SURAT

સુરતીઓ વૃક્ષો વાવો: વિનામૂલ્યે રોપાઓ જોઈએ તો આ 6 ગાર્ડનમાંથી મળશે..

સુરત: (Surat) વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ 8 જુનથી 15 સપ્ટેમ્બર દરમિયાન વિનામૂલ્યે રોપાઓ (Plants for free) આપવામાં આવશે. જે માટે મનપા દ્વારા જુદા જુદા ઝોનમાં 6 ગાર્ડનો નક્કી કર્યા છે. જ્યાંથી શહેરીજનો જાહેર રજા સિવાય દરરોજ સવારે 9 થી સાંજે 5 (બપોરે 12 થી 2 રિસેસ સમય સિવાય) રોપાઓ લઈ જઈ શકશે તેમજ ખાનગી સ્થળોએ વૃક્ષારોપણ (Plantation) કરવા માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ અને મોબાઈલ એપ પર નોંધણી કરીને પણ મેળવી શકાશે. સુરત મનપા દ્વારા આ વર્ષે 2.5 લાખ વૃક્ષારોપણ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વરાછામાં મહારાણા પ્રતાપ ઉદ્યાન, નાના વરાછા, કતારગામ ઝોનમાં ડો.શ્યામાપ્રસાદ મુખરજી લેક ગાર્ડન, કાંસાનગર, રાંદેર ઝોનમાં સ્નેહરશ્મિ બોટનિકલ ગાર્ડન, ઉગત, અઠવા ઝોનમાં જવાહરલાલ નહેરૂ ઉદ્યાન, અઠવાલાઈન્સ, ઉધના ઝોનમાં શેઠ શ્રી નવિનચંદ્ર મફતલાલ ઉદ્યાન, ભેસ્તાન તેમજ લિંબાયત ઝોનમાં ડીંડોલી છઠ સરોવર ઉદ્યાન, ડીંડોલી ખાતેથી રોપા મળશે.

મનપા દ્વારા 849.13 કરોડનાં કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાની તૈયારી

સુરત: કોરોના કાળમાં છેલ્લા ઘણા સમયથી વિકાસ કામો પર બ્રેક લાગી હતી. કોરોનાકાળને કારણે કોઈ પણ લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરાયાં ન હતાં. પરંતુ હવે કોરોનાની બીજી લહેર પણ પૂર્ણ થઈ ચૂકી છે. તેમજ હાલમાં કોરોનાનું સંક્રમણ પણ હળવું થયું હોય, અન્ય પ્રોજેક્ટોની ગતિ વધારવા માટે મનપા દ્વારા હવે આગામી સપ્તાહ સુધીમાં કુલ 849.13 કરોડનાં કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાની તૈયારી કરી છે. જેમાં 678.54 કરોડનાં લોકાર્પણ તેમજ 170.59 કરોડના ખાતમુહૂર્ત કરાશે.

લોકાર્પણનાં કામોમાં 198.66 કરોડના આવાસોના ડ્રો કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી તૈયાર થઈ ચૂકેલા વરિયાવ, ભીમરાડ, કતારગામ, મોટા વરાછા, મગોબ, ડિંડોલીની સાઈટનાં આવાસોના ડ્રો કરાશે. તેમજ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત લિંબાયત ઝોનમાં ડિંડોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 40 એમએલડી ક્ષમતાનો એસટીપી બનાવી પાંડેસરા ઔદ્યોગિક એકમોને આપવામાં આવશે. અને ડિંડોલી એસટીપીના વિસ્તૃતીકરણના 256.31 કરોડના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાશે. તેમજ અન્ય લેક ગાર્ડન, મૂન ગાર્ડનનું લોકાર્પણ (Lake -moon garden Inauguration) કરાશે. તેમજ 170.59 કરોડના વિવિધ આવાસોનાં ખાતમુહૂર્તનાં કામો માટે શાસકો અને મનપા કમિશનરે ચર્ચા કરી હતી. જેમાં સંભવત: આગામી સપ્તાહની કોઈ તારીખ નક્કી કરી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.

Most Popular

To Top