Entertainment

સાઉથનો ‘ગુલશન’ હિન્દીમાં મહેંક્યો

ગુલશન દેવૈયા અત્યારે વેબ સિરીઝનો બિઝી એકટર બની ગયો છે. સોનાક્ષી સિંહા સાથેની ‘દહાડ’ તો ખરી જ કે જે ફરહાન અને ઝોયા અખ્તર, રીમા કાગતી, રિતેશ સિધવાનીની છે. પણ ત્યાર પછી ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’, ‘દુરંગા’ પણ આવવા તૈયાર છે. ચાર વર્ષ પહેલાં તે ‘સ્મોક’માં જેજે તરીકે આવ્યો ને નજરે ચડયો પછી ‘અફસોસ’ ‘શિક્ષા મંડલ’ આવી. હવે તે ફિલ્મોમાં પણ એટલો જ રોકાયેલો રહે છે. તેણે જો કે ફિલ્મોથી જ કારકિર્દીનો આરંભ કરેલો. ‘ધેટ ગર્લ ઇન યેલો બુટસ’, ‘દમ મારો દમ’, ‘શેતાન’, ‘હેટ સ્ટોરી’ પછી સંજય લીલા ભણશાલીની ‘ગોલીયો કી રાસલીલા-રામલીલા’માં ભવાની તરીકે આવ્યો અને પછી તે અટકયો નથી. તેની ‘કેબ્રે’ ઝી પાંચ પર ‘ધોસ્ટ સ્ટોરીઝ’ નેટફિલકસ પર રજૂ થયેલી. હમણાં તેની ‘બધાઇ દો’ આવેલી અને હમણાં ઝી સ્ટુડિયોની હોરર થ્રીલર ‘બ્લર’માં તાપસી પન્નુ અને ‘લવ અફેર્સ’માં કલ્કી કોચેલીન સાથે કામ કરી રહ્યો છે. હવે ઓછી જાણીતા અભિનેતા નાના નથી રહ્યા. ‘પિચ્ચર’માં તે અને વિનયકુમાર સીંધી છે.

ગુલશન દેવૈયા બેંગલાગુરુનો છે પણ હિન્દીમાં એ રીતે ગોઠવાયો છે કે તે સાઉથનો છે એવું લોકો ભુલી ગયા છે. તે પોતે પણ સાઉથની ફિલ્મોથીદૂર રહે છે. તે પરણ્યો પણ હતો ગ્રીસની એકટ્રેસ કલ્લીરોઇને. જો કે એ લગ્ન આઠ વર્ષ ચાલ્યા ને પૂરા થઇ ગયા. ખેર, ફિલ્મવાળાઓને તો એવું ચાલ્યા કરે પણ અનુરાગ કશ્યપની ‘ધેટ ગર્લ ઇન યેલો બુટસ’માં કલ્કી કોચેલીન સાથે શરૂઆત કરેલી. તેમાં નસીરુદ્દીન શાહ પણ હતો. બીજોય નાંબિયારની ‘શૈતાન’, વિક્રમ ભટ્ટની ‘હેટ સ્ટોરી’ વગેરે પછી પ્રેક્ષકો પણ જાણી ગયા કે તે એક અચ્છે એકટર છે. ‘હંટરર’ વખતે તેણે કહેલું કે અમોલ પાલેકર મારી પ્રેરણા છે. જો કે ગુલશન તેના પાત્રો અને વિષય પ્રમાણે તૈયારી કરતો હોય છે એટલે જ તેના પ્રેરણાસ્ત્રોત કોઇ એક નથી. અત્યારે તે ઘણાની નજરમાં છે અને આવનારા સમયમાં તે વધારે પ્રભાવ સાથે દેખાશે.

Most Popular

To Top