સુરતના ચૌટાબજારમાં કોસ્મેટિક તેમજ બ્યુટી પ્રોડકટનું વેચાણ કરનારને ત્યાંથી પકડાય કરોડોની કરચોરી

સુરત(Surat): સુરત જીએસટી (GST) વિભાગ દ્વારા ચૌટા બજારમાં (Chauta Bazar) કોમેટીક અને બ્યુટી પ્રોડક્ટનું વેચાણ કરનાર એન.આર.જવેલર્સ (N.R. Jewelers) ગ્રૂપને ત્યાં સાગમટે દરોડા પાડી કરોડોની કરચોરી શોધી કાઢી છે. જીએસટી વિભાગે માર્કેટ ઇન્ટેલિજન્સ-સિસ્ટમ બેઝ એનાલિસિસનો ઉપયોગ કરી મોટા પાયે કરચોરી પકડી સરકારી ટેક્સની સલામતી માટે પ્રથમવાર માલનો સ્ટોક જપ્ત કરવા સાથે મિલકતો પણ ટાંચમાં લીધી છે. વિભાગે સુરત ખાતે ચૌટા બજાર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલી કોસ્મેટિક, ઇમિટેશન જવેલરી, મેક-અપનો સામાન, લેડીઝ ફૂટવૅર જેવી વસ્તુઓના ધંધા સાથે સંકળાયેલી એન.આર.ગ્રૂપની એન.આર.બ્યુટી વર્લ્ડ, એન.આર.જવેલર્સ, એન.આર.બેંગલ્સ અને એન.આર.ફીટ-ઇન નામની પેઢીઓના ધંધાના સ્થળો, ગોડાઉન અને રહેઠાણના સ્થળોએ મળી કુલ 9 સ્થળોએ તપાસ કરી હતી. ૯ સ્થળોએ સતત 4 દિવસ સુધી અલગ-અલગ ટીમો દ્વારા તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી.

  • ખૂબજ નજીવા વેચાણો બતાવી તેના પર વેરો ભરી કરચોરી કરવામાં આવતી હતી
  • પેઢીઓનો માલ સ્ટોક મિલકતો વગેરે કામચલાઉ ટાંચમાં લેવામાં આવી

પેઢીઓ દ્વારા કરવામાં આવતા વેચાણોના પ્રમાણમાં વેરો ભરવામાં આવતો નહોતો. ખૂબજ નજીવા વેચાણો બતાવી તેના પર વેરો ભરી કરચોરી કરવામાં આવતી હતી.આ પેઢીઓ ઇમ્પોર્ટથી અને આંતર-રાજ્ય ખરીદીથી મોટા પ્રમાણમાં માલની ખરીદી કરતી હતી. એટલુંજ નહીં આવી ખરીદીઓને ચોપડે નહીં દર્શાવીને આવા વેચાણો પર વેરો ભરવાનું ટાળતા હતાં.9 સ્થળોએથી મોટા પ્રમાણમાં કાચી ચિઠ્ઠીઓ ઉપરના બિન-હિસાબી વ્યવહારો મળી આવ્યા છે. આ પેઢીઓના સોફ્ટવૅરમાંથી કાચા વેચાણોની મોટી નોંધો પણ મળી આવી છે. તદ્ઉપરાંત બિલ વગરની ખરીદીનો મોટો જથ્થો પણ કાર્યવાહી દરમિયાન મળી આવ્યો છે. જેને જપ્ત કરવામા આવ્યો છે. સરકારી વેરાની સલામતી માટે આ પેઢીઓનો માલ સ્ટોક મિલકતો વગેરે કામચલાઉ ટાંચમાં લેવામાં આવી છે. માલ સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે.

બ્યુટી અને કોસમેટીકમાં વપરાતી વસ્તુઓ પૈકી બંગડી(પ્લાસ્ટિક સિવાયની) ઉપર વેરાનો દર ૩%, ઇમિટેશન જવેલરી પર ૧૮%, બ્યુટી પ્રોડક્ટ પર ૧૮%, ફૂટવૅર પર ૧૨% અને લેડીઝ પર્સ પર ૧૨% લાગુ પડે છે જે ભરપાઈ થયો ન હતો. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિન હીસાબી સાહિત્ય, કાચી ચિઠ્ઠીઓ અને ડીજીટલ ડેટા મળી આવ્યાં છે. જેને જપ્ત કરાયા છે અને તેની ઉંડાણ પૂર્વકની ચકાસણીની કાર્યવાહી ચાલુ છે.

Most Popular

To Top