સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના (Silvassa) એક ખાનગી ટ્યૂશન (Tuition) ક્લાસના શિક્ષક (Teacher) પર ટ્યૂશનમાં આવતી વિદ્યાર્થિનીઓને (Students) મોડીરાત્રે મેસેજ અને ફોટા (Photo) મંગાવવાનો આરોપ લાગ્યો છે. જેની ફરિયાદ સેલવાસ પોલીસને કરાતા પોલીસે આ મામલે ટ્યુશન શિક્ષકની અટક કરી છે.
- સેલવાસના ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થિનીઓના ફોટા મંગાવતા અટકાયત
- કેટલીક વિદ્યાર્થિનીઓએ ડરના કારણે વાલી અને સંચાલકોને ફરિયાદ કરી ન હતી
મળતી માહિતીઓ મુજબ સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં લેન્ડમાર્ક બિલ્ડીંગમાં ચાલતા આકાશ બાયજૂસ ટ્યુશન ક્લાસીસમાં રોહિત નામનો એક શિક્ષક ક્લાસમાં આવતી વિદ્યાર્થિનીઓને મોડીરાત્રે મોબાઈલ પર મેસેજ અને ફોટોગ્રાફ્સની માંગ કરતો હતો. જે સંદર્ભે વિદ્યાર્થિનીએ તેના પરિવારને જાણ કરતા પરિવારના સભ્યો શુક્રવારે મોડીરાત્રે ક્લાસીસ પર પહોંચ્યા હતા. આ મામલે સેલવાસ પોલીસને જાણ કરતા પોલીસની એક ટીમ ક્લાસીસ ખાતે પહોંચી શિક્ષક અને વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરી હતી. પોલીસને જાણવા મળ્યું કે, ટ્યુશન ક્લાસમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ આવે છે. જેમાં કેટલીક વિદ્યાર્થિનીઓને પકડાયેલો શિક્ષક મોડીરાત્રે મેસેજ કરતો હતો. પરંતુ વિદ્યાર્થિનીઓ ડરના કારણે તેમના વાલી અને ક્લાસીસ સંચાલકોને ફરિયાદ કરતા ન હતા. હાલ તો પોલીસે શિક્ષકની અટક કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બીલીમોરામાં ટેમ્પોની ટક્કરથી વૃદ્ધનું મોત
બીલીમોરા : બીલીમોરાના દેવસરની એપીએમસી માર્કેટ પાસે ગાયને રોટલી આપવા નીકળેલા વૃદ્ધને ટેમ્પોની ટક્કર લાગતા માથામાં ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. બીલીમોરાનાં ગૌહરબાગની હરિમોહન સોસાયટીમાં રહેતા કાંતિલાલ બાલુભાઈ પટેલ (૭૨) નિત્યક્રમ અનુસાર શનિવારે બપોરે ગાયને રોટલી ખવડાવવા પગપાળા નીકળ્યા હતા. અને દેવસર એપીએમસી માર્કેટ સામેથી પસાર થતા હતા. ત્યારે એચઆર માર્કેટ નજીક પાછળથી આવતા ટેમ્પો નં. જીજે ૨૧ યુયુ ૮૬૧૦ ની ટક્કરે માર્ગ ઉપર પટકાયા હતા. જેને પગલે માથાનાં ભાગે મૂઢ માર લાગતા હેમરેજ થયું હતું. દરમિયાન લોકો મદદે આવ્યા હતા. અને બીલીમોરાની સરકારી મેંગુષી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં કાંતિલાલ પટેલનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકની પત્ની ભાનુબેન કાંતિલાલ પટેલ (૭૦) એ બીલીમોરા પોલીસમાં આઇસર ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઇ ટી.એ. ગઢવી ચલાવી રહ્યા છે.