Sports

સોલ્ટની તોફાની ઈનિંગની મદદથી દિલ્હીએ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) અરુણ જેટલી સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની (IPL 2023) 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સે (DC) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને (RCB) 7 વિકેટથી કચડી નાંખ્યું હતું. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 181 રન બનાવ્યા હતા, ડીસીએ 16.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી વિજય મેળવ્યો હતો. 182 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનિંગ બેટ્સમેન ફિલિપ સોલ્ટે શાનદાર ઈનિંગ રમી મેચ એકતરફી કરી નાંખી હતી. તેણે 45 બોલમાં 87 રન બનાવ્યા હતા જેમાં તેણે 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હીના આ વિજય સાથે તેની પ્લેઓફની આશા જીવંત છે.

આ પહેલાં પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે વિરાટ કોહલી, કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને મહીપાલ લોમરોરની શાનદાર ઈનિંગની મદદથી 4 વિકેટ ગુમાવી 181 રન બનાવ્યા હતા. જેમ કે અપેક્ષા હતી ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં કોહલી મેનિયા છવાઈ ગયો હતો, દિલ્હીના પ્રશંસકો કોહલીને પ્રોત્સાહન આપવા તેની ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. લોકલ બોય કોહલીએ પણ 46 બોલમાં 55 રન બનાવી તેમને નિરાશ કર્યા ન હતા. આ સાથે જ કોહલી આઈપીએલમાં 7000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. ત્યારબાદ લામરોરે 29 બોલ પર 54 રનની વિસ્ફોટક ઈનિંગ રમી ટીમને લડાયક સ્કોર ઉભો કરવામાં મદદ કરી હતી. દિલ્હી તરફથી મિચેલ માર્શે 2 વિકેટ જ્યારે ખલીલ અહેમદ અને મુકેશ કુમારે 1-1 વિકેટ લીધી હતી.

Most Popular

To Top