Surat Main

જે તે વિસ્તારના મુસ્લિમ આગેવાનો મુસ્લિમ સમાજને રમઝાનમાં કોરોનાની ગાઈડલાઈનું પાલન કરાવશે, જાણો કઈ રીતે?

સુરતઃ (Surat) કોરોના વાયરસના નવા સ્ટ્રેઈનનો વ્યાપ દિન-પ્રતિદિન શહેરમાં વધી રહ્યો છે. આવી ગંભીર પરિસ્થિતિને જોતાં વધુ કાળજી રાખવાની આવશ્યકતા છે. આ નવા સ્ટ્રેઈન ખૂબ જ ચેપી અને ઘાતક છે. સુરત મહાનગરપાલિકા (Corporation) દ્વારા શહેરીજનોને કોરોના વાયરસ સામે બચવા માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. સાથે સાથે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે શહેરીજનોનો સહકાર જરૂરી હોય, સુરત મહાનગરપાલિકા દ્વારા ડાયમંડ, ટેક્ષટાઈલ, અન્ય ઉદ્યોગો, મોલ, વ્યાપારી સંસ્થાઓ ઉપરાંત શહેરમાં વસતા વિવિધ સમાજના લોકો સાથે મીટિંગ કરવામાં આવી રહી છે.

મીટિંગમાં રમજાનને (Ramzaan) ધ્યાને રાખીને મંગળવારે મનપા દ્વારા મુસ્લિમ ધર્મગુરૂઓ તથા સમાજના અગ્રણીઓ (Muslim Community) સાથે મીટિંગ કરી તેઓના પવિત્ર માસ રમઝાન તહેવારને સાદાઈથી ઉજવવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી હતી. મેયર હેમાલી બોઘાવાલાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ડેપ્યુટી મેયર દીનેશ જોધાણી સહિતના પદાધિકારીઓ અને મનપા કમિશનર બંછાનિધી પાનીએ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વધતા જતા સંક્રમણને નાથવા માટે મુસ્લિમ સમાજ પણ હાલના રમઝાન તહેવારની ઉજવણી સાદાઈથી કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે રમઝાન મહિના સંદર્ભે મુસ્લિમોનો તહેવાર સાદગીપૂર્વક અને કોવિડ ગાઈડલાઈનના પાલન કરવા સાથે ઉજવાય તે માટે અમુક ગાઇડલાઇન તૈયાર કરીને તેની અમલવારી માટે જે તે વિસ્તારના લઘુમતિ આગેવાનોની કમિટી બનાવવાનું નકકી કરાયું હતું.

આઇસોલેશન અને વેક્સિનેશનમાં સહકાર માટે પણ લઘુમતિ સમાજના આગેવાનોને અપીલ
શહેરમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે અન્ય સમાજોની જેમ મુસ્લિમ સમાજ દ્વારા પણ હીબા હોસ્પિટલ, કશિશ ચેરિટેબલ ટ્રસ્ટ, બોટાવાલા હોસ્ટેલ, પથ્થરવાલી હોસ્પિટલ વગેરેમાં પણ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમાં વધુમાં વધુ સહકાર આપવા તેમજ કોરોના સામે મુખ્ય હથિયાર એવા વેક્સિનેશનને વેગ આપવા વેક્સિન સેન્ટર પણ ઉભા કરાયા છે અને મુસ્લિમ સમાજ દ્વારા સુફી હોસ્પિટલ, લોખાત હોસ્પિટલ, રાંદેર અંજુમન વગેરે સ્થળોએ વેકસિનેશન સેન્ટર ઉભા કરી સુરત મહાનગરપાલિકાના વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં વધુમાં વધુ લોકો વેક્સિન લેવા આવે તે માટે મુસ્લિમ સમાજના આગેવાનોને અપીલ કરવા અનુરોધ કરાયો હતો.

Most Popular

To Top