Dakshin Gujarat

સુરત જિલ્લાના સહકારી અને રાજકીય અગ્રણી સુરેશ પટેલનું નિધન

બારડોલી: (Bardoli) સુરત જિલ્લા પંચાયત અને સુરત જિલ્લા (Surat District) ભાજપના માજી પ્રમુખ તેમજ સહકારી અગ્રણી સુરેશ પટેલનું (Suresh Patel) ગુરુવારના રોજ નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા. સુરેશભાઈને બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવતાં સુરતની ખાનગી હોસ્પિટલમાં (Privet Hospital) ખસેડાયા હતા.

સુરેશ પટેલને છેલ્લાં ત્રણ વર્ષથી પેરાલિસીસનો હુમલો આવ્યા બાદ તેમની તબિયત ઠીક રહેતી ન હતી. દરમિયાન બુધવારો સુરેશભાઈને બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવતાં પ્રથમ બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ગત ટર્મમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા હતા. તે પહેલા તેઓ બે ટર્મ માટે સુરત જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં પણ તેમનું સારું એવું યોગદાન હતું.

સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ડિરેક્ટર, મઢી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ, સરદાર સ્મારક હોસ્પિટલના પ્રમુખ, કડોદ હાઈસ્કૂલના પ્રમુખ સહિતની સહકારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તેઓ મહત્ત્વના હોદ્દા પર રહી ચૂક્યા હતા. હાલ તેઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, બારડોલીના ઉપપ્રમુખ અને સ્વરાજ આશ્રમ બારડોલીના ટ્રસ્ટી પદે કાર્યરત હતા. તેમના નિધનથી સુરત જિલ્લાના સહકારી, રાજકીય, સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં શોકની લહેર ફેલાઇ ગઈ હતી. સુરેશભાઈ જગુભાઈ પટેલની અંતિમયાત્રા શનિવાર તા.૨૪/૧૨/૨૦૨૨ના રોજ રાખી છે.

સુરેશ પટેલના નિધનને કારણે ભાજપનો કાર્યક્રમ મોકૂફ
સુરેશ પટેલના નિધનથી સુરત જિલ્લા ભાજપ દ્વારા 24મી ડિસેમ્બરના રોજ રાખવામાં આવેલા ધારાસભ્યો અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું પ્રમુખ સંદીપ દેસાઇએ જણાવ્યું હતું. તેમણે સુરેશ પટેલને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લાએ એક ઉમદા વ્યક્તિને ગુમાવ્યો છે. ભાજપ અને જિલ્લાના સહકારી ક્ષેત્રને તેમની ખોટ સતત સાલશે.

Most Popular

To Top