SURAT

ગ્રીષ્મા જેવી હાલત બીજી દીકરીઓની નહીં થાય તે માટે સુરત પોલીસે ફેનિલ જેવા લફંગાઓને જેલમાં નાંખવાનું શરૂ કર્યું, બે દિવસમાં..

સુરત : ગ્રીષ્મા હત્યાકાંડ (Grishma Murder) બાદ સુરત (Surat) પોલીસ સફાળી જાગી છે. યુવતી, મહિલાઓને છેડનારા ફેનિલ જેવા લફંગા સામે પકડી પકડીને જેલમાં પુરવા લાગી છે. કપલ બોક્સ, કાફેમાં રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ શરૂ કર્યું છે. શનિવારે સુરત પોલીસે 74 કપલ બોક્સ ચેક કર્યા હતા. સ્કૂલ-કોલેજની બહાર પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. પાસોદરાવાલી ઘટના બાદ પોલીસે સ્કૂલ કોલેજની બહાર ઉભા રહેવા બાબતે તથા કાફે અને રેસ્ટોરન્ટમાં સીસીટીવી લગાડવા બાબતે કડક વલણ ઇખ્ત્યાર કર્યું છે. પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરતા શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસે કાર્યવાહી શરૂ કરતા આજે બીજા દિવસે પણ 16 થી વધારે ગુના નોંધાયા હતા.

  • પાસોદરાવાલી ઘટના બાદ પોલીસે કડક વલણ અખ્ત્યાર કર્યું
  • સતત બીજા દિવસે સ્કુલ કોલેજની બહાર ઉભા રહેતા અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી
  • રોમિયો અને કાફેમાં સીસીટીવી નહીં લગાડનારાઓ સામે કાર્યવાહી, 16 થી વધારે ગુના દાખલ

કેટલાક અનિષ્ટ તત્વો સ્કૂલ-કોલેજ જતી વિદ્યાર્થિનીઓ, પોતાના કામે એકલી જતી મહિલાઓ-યુવતીઓને અભદ્ર ચેનચાળા, પીછો કરીને, અશ્લિલ શબ્દોના ઉચ્ચારણ કે મહિલાઓ પર હુમલો કરીને પજવતા હોય છે. અમુક કેસોમાં રેપ જેવા ગંભીર બનાવો પણ બને છે. જેથી આવા બનાવોને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવાના હેતુસર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ સ્કુલ કોલેજની બહાર 50 મીટર વિસ્તારમાં કામ વગર ઉભા રહેતા શંકાસ્પદ લોકો સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને પગલે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં પોલીસે કાર્યવાહી શરૂ કરતા ગઈકાલે 15 જેટલા ગુના દાખલ કર્યા હતા. આજે પણ સ્કુલ કોલેજની બહાર ઉભા રહેતા અને કાફે તથા રેસ્ટોરન્ટમાં સીસીટીવી નહીં લગાડનારાઓ સામે કાર્યવાહી ચાલુ રાખી હતી. આજે સ્કુલ કોલેજની બહાર ઉભા રહેવા બાબતે અમરોલી પોલીસે 2, રાંદેર અને અઠવામાં 1-1, પાંડેસરામાં 5 અને ઉમરામાં 4 ગુના નોંધાયા હતા. જ્યારે કાફેમાં સીસીટીવી નહીં લગાડવા બાબતે ઇચ્છાપોરમાં 1 અને ખટોદરામાં 2 ગુના નોંધાયા હતા.

પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગઈકાલે ફુટ માર્ચ કરી કાર્યવાહી કરાઈ
શહેરમાં વધતી ગુનાખોરીને કાબૂમાં લેવા ખુબ પોલીસ કમિશનર અજયકુમાર તોમરને રસ્તે ઉતરવું પડ્યું હતું. ગઈકાલે તેમના દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફુટ માર્ચ કરાયું હતું. આ સિવાય ઘણી જગ્યા પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુલ 1337 વાહનોનું ચેકીંગ કરાયું હતું. મોટર વ્હિકલ એક્ટની કલમ હેઠળ 86, કલમ 135 હેઠળ 42 કેસ કરાયા હતા. સ્થળ પર કુલ 78100 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. સીઆરપીસી 151 હેઠળ 61 અને સીઆરપીસી 110 હેઠળ 38 કેસ દાખલ કરાયા હતા. પાનના ગલ્લા મસાજ પાર્લરના જાહેરનામાના ભંગના 10 કેસ, તમાકુની રસીદના 90, જાહેરનામા ભંગના 17, પીધેલાના 14 કેસ કરાયા હતા. પાનના 490 ગલ્લા અને 49 સ્મોક ઝોન ચેક કર્યા હતા. તથા 74 કપલ બોક્ષ ચેક કરાયા હતા. જુગારના 3 કેસ કરાયા હતા. 86 ધાબા અને 73 સ્પા પાર્લર ચેક કરાયા હતા. તથા માસ્ક નહીં પહેરનારની 23 પાવતી ફાડવામાં આવી હતી.

પાંડેસરા પોલીસે રેમ્બો છરા સાથે અનેકને પકડ્યા
પાંડેસરા પોલીસ ત્રણ દિવસથી તેમના વિસ્તારમાં સઘન ચેકીંગ કરી રહી છે. ત્યારે પાંડેસરા પોલીસને તેમના વિસ્તારમાં રેમ્બો છરો લઈને ફરતા અનેક લોકોને પકડી પાડ્યા છે. તેમની પાસેથી છરો લઈને કબજે કરી ગુનો દાખલ કરાયો છે.

Most Popular

To Top