Madhya Gujarat

સોજિત્રાના રસ્તા વરસાદમાં ધોવાઇ જતાં રોષ

સોજિત્રા : સોજીત્રા નગરના લગભગ તમામ રસ્તાઓ ઉબડ ખાબડ થઈ ગયા છે. રસ્તાઓની બિસ્માર હાલતને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાંય વરસાદને કારણે અનેક વિસ્તારો જળ બંબાકાર થઈ જાય છે. આ વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. આ સમસ્યાઓને લઈને પાલિકાના વિપક્ષ કાઉન્સિલરે ચીફ ઓફિસરને આવેદન આપી આ પ્રશ્નોને હલ કરવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો રસ્તા અને વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલન કરવાની ચિમકી પણ કાઉન્સિલરે આપી છે.

સોજીત્રા પાલિકાના વિપક્ષ કાઉન્સિલર મહેબૂબભાઈ વ્હોરાએ મંગળવારે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં વરસાદી પાણીના નિકાલ તથા ઉબડ ખાબડ રસ્તાઓના પ્રશ્નની રજૂઆત કરતા ઉલ્લેખ કર્યો છે કે દર બે વર્ષે રસ્તાઓનું રિ-સરફેસિંગ કરવામાં આવે છે. છતાં રસ્તા ઉપર ખાડા પડી જાય છે. કેટલાક વિસ્તારના આરસીસી રસ્તા ઉપર જ ડામર પાથરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ પણ આવેદન દ્વારા કરવામાં આવ્યો છે. નગરના મુખ્ય ચોકડીથી જૂના બસ‌ સ્ટેન્ડ સુધીનો રાજમાર્ગ એટલી હદ સુધી ખખડધજ થઈ ગયો છે કે નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

ઉપરાંત રાણા ચોક, સમડી ચકલા, વ્હોર વાડ, વણકરવાસ‌ રોડ, ચાર કુવા ભાગોળ, ચોતરા વિસ્તાર, પાલિકા બહારનો રસ્તો, ખોડીયાર માતા મંદિર રોડ વગેરે રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળે છે. રસ્તાની સમસ્યા સાથે વરસાદી પાણીના નિકાલનો પણ પ્રશ્ન છે. ચોતરા વિસ્તાર ચોમાસામાં જળ બંબાકાર થઈ જાય છે. આ વિસ્તારમાંથી વરસાદના પાણીનો નિકાલ નહીં થતાં દિવસો સુધી ખાબોચિયાં ભરાઈ રહે છે, જેને કારણે અસહ્ય ગંદકી ફેલાય છે. આ અંગે પણ મહેબૂબભાઈ વ્હોરાએ રજૂઆત કરી છે. છેલ્લા બે વર્ષથી સોજીત્રા પાલિકાના અણઘડ વહિવટ ચાલતો હોવાની રજૂઆત સાથે આ વખતે આ સમસ્યાઓનો નિકાલ ત્રણ દિવસમાં કરવા ચીફ ઓફિસરને અલ્ટીમેટમ આપ્યું છે. જો સત્વરે ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ઓફિસમાં બેસી રહો તો નહીં ચાલે
વિપક્ષ કાઉન્સીલર મહેબૂબભાઈ વ્હોરાએ ચીફ ઓફિસરને કહ્યું છે કે, તમને સોજીત્રા શહેરની સમસ્યાઓના નિરાકરણ માટે સરકારે મૂક્યા છે. તમારે શહેરના વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ. તમે ફક્ત પાલિકામાં આવી ઓફિસમાં બેસી રહો તો નહીં ચાલે. જો અમારી રજૂઆતને ગંભીરતાથી નહીં લો તો ચીફ ઓફિસર વિરૂદ્ધ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો ઉલ્લેખ આવેદનમાં કર્યો છે.

Most Popular

To Top