Sports

પહેલી ઈનિંગમાં લીડ મેળવી હોવા છતાં ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચ હાર્યું, રોમાંચક મેચમાં છેલ્લા દિવસે શ્રીલંકા જીત્યું

નવી દિલ્હીઃ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરિઝ શરૂ થઈ છે. સિરિઝની પહેલી મેચ શ્રીલંકાના ગાલેમાં રમાઈ હતી. આ મેચમાં યજમાન શ્રીલંકાનો 63 રને વિજય થયો હતો. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 275 રનનો ટાર્ગેટ હતો પરંતુ તેની આખી ટીમ રમતના પાંચમા દિવસે 211 રન સુધી જ સિમિત રહી હતી.

  • ગાલે ટેસ્ટમાં શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને 63 રનથી હરાવ્યું
  • શ્રીલંકાની જીતનો હીરો સ્પિનર પ્રભાત જયસુર્યા રહ્યો, તેણે કુલ 9 વિકેટ ઝડપી
  • બે મેચની સિરિઝની બીજી મેચ 26 સપ્ટેમ્બરથી રમાશે

શ્રીલંકાની જીતનો હીરો સ્પિનર ​​પ્રભાત જયસૂર્યા રહ્યો હતો. પ્રભાતે આ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે શ્રીલંકાએ ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની બીજી અને છેલ્લી મેચ આ મેદાન પર 26 સપ્ટેમ્બરથી રમાશે.

રવિન્દ્રની મહેનત એળે ગઈ
મેચની ચોથી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રએ શાનદાર રમત દર્શાવી હતી પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. રવિન્દ્રએ 168 બોલનો સામનો કરી 92 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિવાય ટોમ લાથમ અને ટોમ બ્લંડેલે 30-30 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી પ્રભાત જયસૂર્યાએ 5 વિકેટ લીધી હતી. જ્યારે અન્ય સ્પિનર ​​રમેશ મેન્ડિસને ત્રણ સફળતા મળી હતી.

શ્રીલંકાએ બીજી ઈનિંગમાં 309 રન બનાવ્યા હતા
આ અગાઉ શ્રીલંકાએ તેની બીજી ઈનિંગમાં 309 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી દિમુથ કરુણારત્ને (83), દિનેશ ચાંદીમલ (61) અને એન્જેલો મેથ્યુઝે (50) અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. ભારતીય મૂળના કિવી સ્પિનર ​​એજાઝ પટેલે 6 વિકેટ લીધી હતી. જ્યારે વિલિયમ ઓ’રોર્કે ત્રણ વિકેટ ઝડપી હતી.

પહેલી ઈનિંગમાં લીડ મેળવવા છતાં ન્યુઝીલેન્ડ હાર્યું
આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને તેના પ્રથમ દાવમાં 305 રન બનાવ્યા હતા. કામિન્દુ મેન્ડિસે પોતાનું તોફાની ફોર્મ જાળવી રાખ્યું હતું અને શાનદાર 114 રનનું યોગદાન આપ્યું હતું. કામિન્દુએ 173 બોલની ઈનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. કુસલ મેન્ડિસે પણ અડધી સદી (50)નું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ માટે ફાસ્ટ બોલર વિલિયમ ઓ’રર્કે પાંચ સફળતા હાંસલ કરી હતી. જ્યારે ગ્લેન ફિલિપ્સ અને એજાઝ પટેલે બે-બે વિકેટ લીધી હતી.

જવાબમાં ન્યૂઝીલેન્ડે તેની પહેલી ઈનિંગમાં 340 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવના આધારે 35 રનની લીડ મેળવી હતી. ટોમ લાથમે 70 રન, ડેરીલ મિશેલે 57 રન અને ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસને 55 રનનું યોગદાન આપ્યું હતું. પ્રભાત જયસૂર્યાએ ચાર અને રમેશ મેન્ડિસે ત્રણ સફળતા હાંસલ કરી હતી.

Most Popular

To Top