Charchapatra

અભિભાષણ

ભારતીય સંસદના સત્રના પ્રારંભે રાષ્ટ્રપતિશ્રીનું અભિભાષણ હોય છે અને તે પછી જ અન્ય કાર્યવાહી થાય છે. તે અભિભાષણમાં રાષ્ટ્રપતિજી સત્તાધીશ સરકારને પોતાની સરકાર ગણાવી તેને અનુરૂપ સંબોધન કરે છે, તેમાં કોઇ વિરોધી સુર કે ટીકાને અવકાશ રહેતો નથી, કારણકે કેન્દ્ર સરકાર તરફથી જ તે ભાષણ તૈયાર થયેલું હોય છે. અભિભાષણ સંપન્ન થયા પછી સરકાર તરફથી આભારવ્યકત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ઔપચારિકતા રીતે આભાર માનવાની કાર્યવાહી મીઠી મૂંઝવણ જન્માવી શકે છે. આભારદર્શન વખતે લોકશાહીમાં રાજાશાહીની પરંપરા ચાલે છે.

પૂર્વ રાષ્ટ્રપતિઓ, ગાંધીવાદી ડો. રાજેન્દ્રપ્રસાદ, મહાવિદ્વાન ડો. રાધાકૃષ્ણન, વૈજ્ઞાનિક ડો અબ્દુલ કલામ જેવાઓનો રાષ્ટ્ર માટે વિશેષ પ્રકારનો લાભ આપણે લઇ શકયા નથી કે એમની અંતરવ્યથાઓ જાણી શકયા નથી. બહુમતી ધરાવનાર શાસકપક્ષ કે ગઠબંધન જેને ઇચ્છે, તેને જ પ્રમુખપદે નિયુકત કરી શકાય છે. સમસ્ત ભારતના મતાધિકાર ધરાવતા ભારતીયો દ્વારા સીધી પસંદગી થતી હોત તો જબરી ક્રાન્તિ શકય બનતે. રાષ્ટ્રપિતા ગાંધીજી તો રજવાડા જેવા રાષ્ટ્રપતિભવનને જનહિતાર્થે ઉપયોગમાં લેવાનું વિચારતા હતા અને રાષ્ટ્રપતિ માટે ગણતંત્રીય વ્યવસ્થાને અનુરૂપ નિવાસ- કાર્યાલય હોવાના મતના હતા. ડો. રાજેન્દ્ર પ્રસાદે અંતરાત્માના અવાજને અનુસરી નિવૃત્ત થયા બાદ શેષ જીવન પટનાના ‘સદાકત આશ્રમ’મા પસાર કરી ગાંધીબાપુની ભાવનાને સાકાર કરી હતી.
સુરત     -યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top