SURAT

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલને કારણે ઠંડક પ્રસરી

સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મળસ્કે 4 થી 5 વાગ્યા દરમ્યાન વરસાદ શરૂ થાય છે અને તે વહેલી સવાર સુધી વરસે છે. ગુરુવારે પણ સવારે પાંચ વાગ્યાની આસપાસ શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. બપોર સુધી શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી ધીમીધારે ઝાપટાં સ્વરૂપે વરસાદ હતો. જેને પગલે વાતાવણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. શહેરના સેન્ટ્રલ ઝોન, કતારગામ, અડાજણ, પાલ, ડિંડોલી, વેસુ, વરાછા સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જો કે ધોધમાર વરસાદ પડવાની આગાહી વચ્ચે હળવાં ઝાપટાં પડ્યા હતાં. સવારે વરસેલા વરસાદને કારણે નોકરી ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ તરફ દક્ષિણ ગુજરાતનાં નવસારી શહેર અને જિલ્લામાં પણ સવારે વરસાદે એન્ટ્રી લેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નવસારીમાં કાળઝાળ ગરમીથી મુક્તિ અપાવતા વરસાદે ઠંડક (Cold) પાથરી છે. એક કલાક વરસાદ વરસ્યા પછી વરસાદે વિરામ લીધો હતો. શહેરમાં એક કલાક જેટલા સમય માટે વરસેલા વરસાદે પાણી પાણી કરી દીધું હતું. આ સાથે જ શહેરમાં ગરમી ઓછી થઈ ને ઠંડક પ્રસરી હતી. તેમજ જિલ્લામાં 24 કલાકના વરસાદી આંકડા જોઇએ તો તેમાં નવસારી 12 એમએમ, જલાલપોર 17 એમએમ, ચીખલી 09 એમએમ, ખેરગામ 08 એમએમ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18મી જૂન સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં14 અને 15 જૂનએ સુરત, વલસાડ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, તાપી, ડાંગ નવસારી અને દાદરા નગર હવેલી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ 17 જૂન અને ત્યારબાદ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, ડાંગ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું (monsoon in Gujarat) સક્રિય થયાં બાદ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતની સાથે વડોદરામાં (Rainfall in Vadodara) ભાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરમાં બફારાથી ત્રાસેલા શહેરીજનોએ વરસાદને કારણે થયેલી ઠંડકમાં રાહતનો શ્વાસ લીધો છે. જોકે સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસવાથી અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

Most Popular

To Top