ઉત્તરાયણની અસર: સુરતમાં ફરી કોરોના ઓલટાઈમ હાઈ, નવા 2955 કેસ નોંધાયા

સુરત(Surat): શહેરમાં દિનપ્રતિદિન સતત વધી રહેલા કોરોનાના (Corona) સંક્રમણ વચ્ચે રવિવારે (Sunday) આંશિક ઘટાડા બાદ સોમવારે (Monday) ફરી 2955 કેસ નોંધાયા છે. શહેરમાં વધુ 71 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવા પામ્યા છે. જયારે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં કેસોની સંખ્યા વધુ આવતા મનપા દ્વારા તકેદારીના ભાગરૂપે જે તે સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરી લોકોની અવરજવર માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

કોરોનાની ત્રીજી લહેરમાં સુરત શહેરના અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક આંકડાઓ તાજેતરમાં જ 14 જાન્યુઆરીએ જ નોંધાયા હતા. ઉત્તરાયણના ત્રણ દિવસ અગાઉ સુરત શહેરમાં પતંગ અને દોરીની ખરીદી માટે લોકોએ બજારોમાં પડાપડી કરી હતી. જેના કારણે આગામી દિવસોમાં કોરોનાના કેસોમાં હજુ વધુ વધારો થવાની દહેશત પણ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારે રાંદેર ઝોનમાં સૌથી વધુ 511 કોરોનાના કેસો નોધાયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરમાં કોરોનાના કેસ ઓલટાઈમ હાઈ નોંધાતા હતા પરંતુ સોમવારે સુરત જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો ઓલટાઈમ હાઈનો નોંધાવા પામ્યો છે. સુરત જિલ્લામાં આ કેસમાં સૌથી વધારે ઓલપાડ તાલુકામાં 86 કેસ નોંધાયેલા હતા. સાથે સાથે સુરત જિલ્લામાં નોંધાયેલા કેસ એ રાજ્યના તમામ જિલ્લાઓમાં નોંધાયેલા સૌથી વધુ કેસ અને રાજ્યની અમદાવાદ, સુરત તેમજ વડોદરા કોર્પોરેશન પછીના ચોથા ક્રમે હતા.

સુરત જિલ્લામાં સોમવારે જે બે દર્દીના મોત થયા તેમાં કામરેજમાં 75 વર્ષના વૃદ્ધા તેમજ ઓલપાડના શેરડી ગામના 52 વર્ષિય વૃદ્ધનો સમાવેશ થાય છે. જ્યારે જે કેસ નોંધાયા તેમાં ચોર્યાસીમાં 10, કામરેજમાં 78, પલસાણામાં 53, બારડોલીમાં 84, મહુવામાં 33, માંડવીમાં 60, માંગરોલમાં 54 તેમજ ઉમરપાડામાં 6 કેસ નોંધાયા હતા. સુરત જિલ્લામાં આજના કેસ સાથે કોરોનામાં કુલ કેસનો આંક 34900 થયો છે. જ્યારે મોતનો આંક પણ 494 પર પહોંચી જવા પામ્યો છે. આ સાથે સુરત જિલ્લામાં 145 કોરોનાના દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા હતા. જે રીતે સુરત જિલ્લામાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે તે જોતા સુરત જિલ્લામાં કોરોનાના મામલે સ્થિતિ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે.

આ સોસાયટીઓને ક્લસ્ટર કરવામાં આવી

વરાછા ઝોન (એ)ના શિવાંજલી રો હાઉસમાં 7, પૂણામાં મુક્તિધામ સોસા.માં 6 પોઝિટિવ કેસ નોંધાતા ક્લસ્ટર જાહેર કરી લોકોની અવરજવર માટે બંધ, ઉધના ઝોન-(બી)ના ઉન વિસ્તારની ઇસ્માઇલ નગરમાં 8 દર્દી કોરોના પોઝિટિવ મળતા ક્લસ્ટર જાહેર કરી બંધ કરાઈ, લિંબાયતમાં ગોડાદરા વિસ્તારના શુભ રેસિડેન્સીમાં 6, શાંતિનગર સોસા.માં 12 અને નવાગામ ડિંડોલીના શ્રીનાથ નગરમાં 8 કેસ નોંધાતા ક્લસ્ટર જાહેર કરાયું, કતારગામ ઝોનના ગોતાલાવાડી વિસ્તારના ખોડિયાર નામના હિરાના કારખાનામાં ટેસ્ટિંગ દરમિયાન 12 પોઝિટિવ કેસ મળતા કારખાનું બંધ કરાયું છે.

વધુ 71 વિદ્યાર્થીઓ પોઝિટિવ નોધાયા, વિદ્યાર્થીઓ પોઝિટિવ, 2 કેસ આવતાં ડી.કે.ભટરાઘર શાળા બંધ કરાઈ
સોમવારે વધુ 71 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. જેમાં ડી.કે. ભટરાઘર શાળામાં 2 કેસ આવતા મનપા દ્વારા શાળા બંધ કરાઇ હતી. આ સિવાય વનિતા વિશ્રામ, સેવન્થ ડે, ઉન્નતિ શાળા, સિટિઝન, જીવનભારતી, સેન્ટ ઝેવિયર્સ, સનરેસ શાળા, પી.પી.સવાણી, તારા વિદ્યાલય, અગ્રવાલ વિદ્યા વિહાર, ડીપી એસ, મહેશ્વરી, હિલ્સ હાઇ, સંસ્કાર ભારતી, હસ્તાફૂલ વિધાલય, ભૂલકાંભવન, એસવીએનઆઇટી કોલેજ તથા અન્ય શાળાઓ તથા કોલેજના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

9 કર્મચારીઓ પોઝિટિવટ આવતાં સીમાડાનો અમીદીપ પેટ્રોલ પંપ બંધ કરાયો
શહેરના સીમાડા નાકા પાસે આવેલા અમીદીપ પેટ્રોલ પંપ પર કોવિડ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલ પંપના 9 જેટલા કર્મચારીઓ પોઝિટિવ નોંધાતા પાલિકા દ્વારા પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top