એક દિવસ એવું થયું કે તેજ પવન ફૂંકાતો હતો અને એ તેજ હવાની સાથે નીચે જમીન પર પડેલો એક નકામો કાગળનો ટુકડો ઉપર ને ઉપર ઊડવા લાગ્યો અને પવન વધુ ને વધુ તેજ ફૂંકાઈ રહ્યો હતો એટલે તેજ પવનની સાથે સાથે ઊડતો ઊડતો કાગળનો ટુકડો ઉપર આસમાન તરફ ઊડવા લાગ્યો અને ફૂંકાતા પવનની તીવ્રતા વધતાં પેલો કાગળનો ટુકડો ઊડતો ઊડતો નજીકની ટેકરીની ટોચ પર પહોંચી ગયો.
ટેકરીની ટોચ પર પહોંચેલા કાગળને જોઇને ટેકરીએ આવેલા મહેમાનનું સ્વાગત કર્યું અને પૂછ્યું, ‘દોસ્ત, આટલે ઊંચે સુધી તું કેવી રીતે આવી શક્યો?’ કાગળનો ટુકડો ફાંકેબાજ હતો. સાચી વાત ન કહેતાં તે બોલ્યો, ‘હા, હું ખૂબ મહેનત અને સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યો છું.’ ટેકરીને કાગળની વાત સાંભળીને બહુ નવાઈ લાગી. તે બોલી, ‘શું સાચે તું તારી મહેનતથી અહીં પહોંચ્યો છે?’
ફાંકેબાજ કાગળ ગુસ્સે થઈ ગયો. તે બોલ્યો, ‘હા, હું મહેનત કરીને ઉપર આવ્યો છું.તું શું સમજે છે?…તું મારા પર શંકા કરે છે?..અરે હું તો મારી મહેનતથી આસમાન સુધી પહોંચી શકું છું.તને તારી ઊંચાઈનું અભિમાન છે પણ તું આ ઊંચાઈથી ઉપર નહીં જઈ શકે.તારી ઊંચાઈની એક સીમા છે, જયારે મને કોઈ બંધન નથી.તું જ્યાં છે ત્યાં જ રહીશ અને હું તો અનંત આકાશ સુધી જવાની તાકાત ધરાવું છું.મારી પાસે હું ઈચ્છું ત્યાં જઈ શકવાનું સામર્થ્ય છે.’
આવું ઘણું ઘણું ફાંકેબાજ કાગળનો ટુકડો બોલતો જતો હતો અને ટેકરી સમજી ગઈ કે તે ફાંકેબાજ છે. હજી ટેકરી કંઈ બોલે તે પહેલાં જ ટેકરીની ટોચ પરથી નીચેની દિશા તરફ જોરદાર પવન ફૂંકાયો અને કાગળ ટેકરીની ટોચ પરથી ઊડીને નીચે તરફ પડ્યો અને નીચે વહેતા એક કાદવવાળા નાળામાં પડ્યો અને ભીનો થઈ ગયો તેથી હવે તે વહેતા પવન સાથે ઊડી ન શક્યો અને ત્યાં કાદવભર્યા નાળામાં કાદવવાળો થઈને સડવા લાગ્યો.
આપણે બધા આ ફાંકેબાજ કાગળ જેવા જ છીએ.જયારે પુણ્યનો પવન ફૂંકાય છે…ઈશ્વર કૃપા થાય છે …ભાગ્ય ખૂલે છે ત્યારે આપણે સુખ અને સંપન્નતાની ટોચ પર પહોંચી જઈએ છીએ અને પછી ફાંકેબાજ કાગળની જેમ અભિમાન લઇ બોલીએ છીએ કે આ તો મારી મહેનત અને પુરુષાર્થ અને આવડતનું ફળ છે.
અભિમાનમાં ફૂલી જઈએ છીએ.પરંતુ જયારે આપણા દુર્ગુણ અને પાપનો ભાર વધે છે અને એક એવી પવનની લહેર આવે છે જે આપણને સુખની ઊંચાઈથી પળભરમાં નીચે જમીન પર નાળામાં લાવી દે છે અને જયારે ખરાબ કર્મ અને પાપનો ભાર ફરીથી ઊંચે ઊઠવા પણ નથી દેતો.માટે ખરાબ કર્મથી ચેતતા રહો, થયેલા પાપની સજા મળશે, પણ આગળ બીજા કોઈ પાપ ન થાય તે માટે જાગ્રત રહો.પુણ્ય કર્મનું સારું પરિણામ મળે ત્યારે અભિમાન કરવાથી બચો અને નાના નાના પુણ્ય કર્મ રોજે રોજ કરીને પુણ્યનું ભાથું મજબૂત કરતા રહો.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.