર જિલ્લાની રાજ્ય પોલીસ આ ઓપરેશનમાં સામેલ હતી. એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાર સુધીમાં સાત નક્સલીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે.

પ્રભાત કુમારે જણાવ્યું હતું કે ઓપરેશન હજુ ચાલુ છે. પોલીસને નકસલવાદીઓ જંગલમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઘટના સાથે રાજ્યમાં સુરક્ષા દળો સાથે અલગ અલગ એન્કાઉન્ટરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 112 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

Most Popular

To Top