સુરત: (Surat) શહેરમાં થોડા સમયથી લોકો તથા વેપારીઓને (Traders) ખોટી ઓળખ આપી છુટા પૈસા અપવાના બહાને તેમના પૈસા (Money) લઈ નાસી જઈ ચીટીંગ (Cheating) કરતી ગેંગ સક્રિય થઈ છે. શહેરના કતારગામ, મહિધરપુરા અને સરથાણા પોલીસ સ્ટેશનમાં (Police Station) આ પ્રકારના ગુના નોંધાતા એસઓજીની ટીમ પણ તપાસમાં લાગી હતી. કારણકે તમામ ગુનામાં મોડસ ઓપરેન્ડી એક સમાન જોવા મળી હતી. દરમિયાન એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે મજુરાગેટ ચંદનવન એપાર્ટમેન્ટ પાસેથી આરોપી અહેમદ રઝા ઉર્ફે ઐયાન જોલ યકીમ તૈલી (ઉ.વ.૨૪ રહે – ૪૦૧ – ચંદનવન એપાર્ટમેન્ટ, મજુરાગેટ)ને ઝડપી પાડ્યો હતો.
આરોપીની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી વિશે પુછતા તેને જણાવ્યું હતું કે, જે વ્યકિતને ટાર્ગેટ કરવાનો છે તે વ્યક્તિની દુકાન કે ઓફિસની જગ્યાએ જઈ પ્રથમ તેની આજુબાજુની વ્યક્તિ બાબતે માહિતગાર થતો હતો. બાદમાં જે વ્યક્તિ સાથે ચીટીંગ કરવાનું તે વ્યક્તિ પાસે જઈ પોતે તેની બાજુની દુકાનનો માલિકનો છોકરો છે, કે પછી પોતે તે દુકાન કે ઓફિસનો માલિક છે તેમ પોતાની ખોટી ઓળખ આપતો હતો. ભોગ બનનાર સાથે ઓળખ પરીચય કેળવી બાદમાં દુકાનદારને જણાવતો કે ‘તમારે છુટા પૈસા જોઈએ છે?’ પુછી જો દુકાનદાર છુટા પૈસા લેવા તૈયાર થાય તો તે વ્યક્તિ પાસેથી પૈસા લઈ લેતો અને ‘તે વ્યક્તિને તેનો કોઈ માણસ મારી સાથે મોકલો તેને હુ છુટા પૈસા આપી દઉ’ તેમ જણાવી પોતાની સાથે આવેલા માણસની નજર ચુકવી નાસી જતો હતો.
મેડીકલ સ્ટોર્સમાંથી છુટ્ટા પૈસા આપવાને બહાને ૯ હજાર લઈ છેતરપિંડી કરી
ગત 20 માર્ચે મહિધરપુરા આયુર્વેદિક કોલેજની બાજુમાં આવેલી ટુ ડ્રગ ફાર્મસી મેડીકલ સ્ટોર્સવાળાને ઠગે પોતે આર્યુવેદિક કોલેજની અંદર ચાલતી કેન્ટીનનો માલિક હોવાની ઓળખ આપી હતી. તેને ૧૦૦ સેનિટાઈઝરનો ઓર્ડર આપી મેડીકલ વાળાને છુટા આપવાના બહાને 9 હજાર રૂપિયા લઈ જઈ ચીટીંગ કરી હતી.
સરથાણામાં હોસ્પિટલના કેશ કાઉન્ટરમાં નોકરી કરતી મહિલા પાસેથી ૪૦ હજાર પડાવી ગયો
ગત 26 ઓક્ટોબરે સરથાણા સીમાડા ગામ ખાતે આવેલી એઇમ્સ હોસ્પિટલના કેશ કાઉન્ટરવાળા બહેનને પોતે તેમની હોસ્પિટલની બાજુમાં આવેલા ગેરેજના માલિકનો છોકરો હોવાની ઓળખ આપી હતી. હોસ્પિટલમાં ડોક્ટરની કેબીનમાં જઈ બહાર આવી કેશ કાઉન્ટ પર પરત જઈ ડોક્ટર સાહેબ સાથે છુટા પૈસા આપવા બાબતે વાત થઈ ગઈ હોવાનું કહ્યું હતું અને મહિલા પાસેથી 40 હજાર રૂપિયા લઈને વોર્ડ બોયને પોતાની સાથે છુટા પૈસા લેવા લઈ જઈ તે વોર્ડ બોયની નજર ચુકવી નાસી ગયો હતો.
કતારગામમાં સ્ટોર્સ સંચાલક પાસેથી બિસ્કીટના પેકેટના નામે 30 હજાર લઈ ગયો
ગત 16 નવેમ્બરે કતારગામ લક્ષ્મી એન્ફ્લેવ -૨ માં આવેલા વર્ધમાન એન્ટરપ્રાઈઝ સ્ટોરમાં જઈ દુકાનદારને પોતાની બાજુમાં આવેલા જોકીનો શો – રૂમ તેના ભાઈ વિશાલનો હોવાનું જણાવ્યું હતું. પોતાને મંદિરમાં દાનમાં આપવા આઠસો બિસ્કીટના પેકેટ જોઈએ છીએ તેમ કહી પોતાની પાસે છુટા પૈસા પડેલા છે તેમ કહીને દુકાનદાર પાસેથી 30 હજાર રૂપિયા લઈ ગયો હતો અને દુકાનમાં કામ કરતા કારીગરને પોતાના જોકીના શો રૂમે પહોંચ તેમ જણાવી નાસી જઈ ચીટીંગ કરી હતી.