SURAT

સુરત એરપોર્ટને નડતી બિલ્ડિંગો મામલે ઝડપથી સુનાવણીની માંગ, શું થયું આજે હાઈકોર્ટમાં…

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની ત્યાર બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બાંધકામોનો મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલે ભૂતકાળમાં થયેલી અરજી પર વહેલી સુનાવણી કરવા વિનંતી કરાઈ જે હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને પહેલેથી મુકરર તારીખે જ સુનાવણી હાથ ધરાશે તેમ જાહેર કર્યું હતું.

વિમાનને લેન્ડિંગ અને ટેક ઓફ વખતે જોખમરૂપ બિલ્ડિંગ મુદ્દે સામાજિક કાર્યકર વિશ્વાસ સુધાંશુ ભાંબુરકરે પોતાના વકીલ મારફત કરેલી રિટ પિટિશન (પી.એલ.) નં. ૬૩ ઓફ ૨૦૧૯ માં સિવિલ અરજી નં. ૩ ઓફ ૨૦૨૫ હાઇકોર્ટમાં સબમિટ કરતા હાઇકોર્ટે અરજી ગ્રાહ્ય રાખી આજે ગુરુવારે સુનાવણી રાખી હતી.

સામાજિક કાર્યકર વિશ્વાસ બાંભુરકરે 2019 માં કરેલી પીટીશનને પ્રાથમિકતા આપી નિયમિત સુનાવણી કરવા અરજી કરી હતી. ભારતના બંધારણની કલમ ૧૪, ૨૧ અને ૨૨૬ હેઠળ R/WPPIL/૬૩/૨૦૧૯ ની વહેલી સુનાવણી માટે સિવિલ અરજી કરી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટના જેવી દુર્ઘટના સુરતમાં ન બને એ માટે પ્રાયોરિટી ધોરણે મામલો હાથ પર લેવાની અરજી કોર્ટે મંજૂર કરી હતી.

હાઈકોર્ટે શું કહ્યું?
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સુરતની અરજી ઉપર અરજદાર વિશ્વાસ સુધાંશુ ભાંબુરકરે હાઇકોર્ટ સમક્ષ નિયત સમય કરતા વહેલી સુનાવણીની માગ કરી હતી. તે બાબતે આજે તા. 19 જૂનના રોજ હાઈકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલની બેન્ચ સમક્ષ આ અરજી ઉપસ્થિત થઈ હતી.

અરજદારે હાઈકોર્ટ સમક્ષ અમદાવાદ પ્લેન ક્રેશનું ઉદાહરણ આપી કહ્યું હતું કે, સુરતમાં પણ પ્લેન અકસ્માતની સંભાવના દર્શાવતા 47 હજાર લોકોના જીવ જોખમમાં છે. અરજદારે કહ્યું હતું કે આ અરજી કરાઈ ત્યારે તેની સુનાવણી દરમિયાન તેમને કોર્ટમાં નીચા જોણું કરાયું હતું. આ સાથે દંડ ભરવો પડશે તેવી ચીમકીઓ ઉચ્ચારાઇ હતી. જો કે હાઇકોર્ટે અરજદારની વહેલી સુનાવણીની માગ નકારી દીધી હતી અને નજીકની પણ કોઈ તારીખ આપી નહોતી. પહેલીથી નક્કી તા. 16 જુલાઈએ જ સુનાવણી રાખી હતી.

નડતરરૂપ બાંધકામોના લીધે 615 મીટરના રનવેનો વપરાશ થતો નથી
સુરત એરપોર્ટના વેસુ 22 રનવેને નડતરરૂપ બાંધકામોને લીધે 2905 મીટરમાંથી 615 મીટરના રનવે વપરાશ પર પ્રતિબંધ છે. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે 1990 માં સુરતમાં હવાઈપટ્ટી 1400 મીટરની હતી. જેને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પોતાના હસ્તક લીધી હતી. એ પછી લંબાઈ વધારીને 2250 મીટર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને 2950 મીટર કરવામાં આવી હતી. જો કે આસપાસ બિલ્ડિંગો વધતા તેમાં 615 મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. અરજીમાં જણાવ્યા મુજબ અઠવાડિયામાં અહીંથી વર્ષ 2017માં અહીંથી 260 ફ્લાઇટનું સંચાલન થતું હતું. એપ્રિલ 2017 થી માર્ચ 2018 સુધીમાં 6.81 લાખ પેસેન્જરોએ એરપોર્ટથી મુસાફરી કરી હતી. જોકે હવે માર્ચ 2025 સુધી 16 લાખથી વધુ પેસેન્જર અવર જવર કરે છે.

2019 ની પીટીશન મુજબ 18 પ્રોજેક્ટની 90 બિલ્ડિંગ નડતરરૂપ છે. એ સંખ્યા હવે 140 થી વધુ
આ અનધિકૃત બાંધકામ કરનાર લોકોને એરપોર્ટ ઓથોરિટીએ NOC ના ભંગ બદલ નોટિસો પણ આપી છે. આ બાંધકામને હટાવવા માટે સુરત મહાનગરપાલિકાએ કાર્ય કરવું પડે. અરજીમાં દર્શાવેલા આંકડામાં 2019 ની પીટીશન મુજબ 18 પ્રોજેક્ટની 90 બિલ્ડિંગ નડતરરૂપ છે. જો કે, હવે એ સંખ્યા હવે 140 થી વધુ છે. NOC નો ભંગ થયો છે. આવા લોકોની અપાયેલી 40 નોટિસ પણ PIL માં જોડવામાં આવી હતી. અનધિકૃત બાંધકામ મંજૂર કરાયેલા માપદંડમાં હતી, 1 મીટરથી 14 મીટર જેટલું ઊંચું છે. જેના માટે બાંધકામ કરનારાઓએ કોઈ પણ ઓથોરિટીની મંજૂરી લીધી નથી. આ બિલ્ડિંગોનો ઉપયોગ પણ થઈ રહ્યો છે, ત્યારે ઓથોરિટીએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ.

અગાઉ DGCA દ્વારા આ બિલ્ડરો સામે કાર્યવાહી હાથ ધરવા નિર્દેશ અપાતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમની નોટિસો પણ આપી છે. અહીં 50 જેટલા બિલ્ડીંગના પ્રોજેક્ટ કામ થઈ રહ્યા છે. અથવા હવે થઈ ગયા છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આટલા ગંભીર પ્રશ્ન કેન્દ્રીય ઓથોરિટી અને સ્થાનિક ઓથોરિટી બંને બેપરવાહ છે. 30 જૂન, 2019 ના રોજ 43 પેસેન્જર ભરેલી સ્પાઈસ જેટની ફ્લાઈટને લો વિઝનને લઈને એરપોર્ટ ઉપર ઉતરતા બ્રેક લાગી શકી નહોતી. પરમિશન ન હોવા છતાં પણ આ બિલ્ડિંગોનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. હાઇકોર્ટે આ અંગે ઓથોરિટી પાસેથી એક્શન ટેકન રિપોર્ટ પણ માંગ્યો હતો. એટલું જ નહીં પરંતુ ઓથોરિટી સમક્ષ હિતધારકોને સાંભળવા તક પણ આપવામાં આવી હતી.

હાઇકોર્ટે અરજીના આધારે પોતાના હુકમમાં 27 બિલ્ડીંગોના નામ નોંધ્યા હતા
DRB રવાણી ડેવલપર્સ અંતર્ગત સેલેસ્ટીયલ ડ્રીમ્સ, રઘુવીર ડેવલોપર્સની ક્રિસ્ટલ પેલેસ કો ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી, ફ્લોરેન્સ કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, હોરીઝોન પ્રોજેક્ટ, જશ રેસીડેન્સી, જોલી રેસીડેન્સી, રસિક વિલા, રઘુવીર ડેવલોપર્સ, સમર્થ એન્કલેવ, સર્જન એપાર્ટમેન્ટ, શ્રીજી રેસીડેન્સી, શૃંગાર રેસીડેન્સી, ઓમ આઇકોન કો ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી, શ્યામ પેલેસ, સ્ટાર ગેલેક્સી ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી, ધ ઈવોલ્યુશન, ગોકુલ પ્લેટિનમ, ગ્રીન ફોર્ચ્યુન, હેપ્પી ગ્લોરિયસ, સેવન હેવન, એમ્પાયર રીજેન્સી, આગમ ક્રોસરોડ કો ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી, ફિયોના એપાર્ટમેન્ટ, રવિ રત્નમ એપાર્ટમેન્ટ, સ્વાસ્તિક વિહાર એપાર્ટમેન્ટ, L&T એપાર્ટમેન્ટ, હેપ્પી રેસીડેન્સીનો સમાવેશ થાય છે. આ મોટાભાગની રેસિડેન્સી VIP રોડ અને વેસુ રોડ ઉપર આવેલી છે.

અગાઉ હાઇકોર્ટે અનધિકૃત ભાગ તોડવા, કલેક્ટરને મદદ કરવા પણ સુરત મહાનગરપાલિકાને આદેશ આપ્યો હતો
અગાઉ હાઇકોર્ટે બિલ્ડીંગનો અનધિકૃત ભાગ તોડવા કલેક્ટરની મદદ કરવા પણ સુરત મહાનગરપાલિકાને આદેશ આપ્યો હતો. સુરતનો જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે વસ્તી વધી રહી છે એ મુજબ ફ્લાઇટ અને પેસેન્જર સંખ્યા પણ વધી રહી છે. સુરત દેશના તો 35 વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન ધરાવે છે. એ જોતાં અમદાવાદ વિમાન દુર્ઘટના પછી અરજદારે આ મુદ્દે તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરી હતી. કારણકે, સુરતના 47 હજાર લોકોના જીવનો પ્રશ્ન છે. ત્યારે આ મુદ્દે તાત્કાલિક સુનાવણી રોજે રોજ હાથ ધરાવી જોઈએ.

Most Popular

To Top