ઇઝરાયલની સોરોકા હોસ્પિટલ અને સ્ટોક એક્સચેન્જને મિસાઇલ હુમલામાં ઉડાવી દેવામાં આવ્યા બાદ ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ખામેનીએ તેમના X એકાઉન્ટ પર દેશવાસીઓને લખેલી પોસ્ટમાં કહ્યું છે કે “જો તમે દુશ્મનથી ડરશો તો તે તમને ક્યારેય છોડશે નહીં.”
ખામેનીએ પોસ્ટમાં લખ્યું છે કે, “હું મારા પ્રિય રાષ્ટ્રને કહેવા માંગુ છું કે જો દુશ્મનને એવું લાગે કે તમે તેમનાથી ડરો છો તો તેઓ તમને ક્યારેય છોડશે નહીં. તમે અત્યાર સુધી જે હિંમત અને વર્તન બતાવ્યું છે તેને ભવિષ્યમાં પણ એ જ દૃઢ નિશ્ચય સાથે ચાલુ રાખો. હિંમત અને તાકાત સાથે તમારા સ્ટેન્ડ પર અડગ રહો.” ખામેનીના આ નિવેદનથી ખબર પડે છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલા છતાં ઇરાન બિલકુલ શરણાગતિ સ્વીકારવાના મૂડમાં નથી. ઇરાને ઇઝરાયલ પર ઝડપી હુમલા કરીને સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે તે કોઈથી ડરતો નથી.
જણાવી દઈએ કે ઇરાને આજે સવારે ઇઝરાયલી ચાર શહેરો તેલ અવીવ, બીરશેબા, રમત ગાન અને હોલોન પર 30 મિસાઇલો છોડ્યા. ઇઝરાયલી સંરક્ષણ પ્રણાલી આમાંથી 7 મિસાઇલોને રોકવામાં નિષ્ફળ ગઈ. આમાં 176 લોકો ઘાયલ થયા છે. 6 લોકોની હાલત ગંભીર છે.
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ સાતમા દિવસે પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં 24 ઇઝરાયલી લોકો માર્યા ગયા છે. વોશિંગ્ટન સ્થિત માનવાધિકાર જૂથે દાવો કર્યો છે કે ઇરાનમાં મૃત્યુઆંક હવે 639 પર પહોંચી ગયો છે અને 1329 લોકો ઘાયલ થયા છે.
