Dakshin Gujarat

સોનગઢમાં અચાનક વાવાઝોડું અને વરસાદ તૂટી પડતા લગ્ન મંડપના થયા આવા હાલ

વ્યારા: (Vyara) તાપી જિલ્લામાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદી છાંટા પડતાં રોડ ભીંના થઈ ગયા હતા. દક્ષિણ સોનગઢમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ (Rain) પડ્યો હતો. કેટલાંક વૃક્ષો (Tree) પણ ધરાશયી થયાં હતાં. સોનગઢ તાલુકાના મેઢા ગામમાં દીકરીનાં લગ્ન હોય તેના માટે બાંધેલ મંડપ પણ ધરાશાયી થઇ જતાં અફડાતફડી સર્જાઈ હતી.

  • સોનગઢના મેઢા ગામે વરસાદે લગ્ન પ્રસંગમાં ભંગ પાડ્યો, મંડપ ધરાશાયી
  • તાપી જિલ્લામાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટાયું

વરસાદને કારણે મંડપ તૂટી પડતા લગ્નની તમામ સામગ્રી પલળી ગઈ હતી. ભોજન સમારોહ સાંજનો હતો, જેથી ભોજનની તૈયારી કરવાની બાકી હોય, અહીં બીજી મોટી નુકસાની ટળી હતી. પિતાએ દીકરીનાં લગ્નની વિધિ મંડપને બદલે ઘરે કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. આ કમોસમી વરસાદને કારણે ફરી એકવાર ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે. સોનગઢ- ઓટારોડ પહોળો કરવાની કામગીરી ચાલતી હોય રસ્તા પરના કાદવ-કીચડને લઇ વાહનો સ્લીપ થવાની અનેક ઘટનાઓ બની હતી. ડ્રાઈવર્ઝન દેખાતાં ન હોય વાહનચાલકો તોબા પોકારી ઊઠ્યા હતા.

સમગ્ર ભરૂચ જિલ્લામાં ગુરૂવારે બપોરે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો
ભરૂચ: સમગ્ર ભરૂચ જીલ્લામાં ગુરૂવારે બપોરે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા લોકો દોડતા થઇ ગયા હતા. ગુરૂવારે જંબુસર પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ટંકારી ભાગોળ રિંગ રોડ લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા ત્રણ બાઈકને નીચે દબાઈ ગયા હતા. ગુરૂવારે જંબુસરમાં ૪ મીમી અને નેત્રંગમાં ૨ મીમી વરસાદ ખાબક્યો હતો.

ભર ઉનાળામાં પણ આખા રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી થઇ રહી છે ત્યારે વિવિધ જીલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્ર કાંઠે ભરૂચ જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા પવન ફૂંકાયો હતો. જેને પગલે જંબુસર પંથકમાં બપોર બાદ કમોસમી વરસાદ ખાબકતા ગરમી વચ્ચે વાતાવરણ ઠંડુગાર બની ગયુ હતું. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ટંકારી ભાગોળ રિંગ રોડ લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતા ત્રણ બાઈક નીચે દબાઈ જતા નુકશાન થયું હતું. જો કે પવનના સુસવાટા વખતે ગેરેજ માલિકનો આબાદ બચાવ થયો હતો. જંબુસર અને નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદ વરસતા તાલુકાના ધરતીપુત્રો ચિંતાતુર બની ગયા હતા.

Most Popular

To Top