Gujarat

અંધશ્રદ્ધાળુ બાપે સગી દીકરીને સળગતા કોલસા પર ખુલ્લા પગે ચાલવા મજબૂર કરી, જૂનાગઢની ઘટના

જુનાગઢ: જુનાગઢમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અંધશ્રદ્ધાના રવાડે ચઢેલા સગા બાપે દીકરીની બલિ ચઢાવવાનો પ્રયાસ કર્યો છે. દીકરીને બે દિવસ ભૂખી રાખી, સળગતા કોલસા પર ખુલ્લા પગે બાપે ચાલવા મજબૂર કરી છે. હાલ સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ ઘટના જુનાગઢના કેશોદ તાલુકાના એક ગામની છે. અહીં સગા પિતા, ફોઈ અને પરિવારના અન્ય લોકોએ ભેગા મળી સગીર દીકરીની બલિ ચઢાવવાનો પ્રયાસ કર્યો છે. દીકરીનો વાંક માત્ર એટલો જ હતો કે તેમના પિતા સાથે નહીં પરંતુ માતા સાથે રહેતી હતી. અંધશ્રદ્ધાના બહાને પિતા દીકરીને ઢોર માર મારતો હતો. જો સમયસર માતાએ પહોંચીને દીકરીને બચાવી ન હોત તો આજે કદાચ દીકરી જીવતી ન હોત.

આ સમગ્ર ઘટના કેશોદના એક ગામના ગજેરા પરિવારમાં બની છે. પરિવારની પુત્રવધુ છેલ્લાં સાત વર્ષથી પતિથી અલગ પોતાની ત્રણ દીકરી સાથે રહેતી હતી. જોકે ગજેરા પરિવારે ખોડિયાર માતાજીના મંદિરે હવન છે તેમ કરી સમાધાનના બહાને પુત્રવધુને બોલાવી હતી, જેથી પુત્રવધુએ બે દીકરી ને એક દિવસ આગળ મોકલી હતી. જ્યારે પોતે એક દીકરીને લઈ હવનના દિવસે સવારે ગઈ હતી. હવનમાં ગઈ ત્યારે પતિ અને સાસરિયાનું વર્તન જોઈ તેને શંકા ગઈ હતી. તે પોતાની દીકરીને મળી ત્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી.

હવનની આગલી રાત્રે ભુવાઓએ મારી એક દીકરીને ડાલકામાં ધુણાવી હતી અને દીકરીને માતાજી આવે છે એમ કહી ખુલ્લા પગે આગ પર ચલાવી હતી, હવનમાં હાથ નંખાવ્યા હતા. બે દિવસ સુધી ખાવાનું આપ્યું નહોતું. આ બધું મારા પતિ અને સાસરિયાની હાજરીમાં થયું હતું. મેં વિરોધ કર્યો તો દીકરીની બલિ ચડાવવાનું કહી મને માર માર્યો હતો. માંડ બચીને હું હોસ્પિટલ પહોંચી હતી. પીડિતાની માતાએ ન્યાયની માગણી કરી છે.

આ ઘટના અંગે માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ અને નણંદ સહિત સાત આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. દરમિયાન આ વાત સરકાર સુધી પહોંચી છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા છે.

Most Popular

To Top