ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષ વચ્ચે વિશ્વની નજર ઈરાનના ફોર્ડો ફ્યુઅલ એનરિચમેન્ટ પ્લાન્ટ પર ટકેલી છે. તે ઈરાનમાં એક ટેકરી પર 295 ફૂટ નીયે એટલે કે લગભગ 90 મીટરની ઊંડાઈએ સ્થિત છે. તેનું માળખું અને વ્યૂહાત્મક સ્થાન એવું છે કે કોઈ પણ દેશ હવાઈ હુમલા દ્વારા તેનો નાશ કરી શકતો નથી. ફોર્ડો બેઝ સુધી પહોંચવા માટે પાંચ ટનલ કાપીને ઊંડાઈએ બંકર જેવી સુવિધાઓ બનાવવામાં આવી છે.
ઇરાનની આ લેબ પરમાણુ ઉર્જા સંગઠન (AEOI) દ્વારા નિયંત્રિત છે. નાતાન્ઝ પછી આ ઈરાનનો બીજો યુરેનિયમ શુદ્ધિકરણ પ્લાન્ટ છે. ઇઝરાયલ લાંબા સમયથી આ બેઝનો નાશ કરવા માંગતો હતો. ફક્ત અમેરિકાના GBU-57 મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર બંકર-બસ્ટર બોમ્બ અને B-2 સ્ટીલ્થ એરક્રાફ્ટ જ તેને નાશ કરવામાં સક્ષમ છે પરંતુ તે એટલું સરળ નથી. તેને નાશ કરવા માટે આ બોમ્બ એક જ જગ્યાએ ઘણી વખત ફેંકવા પડે.
ઇઝરાયલ ફોર્ડો પ્લાન્ટનો નાશ કેમ કરવા માંગે છે
ફોર્ડો પરમાણુ પ્લાન્ટનો ખુલાસો 2009 માં ગુપ્ત દસ્તાવેજો દ્વારા થયો હતો. જોકે આ પ્લાન્ટ વિશેની વાસ્તવિક માહિતી 2018 માં ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ઇઝરાયલે ઇરાનના પરમાણુ દસ્તાવેજો ચોરી લીધા. ફોર્ડોની યોજનાઓ, બ્લુપ્રિન્ટ્સ અને ઉદ્દેશ્યો 55 હજાર દસ્તાવેજોમાં નોંધાયેલા હતા.
આમાં લખ્યું હતું કે પ્લાન્ટમાં શસ્ત્રો-ગ્રેડ યુરેનિયમનું ઉત્પાદન કરવામાં આવશે. દર વર્ષે ઓછામાં ઓછા 2 પરમાણુ શસ્ત્રો બનાવી શકાય છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યુરિટી થિંક ટેન્કના ડેવિડ આલ્બ્રાઇટના જણાવ્યા અનુસાર આ દસ્તાવેજોથી સ્પષ્ટ હતું કે ઇરાનનો ઇરાદો પરમાણુ શસ્ત્રો બનાવવાનો હતો.
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ પણ સ્વીકાર્યું હતું કે આ પ્લાન્ટનું કદ અને ડિઝાઇન શાંતિપૂર્ણ ઉપયોગ માટે યોગ્ય નથી. આ જ કારણ છે કે ઇઝરાયલ તેનો નાશ કરવા પાછળ છે. ફોર્ડો ફ્યુઅલ એનરિચમેન્ટ પ્લાન્ટ (FFEP) ને શાહિદ અલી મોહમ્મદી પરમાણુ સુવિધા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઇઝરાયલ પર પણ પરમાણુ શસ્ત્રો રાખવાનો આરોપ
ઇરાનના પરમાણુ કાર્યક્રમને લક્ષ્ય બનાવનાર ઇઝરાયલ પર પોતે શસ્ત્રો રાખવાનો આરોપ છે. આજે તેની પાસે અંદાજે 90 થી વધુ પરમાણુ શસ્ત્રો છે અને ડિમોનામાં તેનું અત્યંત ગુપ્ત પરમાણુ સ્થળ મોટી માત્રામાં પ્લુટોનિયમ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. ઇઝરાયલ ન તો યુએનની પરમાણુ અપ્રસાર સંધિનો ભાગ છે અને ન તો તે કોઈ એજન્સીને પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપે છે.
