સુરત: (Surat) અડાજણ સહિતના આસપાસના વિસ્તારમાં રહેતા 4 જણાને પાલનપુર પાટીયા ખાતે રહેતા ગાંધી પરિવારે પોર્ટુગીસમાં યુરો ચલણમાં રોકાણ કરીને છ મહિનામાં ડબલ નફો (Double Profit) મેળવવાની લાલચ અને સ્કીમ આપી હતી. અને ચારેય પાસેથી ગાંધી પરિવારે 55 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી (Fraud) કરી હોવાની ફરિયાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
- પોર્ટુગીસમાં રોકાણના બહાને 6 મહિનામાં ડબલની સ્કિમ આપી ગાંધી પરિવારે ચાર મિત્રો પાસે 55 લાખ પડાવ્યા
- પૈસા લીધાના 11 મહિના સુધી આરોપી પોર્ટુગીસ ગયો નહોતો
- પોર્ટુગીસ ખાતે રહીને ગ્રોસરી સ્ટોર્સ અને લેબર સપ્લાયનો કોન્ટ્રાકટ રાખી વેપાર કરતો હોવાનુ કહ્યું
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોકુલનગર રાજવિહાર રો હાઉસ પાસે જહાંગીરાબાદ ભેસાણ ખાતે રહેતા 30 વર્ષીય ઘનશ્યામ ખીમાભાઈ ભરવાડે ગઈકાલે અડાજણ પોલીસ સ્ટેશનમાં હીરલ પીનાકીન ગાંધી, પિનાકીન અરૂણ ગાંધી, નિધિબેન હીરલ ગાંધી અને રેખાબેન પિનાકીન ગાંધી (તમામ રહે, શિવાની પાર્ક ભુમી કોમ્પ્લેક્ષ, પાલનપુર પાટીય) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત ડિસેમ્બર 2021 માં તેમની મુલાકાત ગાંધી પરિવાર સાથે થઈ હતી.
આરોપી હિરલ ગાંધીએ પોતે વિદેશ પોર્ટુગીસ ખાતે રહીને ગ્રોસરી સ્ટોર્સ અને લેબર સપ્લાયનો કોન્ટ્રાકટ રાખી વેપાર કરતો હોવાનુ કહ્યું હતું. અને તેને વિદેશમાં અન્ય શહેરોમાં સ્ટોર્સ શરુ કરવા અને ગ્રોસરીના ધંધાનો વિકાસ કરવાની વાતો કરી હતી. આ માટે વધારે રોકાણ કરો તો યુરોના ચલણમાં છ મહિનામાં ડબલ મળશે તેવી લાલચ આપી હતી. લાલચમાં આવીને ઘનશ્યાન ભરવાડે આ અંગે તેના મિત્ર કેતન પરમાર, રવિ અને રાજીવ વલ્લભ મહીડાને પણ વાત કરી હતી. તમામે ભેગા મળીને હિરલ ગાંધીને રોકાણ માટે 55 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં 11 મહિના સુધી આરોપી પોર્ટુગીસ ગયો નહોતો. જેથી ઘનશ્યામભાઈએ પૈસા પરત માંગતા તે પૈસા પણ પરત આપતો નહોતો. આખરે છેતરપિંડી થયાનું સમજી જતા ગાંધી પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી.
હિરલ ગાંધીની બાઈક ભટાર પર મળી અને તે પોતે ગુમ
ગાંધી પરિવારે ચાર પાસે 55 લાખ પડાવ્યા બાદ પૈસા પણ પરત આપ્યા નથી. પોર્ટુગીસમાં ગ્રોસરી સ્ટોર્સ અને લેબર સપ્લાયનો કોન્ટ્રાકટ રાખી વેપાર કરતો હોવાની ડંફાસ મારી હતી. આ ગુનામાં મુખ્ય ભેજાબાજ હિરલ ગાંધીએ પૈસા લીધા બાદ અગિયાર મહિના થવા આવ્યા છતાં પોર્ટુગીસ ગયો નહોતો. ઘનશ્યામ અને તેના મિત્રોએ પૈસાની ઉઘરાણી કરતા ગત 23 ઓક્ટોબરે ગુમ થઈ ગયો હતો. હિરલ ગાંધીની બાઈક સ્પલેન્ડર ભટાર રોડ ઉપરથી મળી આવી હતી.