સુરત: સ્મીમેર હોસ્પિટલ ( smmimer hospital ) કરતા નવી સિવિલ હોસ્પિટલ ( civil hospital ) માં કોરોના ( corona) ના દર્દીઓ વધુ હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા ગરીબ દર્દીઓ માટે ઓપીડી ( opd ) શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલ દ્વારા હજી ઓપીડી શરૂ કરવામાં આવી નથી અને આગામી સોમવારથી ઓપીડી શરૂ કરે તેવી શક્યતા છે. સ્થાનિક સત્તાધીશોની અણઆવડતને કારણે સ્મીમેરનું તંત્ર રઢિયાળ હોવાની ચર્ચા છેડાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાના સમયગાળા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં એક સમયે 1200થી વધુ કેસ હતા. તેની સામે સ્મીમેર હોસ્પિટલમાં 600 દર્દીઓ હતા. હાલના સંજોગોમાં પણ સિવિલ હોસ્પિટલમાં 300થી 350 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જેની સામે સ્મીમેર હોસ્પિટલમાં 200થી 250 જેટલા પોઝિટિવ કેસની સંખ્યા છે. જેની સામે સિવિલ તંત્ર દ્વારા અન્ય બિમારી સાથેના ગરીબ દર્દીઓ માટે ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે. આ વાતને ચાર દિવસ થયા હોવા છતાં સ્મીમેર વહિવટી તંત્ર દ્વારા ઓપીડી શરૂ કરવામાં આવી નથી. સ્મીમેરના તબીબોને ગરીબ દર્દીઓ માટે ચિંતા ના હોય તેમ ઓપીડી શરૂ કરતા નથી. સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી શરૂ થાય તો દરરોજ લિંબાયત, પાંડેસરા, કડોદરા, વરાછા, કાપોદ્રા, સરથાણા સહિતના ગરીબ દર્દીઓ તેનો સીધો લાભ લે છે. પરંતુ ઓપીડી શરૂ કરવાનું હજુ સ્મીમેરનું વહિવટી તંત્ર દ્વારા સારૂ મુહૂર્ત શોધવામાં આવી રહ્યાનું લાગી રહ્યું છે.
સ્મીમેર હોસ્પિટલના વહિવટીતંત્ર દ્વારા ઓપીડી શરૂ કરવા માટે પાલિકા કમિશનરની મંજુરી માંગતો પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. ઓપીડી શરૂ કરવાનો જે પત્ર પરત સ્મીમેરના વહિવટી તંત્ર પાસે આવ્યા બાદ ઓપીડી શરૂ કરાશે તેવું તબીબોએ ઉમેર્યું છે. આગામી સોમવારથી સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી શરૂ કરાઇ તેવી શક્યતા છે. આ માટેની તૈયારીઓ તબીબો દ્વારા કરી દેવામાં આવી છે.