શહીદ કપૂરને એ વાતની ચિંતા હશે કે નહીં તે ખબર નથી પણ તેની કારકિર્દી બહુ ધીમી પડી ગઇ છે. તે એક સારો એકટર છે ને સ્ટાર પણ છે. આમ છતાં છેલ્લા પાંચ વર્ષમાં તેની ‘રંગૂન’, ‘પદ્માવત’, ‘બત્તીગુલ મિટર ચાલુ’, ‘કબીરસીંઘ’ અને ‘જર્સી’ ફિલ્મ જ આવી છે. મતલબ કે પાંચ વર્ષમાં પાંચ ફિલ્મ. આમાં ‘પદ્માવત’ની સફળતાની સફળતામાં તો દિપીકા પાદુકોણે, રણવીરસીંઘ અને સંજય લીલા ભણશાલીનો ભાગ છે. ‘રંગૂન’ એક સારી ફિલ્મ હતી પણ તેમાં ય કંગના રણૌતની ભૂમિકા મોટી હતી અને વિશાલ ભારદ્વાજે ફરી તેના પર વિશ્વાસ મુકેલો.
‘બત્તી ગુલ મિટર ચાલુ’ એક સારી ફિલ્મ હતી અને શાહીદ જ આખી ફિલ્મમાં વધારે અસરદાર હતો પણ ફિલ્મ ન ચાલી એટલે કોણ તે તરફ જુએ. ‘કબીરસીંઘ’ રિમેક ફિલ્મ હતી પણ મોટી સફળ રહેલી. ‘જર્સી’ પાસે તેને આશા હતી પણ ફળીભૂત નહોતી થયેલી. ખેર! સફળતા – નિષ્ફળતા વચ્ચે પણ તેની એકટર તરીકેની ઇમેજ બગડી નથી. આ ફિલ્મોથી તે નાનો નથી થયો. બધા જાણે છે કે શાહીદમાં શું તાકાત છે. તે ગમે તે વિષયની ફિલ્મો સ્વીકારતો નથી. દરેક ફિલ્મે તે પોતાનું વજૂદ પૂરવાર કરે છે. તેને ખબર છે કે તે સલમાન નથી, શાહરૂખ નથી, ઋત્વિક કે અક્ષય – અજય યા રણબીર કપૂર નથી અને તેને એ પણ ખબર છે કે તે શાહીદ કપૂર છે.
શાહીદની અત્યારે બે ફિલ્મ આવી રહી છે – ‘સ્લીપલેસ નાઇટ’ અને ‘બુલ’. ‘સ્લીપલેસ નાઇટ’માં તે એવો પોલીસ અધિકારી બન્યો છે જેને અંડરવર્લ્ડ સાથે કનેકશન છે પણ પછી જે વળાંક આવે છે તે જબરદસ્ત છે. અલી અબ્બાસ ઝફર જે સલમાનખાન સાથે ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ ઉપરાંત ‘ભારત’ બનાવી ચૂકયો છે તેણે શાહીદ પર પહેલીવાર વિશ્વાસ મુકયો છે. એ ‘ન્યુટ બ્લેન્ક’ નામની ફિલ્મ પર આધારીત છે. શાહીદ સાથે શોભિતા ધૂપેલીયા અને શર્ગુન મહેતા છે અને સંજય કપૂર છે. ‘બુલ’ ફિલ્મ સંગીત શિવન બનાવી રહ્યા છે જેમાં શાહીદ બ્રિગેડીયર બલસારા બન્યો છે.
શાહીદ પરદા પર એક આદર જન્માવે એવી ઇમેજ ધરાવે છે અને લશ્કરી અધિકારીની ભૂમિકામાન ગોવિંદા જેવા ન ચાલે. શાહીદમાં રહેલી આ ગંભીરતાને ઇમ્તિયાઝ અલી, વિશાલ ભારદ્વાજ, સુરજ બડજાત્યા, સંજય લીલા ભણશાલી, અભિષેક ચૌબે જેવા દિગ્દર્શકો અપનાવી ચુકયા છે. કેટલાક અભિનેતાઓને લગ્નએ વધુ મેચ્યોર વ્યકિતમાં ફેરવ્યા છે ને તેમાં એક શાહીદ પણ છે. મીરા રાજપૂતને તે ૨૦૧૫ માં પરણ્યો અને અત્યારે બે બાળકોનો પિતા છે. એને માતા-પિતાના બબ્બે લગ્નોએ પણ ડિસ્ટર્બ નથી કર્યો અને એની મમ્મીના બીજા લગ્નથી થયેલા દિકરા ઇશાન ખટ્ટરની પણ તે કાળજી રાખે છે. •