SURAT

એપ્રિલ મહિનાની કોરાનાની પિકમાં અધધ 6 હજાર મેટ્રીક ટન ઓક્સિજન પૂરો પાડતા તંત્રને નવનેજા પાણી આવ્યા

સુરતઃ (Surat) કોરોના કટોકટી વચ્ચે જ્યારે એપ્રિલ મહિના દરમિયાન કોરોના કેસોમાં ઉછાળો આવતાં ઓક્સીજનના વપરાશમાં પણ એકાએક અકલ્પનીય વધારો નોંધાયો હતો. દેશભરમાં કોવિડ કેસોમાં સતત વધારો અને ઓક્સીજનની (Oxygen) બુમરાણ વચ્ચે એક તબક્કે તો શહેરમાં ઓક્સીજનની ગંભીર અછત સર્જાવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં હતા. પરંતુ જિલ્લા વહીવટી તંત્રના બાહોશ અધિકારીઓએ મહામહેનતે સ્થિતિ થાળે પાડવા દિવસ-રાત એક કર્યા હતા. જેના કારણે સુરતમાં ઓક્સીજનની અછતના કારણે પરિસ્થિતિ વણસી હોય તેવો અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. દર્દીઓને મોતના મોંમાંથી ઉગારવા માટે રાજ્ય સરકારના સહયોગથી તાબડતોબ ઓક્સીજનની વ્યવસ્થા કરી રાહત પહોંચાડવામાં આવી અને ઉમદા ટીમવર્ક કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ પેશ કર્યું હતું.

વધુ વિગતો પર નજર કરીએ સામાન્ય રીતે રાજ્યભરમાં દૈનિક ૧૯૫ મેટ્રિક ટન ઓક્સીજન વપરાય છે, પરંતુ કોવિડના બીજા ફેઝમાં ૧૧૫૦ મેટ્રિક ટનનો ઉછાળો નોંધાયો હતો. દેશમાં માર્ચ મહિનામાં આવતા કોરોના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો હતો. ગુજરાત અને સુરત પણ એમાં બાકાત નહોતું. સુરતની વાત કરીએ તો, કોવિડના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે માર્ચમાં ૬૪ મેટ્રિક ટનનો વપરાશ હતો. જે વધીને એપ્રિલ મહિના દરમિયાન તા.૧૧મી એપ્રિલ ઓક્સીજનનો ટોચ પર પહોંચીને ૨૪૧ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો હતો. આવા સમયે સિવિલ-સ્મીમેર તથા શહેરની ખાનગી હોસ્પિટલોમાં સમયસર પૂરવઠો પહોંચે એ માટે કલેક્ટર ડો.ધવલ પટેલ અને જી.આઈ.ડી.સી.ના એમ.ડી. અને સુરતમાં કોવિડ માટે ખાસ ફરજ પરના અધિકારી એમ.થેન્નારસનની કુનેહના કારણે સુરતીવાસીઓએ ઓક્સીજનની માંગ સામે સપ્રમાણસર ઓક્સીજનનો પૂરવઠો પૂરો પાડવાનું કપરું કાર્ય સુપેરે પાર પાડ્યું. તંત્રએ ઓક્સીજન સપ્લાય અને પ્રાપ્તિ માટે વિવિધ મોરચે કામ સંભાળ્યું અને પરિણામ આપણી સૌની સામે છે. એક તબક્કે અધિકારીઓ જાતે જ આઈનોક્સ કંપની પર જઈને મધ્યપ્રદેશનાં ટેન્કરોમાં ઓક્સીજન રિફિલિંગને અટકાવીને સુરતના ટેન્કરોનું સૌ પહેલાં રિફિલિંગ થાય એ માટે તાકીદ કરી હતી. પરિણામે મધ્યપ્રદેશ પહેલાં સુરતને ઓક્સીજન રિફિલ માટે પ્રાથમિકતા મળી હતી. સુરતમાં છ હજાર મેટ્રિક ટન ઓક્સીજન પિક સિઝનમાં પૂરો પાડતા તંત્રને પરસેવો વળી ગયો હતો.

૨૦ અધિકારીની ટીમ બનાવીને કંટ્રોલ રૂમ શરૂ કરાયો
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર રૂપમ પટેલે જણાવ્યું હતું કે, શરૂઆતમાં સુરતને આઈનોક્સ કંપની તરફથી ૧૨૦થી ૧૩૦ મેટ્રિક ટન તથા ૧૫-૨૦ મેટ્રિક ટન મે.લિન્ડે તરફથી ઓક્સીજન સપ્લાય મળતો હતો. જેનાથી શહેરની માંગ સંતોષાઈ જતી હતી. પરંતુ એક તબક્કે કેસોમાં આવેલા ઉછાળાના પરિણામે ઓક્સીજનની જરૂરિયાતમાં એકાએક વધારો થતાં તત્કાળ મોનિટરિંગ કરવા માટે ૨૦ જેટલા ક્લાસ વનથી લઈ ક્લાસ-૩ સુધીના અધિકારી-કર્મચારીઓની ટીમ બનાવી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. સુરત ખાતે અગાઉ એક લિક્વિડ ઓક્સીજન ઉત્પાદક, એક એર સેપરેશન યુનિટ અને છ રિફિલર્સ હતા. રિફિલર્સના ત્રણ નાઈટ્રોજન ટેન્કર ઓક્સીજન ટેન્કરમાં ફેરવાયાં હતાં. જેથી ટેન્કરની તંગી ઓછી થઈ હતી. વધુમાં એક નાઈટ્રોજન સ્ટોરેજ ટાંકી પણ ઓક્સીજન સ્ટોરેજ ટેન્કમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.

એકબાજુ વહીવટી તંત્ર ર રાત-દિવસ એક કરી રહ્યું હતું. ત્યારે બીજી બાજુ શહેરની અનેક સેવાભાવી સંસ્થાઓ, જ્ઞાતિ સમાજ અને કોમ્યુનિટી જૂથોને ઓક્સીજન બેડ સુવિધાવાળી સી.સી.આઈ.સી. અને ડી.સી.એચ.સી. (કોમ્યુનિટી અને ડેડિકેટેડ કોવિડ કેર એન્ડ આઈસોલેશન સેન્ટર્સ) બનાવ્યાં હતાં, ત્યાં પણ ઓક્સીજનની જરૂરિયાત રહેતી હતી. આ સેન્ટરો પણ ખાનગી ઉદ્યોગગૃહો પાસે શક્ય તેટલો ઓક્સીજન સપ્લાય મળી રહે એવા પ્રયાસો કરી રહ્યા હતા. શહેરમાં ઓક્સીજન અને ઓક્સીજન સિલિન્ડરની આ વધારાની આવશ્યકતા માટે ખાનગી ઉદ્યોગો પાસેથી સિલિન્ડર હસ્તગત કરી ઉપરાંત ખરીદી કે ભાડેથી લઈ આવા ૧૫૦૦-૨૦૦૦ વધારાના સિલિન્ડર ઉમેરવામાં આવ્યા હતા. જે પાંચ ડીસીએચસી અને ૨૨ CCICને આપવામાં આવ્યા હતા.

ઈમરજન્સીના સમયે જરૂરિયાતને પહોંચી વળવા બફર સ્ટોક
નાયબ કલેક્ટર રાજેશ બોરડે જણાવ્યું કે, સુરતમાં ટેન્કરોની જરૂરિયાત મુજબ ઓક્સીજનની સપ્લાય કર્યો હતો. સાત ડીલર પાસેથી ઓક્સીજન જથ્થો મળતો રહે એ માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ઈમરજન્સીના સમયે કોઈ પણ હોસ્પિટલને ઓક્સીજન સ્ટોક પૂરો પાડી શકાય એ માટે અંદાજે ૨૫૦-૩૦૦ જમ્બો સિલિન્ડરો, પાંચ ડ્યુરા અને ચાર પોર્ટાનો બફર સ્ટોક કટોકટી હેતુ માટે રિઝર્વ રાખવામાં આવ્યો હતો. જ્યારે પણ હોસ્પિટલો દ્વારા S.O.S (ઈમરજન્સી) કોલ્સ આવતા ત્યારે તેમનાં સિલિન્ડરો રિફિલિંગ થાય ત્યાં સુધી આ બફર સ્ટોકમાંથી ઓક્સીજન આપવામાં આવતો હતો.

પ્રત્યેક ઓક્સીજન ટેન્ક સાથે પોલીસ જવાન તૈનાત
ઓક્સીજનનો સમયસર સપ્લાય થાય એ માટે સુરતથી મામલતદાર તેમના સ્ટાફ સાથે જામનગરના રિલાયન્સ ખાતે ડ્યૂટી પર મુકાયા હતા. સમયસર ઓક્સીજન પહોંચાડવા ઓક્સીજનનાં ટેન્કરોને ઝડપી આવાગમન માટે ‘ગ્રીન કોરિડોર’ બનાવાયો હતો. જેમાં દરેક ટેન્કરને પોલીસ વાહનના પાયલોટિંગ સાથે ગ્રીન કોરિડોર મારફતે વિના વિક્ષેપ સમય ગુમાવ્યા વિના સુરત ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. પ્રત્યેક ટેન્ક સાથે એક પોલીસ જવાનને તૈનાત રહી ટેન્કર સુરક્ષિતપણે ગંતવ્ય સ્થળે પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ખાનગી હોસ્પિટલ સંચાલકોને હાશકારો થયો
શહેરના સાત રિફિલરો સાથે ઓક્સીજનની પૂર્તિ માટે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ સુરત શહેરમાં હજીરા આઈનોક્સ, ઝઘડિયા તથા જામનગરથી આવતા ઓક્સીજનના સપ્લાય અને રિફિલિંગ માટે સાત સપ્લાયરોને નિયુક્ત કરાયા હતા. દર બે કલાકે ઓક્સીજન જરૂરિયાતનું મોનિટરિંગ, જથ્થાનું પ્રમાણ, મીટર રિડિંગ માટે તંત્રના દરેક સપ્લાયર પર એક અધિકારી સતત રાઉન્ડ ધ ક્લોક નિગરાની રાખતા કલેક્ટર ડો.ધવલ પટેલે જણાવ્યું કે, સુરત માટેનો ઓક્સીજન ક્વોટા ઘટાડવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિને પહોચી વળવા માટે અમે ઓક્સીજનનો કરકસરથી ઉપયોગ થાય એ માટે ઓક્સીજન ઓડિટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઓક્સીજનના કાર્યક્ષમ ઉપયોગ માટે સિવિલ, સ્મીમેર અને ખાનગી હોસ્પિટલો માટે ડેડિકેટેડ ઓક્સીજન ઓડિટ ટીમ બનાવવામાં આવી હતી. ઓડિટ ટીમે તમામ હોસ્પિટલોની મુલાકાત લઈ તમામ લીકેજ પોઈન્ટ ચકાસી તેમાં સુધારા કરાવ્યા. અગાઉ કરવામાં આવેલા ૯૬-૯૭ %ની તુલનામાં ૯૪ % મહત્તમ પર SPO2 જાળવવા જેવી શ્રેષ્ઠ પદ્ધતિઓ લાગુ કરવામાં આવી હતી. કલેક્ટરે કહ્યું કે, બાયપેપ દર્દીઓ માટે સ્ટેપ ડાઉન મેથડ અજમાવવામાં આવી હતી. જેમાં દર્દીઓ ૮૦-૯૦ LPM ઓક્સીજન પર હોય, તો તે ધીરે ધીરે ૬૦-૫૦ LPM સુધીના સ્તરે લાવી ચોવીસ કલાક દર્દીને દેખરેખ હેઠળ રાખવામાં આવતા હતા. આ પછી જો દર્દી તે લેવલ પર સ્ટેબલ રહે તો ઘટાડેલ લેવલ પર ઓક્સીજન રાખવામાં આવે છે. આ રીતે વપરાશ ઓછો થયો અને ઓક્સીજન બચાવવામાં ખૂબ મદદ મળી. સિવિલ હોસ્પિટલમાં ૧૩ કિલોલીટર ઓક્સીજન સ્ટોરેજ પ્લાન્ટ અને ૦૪ મેટ્રિક ટન ઓક્સીજનની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પી.એસ.એ પ્લાન્ટ સ્થાપિત કરાયો છે. સ્મીમેર હોસ્પિટલ દ્વારા પણ વધારના ૨૦ મેટ્રિક ટન ઓક્સીજન સ્ટોરેજ ટેંક માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેટલીક ખાનગી હોસ્પિટલોએ પણ ઓક્સીજન ઉત્પાદન કરવા માટે જાતે પ્લાન્ટ શરૂ કર્યા. જેમાં ગ્લોબલ સનશાઇન અને એપલ હોસ્પિટલ તેમજ મિશન હોસ્પિટલે ૧૩ કિલોલીટર ટેન્ક સ્થાપિત કરી અને ઇટાલીથી PSA પ્લાન્ટ મંગાવ્યો હતો.

Most Popular

To Top