નવી દિલ્હી: ગુજરાતમાં (Gujarat) વર્ષ 2002 દરમ્યાન ગોધરાકાંડ ઉપર બનેલી બીબીસી ડોકયુમેન્ટ્રી (BBC Documentry) હાલ છેલ્લાં કેટલાય સમયથી વિવાદોમાં આવી રહી છે. આ વિવાદો વચ્ચે રશિયાના (Russia) વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવના પ્રવક્તાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ડોકયુમેન્ટ્રીને બીબીસી દ્વારા રજૂ કરવામાં આવેલા યુદ્ધના પુરાવા તરીકે વર્ણવ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું “હું એ હકીકત તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું કે બીબીસી દ્વારા વિવિધ મોરચે ચલાવવામાં આવી રહેલા માહિતી યુદ્ધનો આ વધુ એક પુરાવો છે.” બીબીસી માત્ર રશિયાની વિરુદ્ધ નથી પરંતુ સ્વતંત્ર નીતિને વળગી રહેલા અન્ય વૈશ્વિક કેન્દ્રો સામે પણ છે. રશિયન વિદેશ પ્રધાનના પ્રવક્તાએ કહ્યું કે તે વર્ષોથી જાણીતું હતું કે બીબીસી બ્રિટિશ સૈન્યની અંદર કેટલાક જૂથોના હિતોનું સાધન બનવા માટે અન્ય લોકો સામે લડી રહ્યું છે.
2002ના ગુજરાત રમખાણો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઈને દેશમાં હંગામો ચાલુ છે. 21 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના આ નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોએ દેશભરની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં ડોક્યુમેન્ટ્રીને સ્ક્રીનીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ વિવાદ વધુ વકર્યો હતો.
ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવા સામેની અરજી પર 6 ફેબ્રુઆરીએ સુનાવણી
હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ગુજરાત રમખાણો પર બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મુકવા સામેની અરજી પર સુપ્રીમ કોર્ટ 6 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. જણાવી દઈએ કે અરજદાર એમએલ શર્માએ સોમવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ કેસની વહેલી સુનાવણીની અપીલ કરી હતી. આ પછી કોર્ટે તેની સૂચિ બનાવવાનો નિર્દેશ કર્યો હતો. એડવોકેટ એમએલ શર્માએ તેમની પીઆઈએલમાં માંગ કરી છે કે જનતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે બીબીસી ડોક્યુમેન્ટ્રી પરનો પ્રતિબંધ હટાવવામાં આવે.