Editorial

સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધનો બરાબર અમલ કરાવી શકાશે?

છેલ્લા કેટલાક દાયકામાં વિશ્વભરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ વધ્યો છે અને આ પ્લાસ્ટિક એ પ્રકૃતિમાં ભળી જઇને સહેલાઇથી નષ્ટ થઇ જાય તેવી વસ્તુ નથી અને તેથી દુનિયાભરમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલાઓ વધતા જાય છે તે આ  સ્થળે અગાઉ પણ ચર્ચાઇ ગયેલી બાબત છે. પ્લાસ્ટિકમાં પણ સિંગલ યુઝ એટલે કે એકાદ વખત જ વાપરીને ફેંકી દેવાની પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ જ્યારથી વધ્યો ત્યારથી કચરાની ઘણી મોટી સમસ્યા સર્જાઇ છે. પાણીની કે ઠંડા  પીણાની પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકના કપ, ચમચીઓ, પ્લેટો વગેરે વસ્તુઓ એવી છે કે જે મોટે ભાગે એક વાર વાપરીને ફેંકી દેવાય છે અને આ વસ્તુઓનો ઉપયોગ મુસાફરી, સમારંભો વગેરેમાં ઘણી સરળતા પુરો પાડતો હોવાને કારણે  આ સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ છેલ્લા કેટલાક સમયમાં ખૂબ વધ્યો છે અને તેને કારણે વધતા જતા પ્લાસ્ટિકના ઢગલાને કારણે હવે વિશ્વમાં આવી વસ્તુઓ પર પ્રતિબંધો મૂકાઇ રહ્યા છે.

ભારતમાં આવા પ્લાસ્ટિકના  કચરાની સમસ્યા ખૂબ વ્યાપક બની છે અને તેથી ભારત સરકારે હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકની અનેક વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ પ્રતિબંધનો અમલ શરૂ થઇ ગયો છે. જ્યારે એક જ વખત વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ પર આ પહેલી જુલાઇથી પ્રતિબંધ અમલી બની ગયો છે ત્યારે રાજ્ય સરકારો એક અમલીકરણ અભિયાન શરૂ કરશે અને આવી વસ્તુઓના ઉત્પાદન, વિતરણ, સંગ્રહ  અને વેચાણમાં રોકાયેલા યુનિટો બંધ કરાવશે એમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું.

પ્રતિબંધનો ભંગ કરનાર શિક્ષાત્મક પગલાઓ નોંતરશે  જેમાં દંડ અથવા જેલ અથવા બંનેનો સમાવેશ થઇ શકે છે, જેની  વિગતો એન્વાયર્મેન્ટ પ્રોટેક્શન એક્ટ(ઇપીએ)ની કલમ ૩૧ હેઠળ આપવામાં આવી છે અને સંલગ્ન મ્યુનિસિપલ કોર્પોરેશનોની બાયલોઝ હેઠળ પણ આપવામાં આવી છે. પ્રતિબંધના અસરકારક અમલ માટે નેશનલ અને રાજ્ય લેવલના  કન્ટ્રોલ રૂમો સ્થાપવામાં આવ્યા છે અને સ્પેશ્યલ એન્ફોર્સમેન્ટ ટીમો ગેરકાયદે ઉત્પાદન, આયાત, સંગ્રહ, વિતરણ, વેચાણ અને વપરાશ અટકાવવા માટે રચવામાં આવી છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પરના પ્રતિબંધનો અમલ કરાવવા  માટેની વ્યવસ્થા તો ખૂબ જડબેસલાક રાખવામાં આવી છે પરંતુ આ પ્રતિબંધનો અમલ હવે કેવી સખતાઇથી કરાવવામાં આવે છે કે કરાવી શકાય છે તે આગામી દિવસોમાં ખબર પડશે. એવું જાણવા મળે છે કે આ પ્રતિબંધનો ભંગ કરવા  બદલ રૂ. એક લાખ દંડ અથવા પાંચ વર્ષની જેલ અથવા બંને થઇ શકે છે. જો કે આમાં ગુનાની ગંભીરતા કઇ રીતે ગણવામાં આવશે વગેરે બાબતોની જાહેર સ્પષ્ટતા જાણવા મળી નથી પરંતુ યોગ્ય જોગવાઇઓ હશે જ. અલબત્ત, સરકારે  શરૂઆતમાં કડક શિક્ષાઓ કરવાને બદલે જનજાગૃતિ વ્યાપક બનાવવાનું અને લોકોને આ વસ્તુઓનો વિકલ્પ આપવા પર ભાર મૂક્યો છે એમ જાણવા મળે છે.

ગયા વર્ષે ૧૨ ઓગસ્ટે, મંત્રાલયે એક જાહેરનામુ બહાર પાડીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, ઉપયોગ અને આયાત વગેરે પર પ્રતિબંધ મૂક્યો હતો, આ પ્રતિબંધનો અમલ જો કે ૧ જુલાઇ, ૨૦૨૨ સુધી મુલતવી રાખ્યો  હતો. હવે પહેલી જુલાઇથી આ પ્રતિબંધનો અમલ શરૂ થઇ ગયો છે. જેમને સિંગલ યુઝ વસ્તુઓ ગણવામાં આવી છે તેમાં બલૂનો, ઝંડાઓ વગેરે માટેની પ્લાસ્ટિકની સળીઓ, પ્લાસ્ટિકની કેન્ડી સ્ટિક્સ, આઇસક્રીમ સ્ટિક્સ, પ્લાસ્ટિકની  વાપરીને ફેંકી દેવાની પ્લેટો, કપ, પ્લેટો, સ્ટ્રો, રમકડા વગેરેનો સમાવેશ થાય છે.

થર્મોકોલનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની અનેક વસ્તુઓ જેમ કે ચા પીવા માટેના કપ, નાસ્તા  માટેની ડીશ વગેરે માટે પ્લાસ્ટિકને બદલે પૂઠા જેવા જાડા કાગળની વસ્તુઓ સરકારના પ્રયાસથી વપરાતી થઇ છે તે સારી વાત છે પરંતુ હજી પણ નોંધપાત્ર પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ ભારતમાં થાય છે. 

સીપીસીબીના આંકડા પ્રમાણે ભારતમાં વર્ષે ૨.૪ લાખ સિંગલ યુઝ પ્લાસ્ટિક પેદા થાય છે. આનું માથાદીઠ ઉત્પાદન વાર્ષિક ૦.૧૮ કિગ્રા છે. ભારતમાં આ રૂ. દસ હજાર કરોડનો ધંધો છે. આ ઉદ્યોગમાં બે લાખ જેટલા લોકોને સીધી અને  સાડા ચાર લાખ જેટલા લોકોને આડકતરી રોજગારી મળે છે આથી આ ઉદ્યોગ તત્કાળ બિલકુલ બંધ થઇ જાય તે પણ પોષાય તેમ નથી. જો કે પાણીની બોટલો, પેકીંગ મટિરિયલ વગેરે પણ સિંગલ યુઝ વસ્તુઓ છે પરંતુ પ્લાસ્ટિકની આવી  વસ્તુઓ પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, મૂકવાનું વ્યવહારુ પણ નથી. હાલ તો જે વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે પ્રતિબંધનો કેવો અમલ થાય છે તે જોવાનું રહે છે

Most Popular

To Top