Comments

અચાનક બીજેપીને એનડીએ પર પ્રેમ ઉભરાઈ આવ્યો

૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણી પછી રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન સાથે ગેમ કરવામાં આવી હતી એ કદાચ યાદ હશે. આ તો એક ઉદાહરણ છે. આવાં તો બીજાં અનેક ઉદાહરણ છે, જેમાં ભારતીય જનતા પક્ષે જે ખભાઓનો ઉપર ચડવા માટે ઉપયોગ કર્યો હતો તેની સાથે જ દગો કર્યો હતો. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અને એ પછી ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય પછી બીજેપીને એમ લાગવા માંડ્યું હતું કે હવે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની જરૂર નથી.

કોંગ્રેસે જેમ વગર ટેકે એકલે હાથે ચાર દાયકા કરતાં વધુ સમય રાજ કર્યું હતું એમ આપણે પણ કરી શકીશું. બીજેપીએ એનડીએનું વિસર્જન નહોતું કર્યું, પણ તેને કદ પ્રમાણે વેતરવાનું શરી કર્યું હતું. બિહારમાં ચિરાગ પાસવાન તો ઠીક નીતીશકુમારને પણ વેતરી નાખ્યા હતા. નીતીશેકુમારે પલટી મારી એનું કારણ તેમનું અને તેમના પક્ષનું અસ્તિત્વ જ દાવ પર હતું એ છે. એવું જ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે બન્યું હતું અને સેનાએ પોતાનું અસ્તિત્વ બચાવવા છેડો ફાડ્યો હતો. આવું જ પંજાબમાં અકાલી દલ સાથે બન્યું હતું. તમે એ પણ નોંધ્યું હશે કે બીજેપીએ ૨૦૧૯ પછીથી એનડીએની કોઓર્ડીનેશન કમિટીની એક પણ બેઠક નથી બોલાવી.

હવે અચાનક બીજેપીને એનડીએ પર પ્રેમ ઉભરાઈ આવ્યો છે અને દિલ્હીમાં ૩૮ પક્ષોની એક બેઠક બોલાવી અને એ પણ એ જ દિવસે, જે દિવસે બેંગલોરમાં ૨૬ વિરોધ પક્ષોની બેઠક થવાની હતી. એનડીએની બેઠકમાં હાજર રહેલા ૩૮ પક્ષોની યાદી પર એક નજર કરવા જેવી છે. ૩૮માંથી ૩૦ પક્ષો એવા છે જેના તમે ક્યારેય નામ પણ નહીં સાંભળ્યાં હોય અને કેટલાક તો ક્યારેય એનડીએમાં નહોતા. એનડીએના અઢી દાયકા જૂના ઘટક પક્ષોમાંથી મોટા ભાગના પક્ષો દગાખોરીથી બચવા અથવા દગાખોરીનાં કારણે જતા રહ્યા છે. એવી શું જરૂર પડી કે અચાનક એનડીએની યાદ આવી? એક કારણ તો એ છે કે બીજેપી એમ બતાવવા માગે છે કે તે દેશમાં અછૂત નથી. દેશમાં એવા અનેક પક્ષો છે જે અમારી સાથે ચાલવા તૈયાર છે. તમે જોયું હશે કે બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સંખ્યા બતાવી હતી; જુઓ તેઓ ૨૬ છે અને અમે ૩૮.

બીજું કારણ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી છે અને વિરોધ પક્ષો સંયુક્ત મોરચો રચીને બીજેપીના એક ઉમેદવારની સામે એક ઉમેદવાર ઊતારવાની તૈયારી કરી રહ્યા છે. બીજેપીને ખબર છે કે કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેનો ગજ વાગવાનો નથી. કર્નાટકની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોતાં ત્યાં પણ બહુ સફળતા મળે એમ નથી. આ રાજ્યોની કુલ બેઠક ૧૩૦ થાય છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં પણ ખાસ કોઈ સફળતા મળે એમ નથી અને પશ્ચિમ બંગાળની પંચાયતોની ચૂંટણીનાં ગયા અઠવાડિયે આવેલાં પરિણામોએ આ બતાવી આપ્યું છે. પશ્ચિમ બંગાળ લોકસભાની ૪૨ બેઠકો ધરાવે છે. આમ લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૧૫૦ બેઠકો બીજેપીને મળે એમ નથી.

એ પછી છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એવાં રાજ્યો છે, જ્યાં બીજેપી સામે કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ નથી. ટૂંકમાં બીજેપી સામે કોંગ્રેસની સીધી લડાઈ થવાની છે અને આ રાજ્યોની કુલ બેઠકો છે; ૧૦૦. અત્યાર સુધી આમ આદમી પાર્ટીનો કોંગ્રેસના મત તોડવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો, પણ મદમાં આવીને આપ સાથે સંબંધ બગાડ્યા એટલે એ હવે ખેલ બગાડવા કોંગ્રેસ સામે મેદાનમાં ઉતરવાની નથી. આમ લોકસભાની ૨૭૨ બેઠકો એવી છે જ્યાં કાં તો બીજેપીનો ગજ ટૂંકો પડે છે અથવા કોંગ્રેસ સામે સીધો મુકાબલો થવાનો છે.

રહી ૨૭૧ બેઠકો જેમાં ૨૬ વિરોધ પક્ષો પ્રયાસ કરી રહ્યા છે કે બીજેપીના એક ઉમેદવાર સામે વિરોધ પક્ષોના એક ઉમેદવારને ઊભો રાખવામાં આવે. એમાં કોઈ શંકા નથી કે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાત બીજેપીનો ગઢ છે અને તેની બેઠકસંખ્યા ૧૧૧ છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ નબળી છે અને સમાજવાદી પક્ષ સામે માયાવતીનો બહુજન સમાજ પક્ષ છે જે વિરોધ પક્ષના મોરચામાં સામેલ થવા તૈયાર નથી. એક તો ઉત્તરપ્રદેશમાં બીજેપી મજબૂત છે અને ઉપરથી માયાવતી મત તોડશે, એટલે ઉત્તરપ્રદેશમાં બીજેપીનો વિજય થવાનો છે.

વળી ઉત્તરપ્રદેશની બેઠકો કોઈ ઓછી નથી ૮૦ છે. માયાવતીની જેમ ઓડીશામાં નવીન પટનાયક પણ કોઈ મોરચામાં જોડાયા નથી એટલે ત્યાં પણ ત્રિપાંખિયો જંગ થવાનો છે અને ઓડીશાની બેઠકસંખ્યા ૨૧ છે. જો વિરોધ પક્ષો સંગઠિત થાય અને એક સામે એકનો મુકાબલો થાય તો તે બીજેપી માટે ચિંતાનો વિષય તો બને જ. માટે શરદ પવારના પક્ષમાં ફૂટ પાડવામાં આવી. માટે એનડીએ નામના મૃત:પ્રાય મોરચાને ફરી જીવતો કરવામાં આવ્યો છે. એમાં જે પક્ષો છે એ ફૂટકળિયા છે, પણ તેનું કામ વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવારના મત તોડવાનું હશે. આને માટે પૈસા તો બીજેપી પૂરા પાડશે.

વિરોધ પક્ષો સંગઠિત થશે ખરા? અને થશે તો એકતા ટકી શકશે ખરી? વિપક્ષી એકતાના અત્યાર સુધીના પ્રયાસોનો ઈતિહાસ જોતાં ભરોસો બેસતો નથી, પરંતુ એ સાથે જ બીજેપીની દાદાગીરીનો વર્તમાન જોતાં એ સંભવ પણ લાગે છે. બીજેપીનો ઈરાદો તુર્કીની જેમ એકપક્ષીય શાસન લાદવાનો છે અને વિરોધ પક્ષો સામે અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ સિવાય પ્રાદેશિક અસ્મિતા અને સમવાય ભારત સામે પણ અસ્તિત્વના પ્રશ્નો પેદા થયા છે.

સોમવાર અને મંગળવારે બેંગલોરમાં મળેલી વિરોધ પક્ષોની બેઠકમાં સંગઠિત મુકાબલો કરવાની જે ગંભીરતા જોવા મળી એ જોતાં એમ લાગે છે કે એક સામે એક ઉમેદવાર ઊભો રાખવામાં સરેરાશ ૯૦ ટકા સફળતા મળશે. એનડીએના ફૂટકળિયા પક્ષો ઝાઝું નુકસાન નહીં પહોંચાડી શકે. બીજેપીની ચિંતાનું ત્રીજું કારણ રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસે પુન:પ્રાપ્ત કરેલું સ્થાન છે. ૨૦૧૯માં કોંગ્રેસને બોજારૂપ ગણવામાં આવતી હતી જેનો અત્યારે વિપક્ષી એકતાના એન્જીન તરીકે સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીની ઈમેજમાં પણ સુધારો થયો છે.

બીજેપીની ચિંતાનું ચોથું અને મોટું કારણ નાગરિક સમાજની સક્રિયતા છે. દૂરનું વિચારવાની ક્ષમતા ધરાવનારા બુદ્ધિશાળી અને સંવેદનશીલ નાગરિકોએ બંધારણમાં આલેખાયેલા ભારતને બચાવી લેવાનો સંકલ્પ કર્યો છે અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી તેમના માટે છેલ્લી તક છે. કર્ણાટકમાં નાગરિક સમાજ ઊતર્યો હતો અને હવે પછીની ચૂંટણીઓમાં ઉતરવાનો છે. અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.

પહેલી અને બીજી જુલાઈએ મહારાષ્ટ્રના નાગરિક સમાજની એક બેઠક જળગાંવમાં મળી હતી જેમાં ૮૦૦ કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો અને તેમાં અડધા કરતાં વધુ યુવક-યુવતી હતાં. તેમની સક્રિયતા, મૌલિકતા અને ઉપરથી નિ:સ્વાર્થપણું ગ્રાઉન્ડ ઉપર ફરક પાડી શકે છે, જેમ કર્ણાટકમાં બન્યું હતું. નાગરિક સમાજ મત તોડનારા ફૂટકળિયા પક્ષો અને અપક્ષ ઉમેદવારોને નિરસ્ત કરી શકે એમ છે. કર્ણાટકમાં આ પણ જોવા મળ્યું હતું. હા, પુલવામા જેવી ઘટના બને તો વાત જુદી છે. પણ આવું વારંવાર દરેક ચૂંટણી વખતે બને?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top