SURAT

સુરતમાં અન્નુ કેસેટ અને ઈસ્માઈલ પેન્ટર ગેંગ વચ્ચે તલવારો ઊછળી

સુરતઃ (Surat) શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા કોઝવે સર્કલ નજીક શુક્રવારે સાંજે બે ગેંગ (Gang War) સામસામે આવતાં તલવારો (Sword) ઊછળી હતી. તલવારો લઈને એક બીજાની પાછળ ભાગતો વિડીયો વાયરલ થતાં રાંદેર પોલીસે (Police) હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર વિસ્તારના ઈસ્માઈલ પેન્ટરનો તથા કોસાડ આવાસ ખાતે રહેતા અન્નુ કેસેટ સાથે લાંબા સમયથી ઝઘડો ચાલે છે. આ બંને ગેંગ જ્યારે પણ સામસામે આવે એટલે એકબીજા પર હુમલો કરે છે. બંનેની ગેંગ સામે લાલગેટ અને અમરોલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ભૂતકાળમાં ગુનો નોંધાયો છે. શુક્રવારે સાંજે આ બંને ગેંગ વચ્ચે કોઝવે સર્કલ પાસે ફરી મારામારી થઈ હતી. જેમાં તલવારો લઈને એક વ્યક્તિની પાછળ દોડી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોના આધારે પોલીસે તપાસ કરી અને ઈસ્માઈલ, અન્નુ, માહિર તથા અન્ય ત્રણ-ચાર અજાણ્યા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

ઉધનામાં માથાભારે રાજુ વાંકોડે પર ફાયરિંગ

સુરત: શહેરના ઉધના વિસ્તારમાં માથાભારે બુટલેગર રાજુ પર શુક્રવારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં એક બાઈક પર આવેલા ત્રણ જણાએ તમંચામાંથી ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઈ હતી. જો કે, ગોળી રાજુના ખભાના ભાગે વાગી હતી. તેમજ બૂમાબૂમને પગલે ભેગા થઇ ગયેલા લોકોએ ત્રણ પૈકી બેને ઝડપી લીધા હતા અને બંનેને ઢોરમાર મારતાં જેણે ફાયરીંગ કર્યું હતું તેની હાલત કટોકટ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિસ્તૃત વિગતો મુજબ પાંડેસરાના નાગસેનનગરમાં રહેતો બુટલેગર રાજુ વાંકોડે ઉધનાના હરિઇચ્છાનગર પાસે શેટ્ટી ટી સેન્ટર નામની ચાની લારી પર ઊભો હતો. ત્યારે એક બાઈક પર ઘસી આવેલા ત્રણ શખ્સે ફાયરિંગ કર્યું હતું. જેમાં ગોળી રાજુને ખભામાં વાગી હતી. ફાયરિંગના અવાજને પગલે આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને હુમલો કરવા આવેલા શખ્સો પાછળ દોડ્યા હતા, જેમાં બે શખ્સ હાથમાં આવી જતાં ઢોરમાર માર્યો હતો. જેમાં જેણે ફાયરિંગ કર્યું હતું તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળે છે. રાજુ અને હુમલાખોરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. રાજુ વાંકોડે પર અંગત અદાવતમાં હુમલો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહુલ એપાર્ટમેન્ટ અથવા પ્રવીણ રાઉતનો પણ આ હુમલા પાછળ હાથ હોઈ શકે છે. ઉધના પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Most Popular

To Top