SURAT

ટૂંક સમયમાં સુરતનો ઐતિહાસિક કિલ્લો તેના અસલી સ્વરૂપમાં જોવા મળશે, આ મહિનામાં ખુલ્લો મુકાશે

સુરત: (Surat) સુરત એક ઐતિહાસિક શહેર છે. હાલમાં મુંબઈ જે રીતે દેશની આર્થિક રાજધાની છે તેવી જ રીતે સુરત શહેર મોગલોના સમયમાં ભારતની આર્થિક રાજધાની હતું. સુરત શહેરનો ઈતિહાસ (History) સદીઓ પુરાણો છે. સુરતની ઓળખ વૈશ્વિક સ્તરે પણ છે. સદીઓ પહેલાં સુરતની મુલાકાત લેનારા અનેકે સુરત વિશે આલેખ્યું છે. સુરતના આ ભાતિગળ ઈતિહાસથી સુરતવાસીઓને વાકેફ કરી શકાય તે માટે સુરત મનપાએ ચોકબજાર ખાતેના ઐતિહાસિક કિલ્લાનું (Historic castle) રિસ્ટોરેશન કર્યું છે. જેમાં ફેઝ-1ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ડિસેમ્બર કે જાન્યુઆરી માસ સુધીમાં કિલ્લાનો ફેઝ-2 પણ શહેરીજનો માટે ખુલ્લો મૂકી દેવાશે.

શહેરનો ઐતિહાસિક કિલ્લો ઈ.સ.1540માં ખુદાવંતખાન દ્વારા તૈયાર કરાયો હતો. જે અન્ય દેશોના આક્રમણથી બચવા માટે ખાસ તૈયાર કરાયો હતો. જે કિલ્લાનું રિસ્ટોરેશન કરવાનું મનપા દ્વારા નક્કી કરાયું અને વર્ષ-2015થી આ કિલ્લાનું રિસ્ટોરેશન કામ ચાલી રહ્યું છે. જે બે વર્ષેમાં પૂર્ણ કરવાનું હતું. પરંતુ કામ હજુ પૂર્ણ કરી શકાયું નથી. પરંતુ હવે દિવાળી બાદ તુરંત જ કિલ્લાનું સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જશે. અને શહેરીજનો માટે સંપૂર્ણ રીતે ખુલ્લો મૂકી દેવાશે.

કિલ્લાના રિસ્ટોરેશનમાં સિમેન્ટનો ઉપયોગ કરાયો નથી
કિલ્લાને અસ્સલ જૂના કિલ્લા જેવો લૂક આપવા માટે ખાસ મહેનત કરવામાં આવી છે. જેમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને મહારાષ્ટ્રના ખાસ બ્લોક લેસરનો ઉપયોગ કરાયો છે. તેમજ ક્લ્લિાના રેમ્પ પણ પહેલાના જેવા જ અસ્સલ બનાવાયા છે. કિલ્લામાં રંગીન શીશાનો પણ ખાસ ઉપયોગ કરાયો છે. જેથી જૂના જમાનાના બાંધકામનો લૂક દેખાય. હિસ્ટોરિકલ ફર્નિચરની જેમ જ લાકડાંનો ઉપયોગ કરી દાદર વગેરે બનાવાયા છે.

કિલ્લામાં લોકો શું શું જોઈ શકશે?
મુલાકાતીઓની મુલાકાત માટે નવું એ.વી. રૂમ, તઘલક સમયનું ફાઉન્ડેશન, નવાબ અફઝલદીન ખાનનું સિંહાસન, સુરત આર્કાઈવ્ઝ, સુરતનો ઈતિહાસ, સુરતના કિલ્લાનો ઈતિહાસ, મહાત્મા ગાંધીજીની સુરતની મુલાકાત આધારિત ગેલેરી, સુરત સિટી ગેલેરી, મુઘલ ગેલેરી, આર્મ્સ એન્ડ આર્મર અને કિલ્લામાંથી ઉત્ખનન દ્વારા મળેલા ગોળા તથા માટીની કૃતિઓ, સિક્કા અને ચલણી નોટો, કોઠીઓ આધારિત ગેલેરીઓ, ડચ લાઈફસ્ટાઈલ રૂમ, કોર્ટ રૂમ, હસ્તપ્રતો અને લઘુચિત્રો આધારિત ગેલેરીઓ, તામ્રપત્રો, તૈલચિત્રો, પીછવાઈ અને શિલાલેખો, સુરતનાં મહત્ત્વપૂર્ણ સ્થળોને દર્શાવતી પેનલ, બ્રિટીશ લાઈફસ્ટાઈલ ગેલેરી, બ્રિટીશ પોર્સલીન, જાપાનીઝ પોર્સલીન, ચાઈનીઝ પોર્સલીન, ફેક અને રિપ્રોડક્શન,પથ્થરની મૂર્તિઓ, ગુજરાતી લોકકળા આધારિત ગેલેરી, કાચની કલાકૃતિઓ, જરી અને ટેક્સટાઈલ, બીડ વર્ક ગેલેરીઓ, હાથીદાંતની કલાકૃતિઓ, વી.આર.બેઝ્ડ સુરતનો નકશો, લાકડાંમાંથી બનેલી કલાકૃતિઓ, ફિલાટેલી, યુનાની ડિસ્પેન્સરી, તાંબા અને કાંસામાંથી બનેલી કલાકૃતિઓ, બિદ્રીવેર આધારિત ગેલેરી, 16 મીથી 18મી સદી દરમિયાન સુરતની મુલાકાત લીધેલા વિદેશી ટ્રાવેલર્સની ગેલેરી વગેરે.

શહેરમાં પ્રથમવાર લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ કિલ્લામાં જોઈ શકાશે
ઐતિહાસિક કિલ્લામાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું છે. તેમજ અંદાજિત 10થી 12 કરોડનો ખર્ચ કરાયાનો અંદાજ છે. આ શોને કારણે આગામી દિવસોમાં કિલ્લા પ્રત્યે પણ લોકો આકર્ષિત થશે. તાપી નદી અને સુરત શહેરના ભૂત-ભવિષ્ય અને વર્તમાનને આ શોમાં તાદૃશ્ય કરાશે. સુરત શહેરના ભવ્ય ઈતિહાસની તમામ જાણકારી આ શોના માધ્યમથી આપવામાં આવશે. જેમાં અકબર કે જેઓ સુરત શહેરમાં આવ્યા હતા, શિવાજી સુરત આવ્યા હતા તે તમામ ઈતિહાસ અને ત્યાંથી લઈ કવિ નર્મદ વિશેની જાણકારી પણ લાઈટ એન્ડ સાઉન્ડ લેસર શોના માધ્યમથી આપવામાં આવશે. તમામ કેરેક્ટરને નરેટ કરે એ પ્રકારે સાઉન્ડ સિસ્ટમ ગોઠવી હિસ્ટોરિકલ નરેશન કરવામાં આવશે. ટૂંકમાં સુરત અને તાપી નદીના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યનાં આયોજનોને સમાવી લેવાશે.

Most Popular

To Top