Madhya Gujarat

દિવ્ય જ્યોત સ્વરૂપે બિરાજતા સંતરામ મહારાજ સહુના સંકલ્પો પરિપૂર્ણ કરે છે
પરંપરાગત રીતે સાકર વર્ષાની ઉજવણી કરાશે : મોટા વાહનોને ડાયવર્ટ કરાશે

નડિયાદ: નડિયાદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે સાકર વર્ષાની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવશે. જેની તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી હતી.  નડિયાદના સંતરામ મંદિરમાં ૧૯૧ વર્ષ પૂર્વે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે સમાધિ લીધી હતી. સમાધિના દિવસે કોડિયું પ્રજ્વલિત થયા બાદ આકાશમાંથી પુષ્પ અને સાકરની વર્ષા થઇ હતી. આ દિવ્ય પ્રસંગની આજેપણ સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. દરસાલ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સાકરવર્ષા પર્વના સાક્ષી બની, આ શુભ દિને વર્ષમાં એકજવાર થતી આરતીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિર પટાંગણમાં સવારથી જ શ્રધ્ધાળુઓ આવી પહોંચે છે અને સાકર વર્ષા બાદ જય મહારાજની પ્રસાદીરૂપ સાકર લઇ પરત જાય છે. ૧૯૧ મી સાકરવર્ષાને લઇને હાલમાં શ્રધ્ધાળુઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વાટ આપોઆપ પ્રજ્વલિત થાય ત્યારે સમાધિ લીધી સમજજો
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેયના અવતાર હતા. સદૈવ ભક્તોની મનછા મુજબ વર્તતા મહારાજ પોષી પૂનમે સમાધિ લેવાના હતા. જોકે, તેમના પરમ ભક્ત એવા પૂંજાભાઇ ભગતની ભક્તિને મહારાજ વશ હતા. પોષી પૂનમે પૂંજા ભગત આવી શકે તેમ ન હોવાથી માઘ પૂર્ણિમાએ સમાધિ લેવાનો નિર્ધાર કર્યો હતો. મહારાજ મોટાભાગના સમયે સમાધિસ્થ અવસ્થામાં જ રહેતાં હોવાથી ભક્તો મૂંઝાયા હતા. તેઓએ મહારાજને પૂછ્યું હતું કે, અમને કઇ રીતે ખબર પડશે કે તમે સમાધિ લઇ લીધી ? ત્યારે મહારાજશ્રીએ કહ્યું હતું કે, બે કોડિયામાં વાટ મૂકી, ઘી પૂરી રાખજો. જ્યારે તે આપમેળે પ્રગટી જાય ત્યારે સમજી જજો કે મેં સમાધિ લઇ લીધી છે. પૂર્ણિમાના પાવન પર્વે મહારાજે ત્રણ વખત ઓમકારનો નાદ કર્યો અને તે સાથે જ મસ્તકની ઉપર શીખામાંથી એક જ્યોત નીકળી અને તે જ્યોતથી કોડિયા પ્રજ્વલિત થયા અને એ જ્યોત આકાશમાં સમાઇ ગઇ. આ સમયે આકાશમાંથી પુષ્પ અને સાકર વર્ષા થઇ હતી. વિક્રમ સંવત ૧૮૮૭ ના મહા મહિનાની પૂનમના દિવસે ગુરૂવારે સાંજે ૬.3૦ ના અરસામાં મહારાજે જીવિત સમાધિ લીધી હતી અને ત્યારથી લઇને આજદિન સુધી દરસાલ પરંપરાગત રીતે સાકરવર્ષા પર્વની ઉજવણી કરવામાં આવે છે.

મેળા જેવો માહોલ જામ્યો
કોરોનાને કારણે દરસાલ યોજાતો ત્રિદિવસીય મેળો હવે નથી યોજાતો. જોકે, તેમછતાં કેટલીક રાઇડ્સ અને નાના વિક્રેતાઓએ મેળાનો માહોલ જમાવવાની શરૂઆત કરી દીધી હતી. સંતરામ નાની શાક માર્કેટના પ્રાંગણમાં મેળાનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. જોકે, મેળાની મંજુરી ન મળતાં આ વર્ષે પણ ત્રિદિવસીય મેળો નહીં યોજાય.

મહાસુદ પુનમને અનુલક્ષી સંતરામ મંદિરની આજુબાજુના માર્ગ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો
તા. ૧૬-૦૨-૨૦૨૨ ના રોજ મહાસુદ પુનમ નિમિત્તે શ્રી સંતરામ મંદિર, નડીયાદ ખાતે મહાસુદ પુનમ અનુસંધાને મોટી સંખ્યામાં દર્શનર્થીઓ આવતા હોય અને આ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સરળતા રહે તે માટે વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં  એસ.ટી.સ્ટેન્ડ અક્ષર મોટલ સર્કલથી સંતરામ મંદિર તરફ જતા તમામ વાહન વ્યવહાર, પીજ ભાગોળ ચોકથી જુની જયંત શાહ હોસ્પિટલ તરફ જતા તમામ વાહન વ્યવહાર, માઈ મંદિરથી વર્ગો કોમ્પેલેક્ષ તરફ આવતો તમામ વાહન વ્યવહાર, વૈશાલી સિનેમા, રેલ્વે ગરનાળા તરફથી મોટી શાક માર્કેટ થઈ ટ્રાફીક ચોકી તરફ આવતા તમામ વાહન વ્યવહાર, રબારીવાડ દેસાઈવગો તરફથી ગ્લોબ સિનેમા તથા પારસ સંકલ તરફ જતા તમામ વાહન વ્યવહાર, ડુમરાલ બજારથી સંતરામ મંદિર તરફ આવતો તમામ વાહન વ્યવહાર, સંતરામ સોસાયટી,વકીલ સોસાયટી, ઓપન એર થિયેટર તથા વિઠ્ઠલ કન્યા વિદ્યાલયથી શ્રી સંતરામ મંદિર તરફ આવતો તમામ વાહન વ્યવહાર, મહાગુજરાત ત્રણ રસ્તાથી પારસ સર્કલ, સંતરામ મંદિર તરફ આવતો તમામ વાહન વ્યવહાર, કિડની હોસ્પિટલ ચાર રસ્તાથી નાના કુંભનાથ રોડ થઈ પારસ સર્કલ તરફ આવતા તમામ વાહન,  સલુણ એકસપ્રેસ-વે તથા ડાકોર રોડ તરફથી ચકલાસી ભાગોળ, મહાગુજરાત સર્કલ થઈ શ્રી સંતરામ મંદિર રોડ તરફ આવતો તમામ વાહન વ્યવહાર બંધ રહેશે. જેના સ્થાને  વાહન વ્યવહાર પસાર થવાના વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્ય છે. એસ.ટી.બસ સ્ટેન્ડ, અક્ષર મોટેલ સર્કલથી શ્રેયસ રેલ્વે ગરનાળાના વળાંક થઈ રેલ્વે સ્ટેશન, આર.ટી.ઓ.ત્રણ રસ્તા થઈ આગળ જશે. સંતરામ સોસા., વકીલ સોસા. તરફથી આવતો તમામ વાહન વ્યવહાર વિઠ્ઠલ કન્યા વિદ્યાલયથી પેટલાદ ફાટક તરફ તથા વિકાસ કોલોની, રાહુલ હોસ્પિટલ ત્રણ સસ્તા થઈ અલ્કાપુરીથી મહાગુજરાત ત્રણ રસ્તા થઈ આગળ જશે.  મહાગુજરાત હોસ્પિટલ ત્રણ રસ્તાથી શ્રી સંતરામ મંદિર રોડ તરફ આવતો વાહન વ્યવહાર તથા ડાકોર રોડ તરફથી આવતો વાહન વ્યવહાર ચકલાસી ભાગોળ, મરીડા ભાગોળ, કનીપુરા નાકા થઈ આગળ જઈ શકાશે. ડાકોર રોડ- હેલીપેડ ચોકડી રીંગ રોડ ત્રણ રસ્તાથી ચકલાસી ભાગોળ નડીઆદ તરફ આવતો વાહન વ્યવહાર- હેલીપેડ ચોકડી રીંગ રોડ થઈ મરીડા ચોકડી, બીલોદરા જેલ ચોકડી થઈ આગળ તરફ જઈ શકાશે. સરકારી વાહનો, ફાયર બ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ વાનને લાગુ પડશે નહી.

Most Popular

To Top