સુરતઃ (Surat) શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ (Gang) ફરી સક્રિય થઈ છે. ગઈકાલે આ ટોળકીએ જહાંગીરપુરા-સરોલી બ્રિજ નજીક એમેઝોન કંપનીના ગોડાઉનમાં ચોરી (Theft) કરી હતી. ગોડાઉનમાં ઘુસી સામાનની તોડફોડ કરી રોકડ અને એરપોડ મળી કુલ 65 હજારની મત્તા ચોરી કરી હોવાની ફરિયાદ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા-સરોલી બ્રિજ નજીક શિખર એવન્યુની સામે એમેઝોન કંપનીના ઇ-કોમર્સ સેલીંગના ગોડાઉન આવેલું છે. ગઈકાલે કડકડતી ઠંડીમાં વહેલી સવારે ચડ્ડી-બનિયાધારી ટોળકી ગોડાઉનના પાછળના ભાગે પતરાને વાંકા કરી અંદર પ્રવેશી હતી. અંદર આવીને ગોડાઉનમાં તોડફોડ કરી હતી. ઓફિસના ટેબલના ડ્રોઅરમાં મુકેલા રોકડા 60 હજાર, એપલ કંપનીનું એરપોડ મળી કુલ 65 હજારની મત્તા ચોરીને ભાગી ગયા હતા. ગોડાઉનમાં તોડફોડ અને ચોરી થવાની જાણ થતા મેનેજર અક્ષીત દિનેશ ગોયાણી (ઉ.વ. 21 રહે. બી 301, રાજલક્ષ્મી હાઇટ્સ, સિંગોણપુર) ગોડાઉનમાં દોડી આવ્યો હતો. તેને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા જહાંગીરપુરા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ગોડાઉનના સીસીટીવી ફૂટેજ જોતા તેમાં પાંચથી છ જેટલા બુકાનીધારી ચડ્ડી-બિનયાનધારી ગેંગ જોવા મળે છે. આ ગેંગ એકબીજાની સાથે મસ્કરી કરીને વસ્તુઓ ફેકીને તોડફોડ કરી રહી હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. જહાંગીરપુરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
મહિધરપુરામાં લૂંટ મામલામાં વધુ બે આરોપી પકડાયા
સુરત : મહિધરપુરામાં સોનાના વેપારી પાસેથી રૂા.1.63 કરોડ ઝૂંટવી લેનાર એમટુએમ શો-રૂમના કર્મચારી સહિત પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી એક મોપેડ, મોબાઇલ સહિત લૂંટના રૂા. 64 લાખ પણ કબજે લીધા હતા. પોલીસે આ ત્રણેયને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ત્રણેયના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વરાછામાં રહેતા શરદભાઇ લક્ષ્મણભાઇ સોલંકર એમટુએમના કર્મચારી મિતેશસિંહ પરમારને લઇને મહિધરપુરામાં સોનુ વેચવા માટે ગયા હતા. તેઓ સોનુ વેચીને રૂા. 1.63 કરોડ લઇ જતા હતા ત્યારે મોપેડ ઉપર આવેલા ત્રણ અજાણ્યાઓએ ચપ્પુ બતાવીને રોકડ ભરેલા બંને થેલાની લૂંટ ચલાવી હતી. આ કેસમાં પોલીસે એમટુએમ દુકાનના કર્મચારી મિતેશસિંહ પરનારની ધરપકડ કરી હતી, ત્યારબાદ રાજુ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજ મરાઠે દિલીપભાઇ કુંવર તેમજ શન્નીકુમાર શાંતિલાલ કંઠારીયાની ધરપકડ પણ કરી હતી. પોલીસે આ ત્રણેયની પુછપરછ કરતા તેઓએ રાજેન્દ્ર અને શન્નીકુમાર તેમજ તેઓની સાથે તૌસિફ જકીરભાઇ સૈયદ (રહે. ભવાની ચોક, દામનગર, અમરેલી) તેમજ સમીર ફિરોજભાઇ ચુડાસમા (રહે. ટીટોડિવાડ, બંગલાવાડી, ખોજાનાકુ, દામનગર)એ ભેગા મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે તૌસિફ અને સમીરને વોન્ટેટ જાહેર કરીને રૂા. 64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસે મિતેશસિંહ, રાજુ તેમજ શન્નીના રિમાન્ડ દરમિયાન વધુ રૂા. 50 લાખ કબજે કરવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસને બાતમીને આધારે સમીર તેમજ તૌસિફને રાજસ્થાનના અજમેરથી પકડી પાડ્યા હતા. તેઓના કોવિડ ટેસ્ટ કરાવીને તેમને ધરપકડ બતાવવામાં આવી હતી. પોલીસે આ બંનેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગશે, આ ઉપરાંત પકડાયેલા બીજા આરોપીઓની સાથે રાખીને ક્રોસ ઇન્ટ્રોગ્રેશન કરવામાં આવશે.