સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં પોલીસ (District Police) વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ સહીત એલ.સી.બી વિભાગ, સાપુતારા પોલીસ મથક, સુબિર પોલીસ મથક, આહવા પોલીસ મથક તેમજ વઘઇ પોલીસે વર્ષ દરમ્યાન પેટ્રોલિંગ હાથ ધરી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધી મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂનો (English Liquor) જથ્થો ઝડપી પાડ્યો હતો.
જેમાં આહવા પોલીસે 57 કેસો નોંધી કુલ બોટલ નંગ 5,211 જેની કિંમત 5,88,607 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે વઘઇ પોલીસે 29 કેસો નોંધી કુલ બોટલ નંગ 6051 જેની કિંમત 10,21,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુબિર પોલીસે 18 કેસ નોંધી કુલ બોટલ નંગ 984 જેની કિંમત 59,956 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સાપુતારા પોલીસે 47 કેસો નોંધી કુલ બોટલ નંગ 34,124 જેની કિંમત 66,38,234 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ડાંગ જિલ્લાનાં અલગ અલગ પોલીસ મથકો દ્વારા પ્રોહીબિશન એક્ટ હેઠળ ઝડપી પાડવામાં આવેલા ઈંગ્લીશ દારૂનાં જથ્થાની કુલ બોટલ નંગ 46,370 જેની કિંમત 83,08,547નાં જથ્થા પર ગતરોજ ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ,ડાંગ પોલીસ વડા તથા નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં રોલર ફેરવી સંપૂર્ણ નાશ (Destroy) કરવામાં આવ્યો હતો.
વોલ પ્લાસ્ટર પુટ્ટીની ગુણીની આડમાં લઇ જવાતો દારૂ વાપી હાઇવેથી પકડાયો
વલસાડ : દમણથી દારૂની હેરફેર માટે નીત નવા કિમિયા અજમાવતા બુટલેગરો પ્લાસ્ટર પુટ્ટી ગુણીની આડમાં રૂ. 7.52 લાખની મત્તા નો દારૂ લઇ જઇ રહ્યા હતા. જેને એલસીબીએ પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ એલસીબીએ બાતમીના પગલે વાપી હાઇવે નં. 48 પર નાકાબંધી હાથ ધરી એક ટેમ્પોને અટકાવી તેની જડતી લેતાં તેમાં 350 નંગ વોલ પ્લાસ્ટર પુટ્ટીની 350 ગુણી નીચે સંતાડેલા દારૂના 201 બોક્સ જેમાં દારૂની 7848 બોટલ કિ. રૂ. 7.52 લાખ નો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જેના પગલે તેમણે ચાલક સુનિલકુમાર ફૂલચંદ ગુપ્તાને પકડી પાડ્યો હતો. તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ઈ-સિગારેટનું વેચાણ કરતા શખ્સની ધરપકડ
દમણ : સંઘપ્રદેશ દમણ પોલીસે ગેરકાયદે ઈ-સિગારેટનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ઈ-સિગારેટની સાથે હુક્કા તથા અન્ય માલસામગ્રીને પણ કબ્જે કરવાની કાર્યવાહી કરી છે. નાની દમણ પોલીસને બાતમી મળી કે, દમણના દુબઈ માર્કેટની દુકાન નં. 34 માં ગેરકાયદે ઈલેક્ટ્રોનિક સિગારેટનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમી મળતાં દમણ પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમના ઈન્સ્પેક્ટર દિપક ટંડેલે દુકાન પર છાપો માર્યો હતો. દુકાનમાંથી 10 નંગ ગેરકાયદે ઈ-સિગારેટ, 4 પેકેટ ફ્લેવર મોલસ્સેસ હુક્કા, 22 ડબ્બા હુક્કાના ફ્લેવર, 27 પેકેટ ફિલ્ટર પાઈપ, 13 નંગ હુક્કા પોટ, 24 નંગ હુક્કા પાઈપ, 2 નંગ હુક્કા ઈસ્ટિક પિકો તથા 10 નંગ હુક્કા ફોઈલ પેપર જેવી સામગ્રીને કબ્જે કરવાની કાર્યવાહી કરી હતી. આ મામલે પોલીસે પ્રતિબંધિત ઈલેક્ટ્રોનિક સિગારેટની કલમ 2019 હેઠળ ગુનો દાખલ કરી શ્રવણસિંગ ગુમાનસિંહ પુરોહિત (ઉ.25, રહે. બરુડીયા શેરી, નાની દમણ)ની ધરપકડ કરી જેલમાં ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.