મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા છેલ્લા 14 દિવસથી 108ની ટીમને સેનિટાઇઝર અને ભોજનની સેવા
સુરત : શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પણ સામાજિક સંસ્થાઓ સેવા કરવાના ભાવ સાથે આગળ આવી છે. શહેરની મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા 24 કલાક લોકોની સેવામાં કાર્યહત રહેતી 108 ના કર્મચારીઓને ભોજન આપવામાં આવી રહ્યુ છે. છેલ્લા 14 દિવસથી લોકોની સેવામાં કાર્યરત એવી 108 એમ્બ્યુલન્સનાં 80 કર્મચારીઓને દરરોજ ભોજન તેમજ સેનિટાઇઝરની સેવા પુરી પડાય રહી છે. આ સાથે અનેક આઇસોલેશનમાં સેવાની કામગીરી સંસ્થા કરી રહી છે.
રામજી વાડી બુડિયા ખાતે 80 બેડ ઓકિસજન સાથે ધારાસભ્ય ઝંખના પટેલે આઇસોલેશન સેન્ટર ચાલુ કરાવ્યુ
સુરત: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં માર્ગ દર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા સચીન જી.આઈ.ડી.સી., હજીરા નોટિફાઈડ એરિયા, કાંઠા વિસ્તાર કોળી સમાજ રામજીવાડી તથા ચોર્યાસી ધારાસભ્ય ઝંખનાબેનનાં સહયોગથી તેમના હસ્તે ૮૦ બેડનું ઓક્સિજન સુવિધા સાથે રામજીવાડી કોવિડ કેર આઈસોલેશન સેન્ટરનું બુડિયા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્ય કક્ષાનાં આરોગ્ય વિભાગનાં મંત્રી કુમારભાઈ કાનાણી, સુરત મહાનગરપાલિકાનાં મેયર હેમાલીબેન બોઘાવાલા, મ્યુનિ.કમિ. બંછાનિધી પાની, પૂર્વ કમિ. એમ. થેન્નારસન, જિલ્લા ભાજપ અધ્યક્ષ સંદીપ દેસાઈ, ડે. મેયર જોધાણી, સ્થાયી સમિતી અધ્યક્ષ પરેશ પટેલ સહિત ચોર્યાસી મત વિસ્તારનાં કોળી સમાજનાં અગ્રણીઓ કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્વોરન્ટાઇન પરિવારને મફત ટિફિન સેવા
સુરત : શહેરના હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોનાના દર્દીઓ અને અન્ય જરૂરિયાતમંદોને તેમના ઘરે નિ:શુલ્ક ટિફિન સેવાઓ આપવામાં આવી રહી છે. ટિફિનમાં ખોરાક પોષક અને સાત્વિક છે. હોપ ચેરિટેબલ ટ્રસ્ટના જિગ્નેશ ગાંધીએ કહ્યું કે, શહેરના જુદા જુદા ભાગોમાં ટિફિનની સવાર-સાંજ બંને સમયે સેવા આપવામાં આવે છે. હોપ ચેરિટેબલ ટ્રસ્ટ ગત વર્ષથી ઝૂંપડપટ્ટીઓ અને અન્ય જરૂરિયાતમંદ લોકોને સતત ખોરાક પૂરો પાડે છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખી છેલ્લા કેટલાક દિવસોથી ઘરના ક્વોરન્ટાઇન દર્દી અને અન્ય જરૂરિયાતમંદો માટે પણ ટિફિનની સેવા શરૂ કરવામાં આવી છે અને હાલમાં દરરોજ લગભગ એક હજાર ટિફિન સેવાઓ આપવામાં આવી રહી છે અને આ સેવા સતત ચાલુ રહેશે.
હોમ ક્વોરન્ટાઇન અને આઈસોલેશન સેન્ટરોમાં રહેલા કોરોનાના દર્દી અને પરિવારને રોજ 2200 લોકોને ફ્રી ભોજન
સુરત: કોરોનાના કપરા કાળમાં આખેઆખા પરિવારને જ્યારે હોમ ક્વોરન્ટાઇન થવું પડે છે, ત્યારે જમવાની અને દવાની ખૂબ જરૂર પડે છે. પરિવારનો કોઈ સભ્ય ઘરની બહાર જઈ શકતો નથી. આ સંજોગોમાં એ પરિવારને શુદ્ધ સાત્વિક ઘર જેવું ભોજન મળી રહે એ માટે વિનામૂલ્યે વરાછાની એક કેટરર્સની ટીમ તેમજ યુવાનોના ગ્રુપ દ્વારા ઘરે ઘરે જઇને જમવાનું પહોંચાડવામાં આવે છે. આ સેવામાં દરરોજ 2200થી વધારે ભોજન ડિશની વ્યવસ્થા થઈ રહી છે. જેમાં શુદ્ધ, સાત્વિક ભોજન રોટલી, શાક, દાળ, ભાત, સલાડનો સમાવેશ કરવામાં આવે છે. સેવા સંસ્થા દ્વારા ચાલતાં તમામ આઈસોલેશન સેન્ટરોમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આર્થિક સહયોગથી બપોરે અને સાંજે 450થી વધુ ભોજન ડિશની વ્યવસ્થા આ સેવાભાવી વ્યક્તિઓ દ્વારા સમયાંતરે મળી રહે છે.