Columns

રૂપાના રંગ !

તમારો ચાનો જ ધંધો છે કે કંઈ બીજો?’ રૂપાના આ સવાલથી હું અચકાઈ ગયો. મેં કહ્યું, ‘ચાનો એક જ ધંધો છે અને એ પણ માંડ ચાલે છે. કેમ આવું પૂછવું પડ્યું?’ ‘ભૂલ થેઈ ગેઇ પુઈછું તો.’ ‘ભૂલની કોઈ વાત નથી, સવાલ સમજાયો નહીં.’ ‘તમને તમારા મતલબની વાત જ હમજાય. બાકી આંખ હામ્મે પહાડ ઓય તો હો ની દેખાય. અથડાય ની જવાય એટલે રસ્તો બદલી કાઢહે પણ પહાડ હારું પૂછે તો કે’હે – કાં ઉતો પહાડ!’

વડા તળતા રૂપા એવી ગતિમાં બોલી રહી હતી જાણે ધાણી ફૂટી રહી હોય. એના ચહેરો તમતમી રહ્યો હતો પણ કારણ મને ખબર ન હતી અને રૂપાની ભાવસ્થિતિ જોઈ કારણ જણાય એવું લાગ્યું નહીં. મેં વાતાવરણ બદલવા કહ્યું, ‘ચા અને વડાપાઉંમાં આ ફરક છે – ચા માંગવી ન પડે.’ ‘કેમ બીજો ફરક રે’ઈ ગીયો કે’વાનો!’ એક પ્લેટમાં મને વડાપાઉં આપતાં રૂપાએ તંગ સ્વરમાં કહ્યું, ‘વડાપાઉં આપવા વારી બદલાયા ની કરે.’

‘ઓત્તારી !’ ‘તીખું તો બાપના વારાનો!’ મેં કહ્યું. રૂપાએ તરત મારી સામે વેધક નજરે જોયું. મેં વડાપાઉં સાથે એણે આપેલું મરચું દેખાડતાં કહ્યું, ‘જબરું તીખું તમારું મરચું તો!’ ‘આપણું બધું જબરું જ ઓય!’ રૂપાએ તરત જવાબ આપ્યો. કાલે મારા ચાના ચૂલે એક છોકરી ચા બનાવતી હતી. આમ તો એણે એના અંગત કામે માત્ર એકવાર ચા બનાવી અને પછી ચાલી પણ ગઈ, પણ શિંદેએ ટીખળમાં રૂપાને કહી દીધું કે હું ચા બનાવવા માટે સહાયક તરીકે એ છોકરીને રાખવાનો છું. આવી ટીખળથી રૂપાએ અપસેટ થવાનું દેખીતું કોઈ કારણ નહોતું પણ એ થઇ. હશે, પણ એ વાત બીજા દિવસ સુધી ખેંચાય એ મને વધારે પડતું લાગ્યું.

‘તો તમે તમારું કામ બીજાને પકડાવી ને અવે સાહેબની જેમ ફરવા નીકયરા એમ ને?’ ‘સાહેબ કેવા અને ફરવાનું કેવું! હું અગત્યના કામે નીકળેલો. થયું વડાપાઉં ચાખતો જાઉં;’ ‘ઓહોહો નસીબ અમારા વડાપાઉંના!’ જેનો ચોક્કસ કોઈ અર્થ ન નીકળે એવું સ્મિત કરતાં હું ઉભો થયો અને કહ્યું, ‘સરસ હતા વડાપાઉં. થેન્ક્સ.’ અને જવા માંડ્યો, ત્યારે રૂપાએ કહ્યું, ‘ચા બનાવવા વારા તો કામે રાખી લીધા પછી ઉતાવર હાની!’ મેં વધુ ખુલાસો ન કરતા કહ્યું, ‘ના, કોઈને ચા બનાવવા કામે હજી મેં રાખ્યા નથી.’ અને ઝડપથી મારા ચાના બાંકડા તરફ ગયો. અમુક કાગળીયાની ફોટોકોપી કરાવવાની હતી. મારા હવાલદાર મિત્ર શિંદેને એ કામ સોંપી શક્યો હોત, પણ ઘણા દિવસે મારી અન્ય એક નિયમિત ગ્રાહક લૈલા બાંકડે આવી. લૈલા અને શિંદે વાતે વળગ્યા એટલે મેં વિચાર્યું કે ભલે બન્ને વાતો કરતા. ચા તો તૈયાર જ હતી, એટલે મેં લૈલાને કહ્યું કે કોઈ આવે તો આ થર્મોસમાં ચા છે અને હું ફોટોકોપી કઢાવવા નીકળ્યો હતો.

બાંકડે પાછો પહોંચતા લૈલા અને શિંદે મને ઉત્સુકતાથી તાકી રહ્યા હતા. ચૂલો ચેતવી દૂધ મૂકતાં મેં શિંદે અને લૈલાને પૂછ્યું, ‘કેમ આમ જુઓ છો તમે બન્ને? કંઈ ખાસ?’

‘ખાસ તો તમે સંભળાવો. બહાર ફરી આવ્યા તો કંઈ નવાજુની?’ લૈલાએ મલકાતાં મને ત્રણેક ચા ખપી હશે તેના પૈસા આપતાં કહ્યું.

‘બહાર ફરવા? નાકા પર ફોટોકોપી કઢાવવા ગયેલો. એમાં શું નવાજુની!’

‘બીચ મેં વડાપાઉં કા સ્ટોલ ભી તો આયા ના!’ શિંદે બોલ્યો.

‘તો?’ મેં પૂછ્યું.

‘તો? તુમ બતાઓ.’

મને સમજાયું નહીં કે હું રૂપાના સ્ટોલ પર થતો આવ્યો એમાં ખાસ વાત શું હતી.

‘રૂપાએ કંઇક તો કહ્યું હશે’ લૈલાએ પૂછ્યું.

‘ના, કંઈ નથી કહ્યું. એ શું કહેવાની હતી?’

‘સવાલ હી નહીં કી કુછ ન બોલે. યે શાણા અપને કો બતાના નહીં ચાહતા લૈલા’ શિંદેએ લૈલાને કહ્યું. મને બત્તી થઇ. મેં શિંદેને પૂછ્યું, ‘ફિર કુછ ખીંચાઈ કી ક્યા તુમને રૂપા કી! કલ ભી તુમને ફાલતું બકવાસ કિયા થા…’ ‘આજ તો મૈ કુછ નહીં બોલા… ચાહિયે તો લૈલા સે પૂછ, વો ભી ઇધરીચ થી.’ ‘ઇધરીચ મ્હણજે! મેરે જાને કે બાદ રૂપા ઇધર આઈથી ક્યા!’ ‘ખાલી 1 મિનિટ કે લિયે.’ પોતાનો ચહેરો સહજ રાખવા મથતા શિંદેને તાકતા મેં કહ્યું, ‘ક્યારે શિંદે! ઇતના બડા હો ગયા ફિર ભી કોલેજીયન છોકરે કી માફિક ઉલટી સીધી હરકત કરતા રહેતા હૈ!’

‘આઈ શપથ રે બાબા! મૈ કુછ નહી કિયા – આઈ શપથ.’ એટલામાં લૈલા જોરથી હસી પડતા બોલી, ‘શિંદે ભાઈએ કંઈ નથી કહ્યું. મેં કહ્યું.’ ‘ઓહ! શું કહ્યું?’ મારી સાથે એક બહેનપણી બી આવેલી હતી. તમે ફોટોકોપી કઢાવવા ગયા પછી ચા પતાવી એ પણ જતી જ હતી. એટલામાં રૂપા બાંકડા તરફ આવતી દેખાઈ…’ ‘તો?’ મેં પૂછ્યું. ‘તોમાં તો એવું કે કાલે શિંદેભાઈએ રૂપાને ગપ્પું મારેલું કે તમે આસિસ્ટન્ટ તરીકે કોઈ છોકરીને રાખવાના છો અને એ વાત સાંભળી રૂપાનો મિજાજ કેવો બદલાઈ ગયેલો તે શિંદેભાઈએ મને કહેલું. એ રૂપાને જોઈ મને યાદ આવી ગયું…’ ‘તો?’ ‘એટલે મને થયું ચાલ હું પણ રૂપાની ટાંગ ખેંચું. એટલે મેં મારી બહેનપણીને કહ્યું કે 1 મિનિટ ચાના ચુલા સામે ઉભી રહે અને પેલી વડાપાઉં વાળી આવે એને પૂછજે કે ચા આપું?’ મેં કપાળ ફૂટતા પૂછ્યું, ‘પછી?’

‘પછી શું? મેં કહ્યું એટલે મારી બહેનપણી ચાના ચુલા સામે ઉભી રહી અને રૂપ આવી ત્યારે એને ચાનું પૂછ્યું. એટલે રૂપાએ ડઘાઈને શિંદે સામે જોઈ પૂછ્યું, ‘હવે આ કોણ વળી!’ ‘તમે લોકો પણ ખરાં છો’ મેં કહ્યું. હું રૂપાને બાંકડે ગયો ત્યારે એ કેમ ગીન્નાઈને વાત કરી રહી હતી એ હવે મને સમજાયું. મેં પૂછ્યું, ‘શું કામ આવી સળી કરો છો તમે લોકો?’ ‘સોરી, સોરી રાજુભાઈ. આ તો બે ઘડી ગમ્મત.’ ‘આ શિંદે તો ભેજાગેપ છે સાથે તમે પણ…’ ‘ઓ વડીલ!’ શિંદેએ મને જુસ્સામાં પૂછ્યું, ‘મૈ ભી ગલત, યે લૈલા ભી ગલત ઔર હર બાત મેં રૂપા સહી?’ ‘અરે! ઇસમેં રૂપા કી ક્યા ગલતી હૈ? તુમ લોગ જુઠ બોલ કર ઉસકી ટેર લે રહે હો ઉસકા ક્યા કુસુર?’

‘બસ ક્યા!’ લૈલાએ મને સ્મિત કરતા કહ્યું, ‘રૂપા આટલું રીએક્ટ શું કામ કરે છે!’ ‘સહી બોલી લૈલા!’ ઉત્સાહમાં આવી જતાં શિંદે બોલ્યો. ‘તુમ આસિસ્ટન્ટ કોઈ લડકા રખો યા લડકી રખો યા મૈ તો બોલતા હું કી યહાં 4 લડકી રખો – ઉસસે થર્ડ પાર્ટી કો ક્યા લેના દેના?’ લૈલા અને શિંદેના આ સવાલનો મારી પાસે કોઈ જવાબ ન હતો. વાત આગળ વધે એ પહેલા મેં વિષય બદલી નાખતાં લૈલાને કહ્યું, ‘ઓકે લૈલા. વાત તો પૂરી કર, પછી શું થયું? તમારી બહેનપણીને જોઈ રૂપાએ શિંદેને પૂછ્યું કે આ કોણ છે – પછી?’ ‘ફિર મૈને કુછ નહીં બોલા’ શિંદેએ ચોખવટ કરી.

‘મેં કહ્યું કે રાજુભાઈ આસિસ્ટન્ટ માટે ટ્રાયલ લઇ રહ્યા છે. એટલે રૂપા મારી બહેનપણીને ધારી ધારીને જોતાં બોલી, ‘આ નવું શરૂ થીયું ટ્રાયલ વારુ… કેટલીક ટ્રાયલ લેવાના? પછી તરત પોતાના સ્ટોલ જતાં બોલી, ‘પચાહ ટ્રાયલ લે – મારે હું!’ અને ચાલી ગઈ. મેં લૈલાને પૂછ્યું, ‘ખુશ?’ ‘હાસ્તો.’ લૈલા મલકાતા બોલી, ‘રૂપા કહીને તો ગઈ કે ‘મારે હું?’ પણ એને આ ગમ્યું નહીં એ ચોખ્ખું દેખાતું હતું.’ પછી શિંદેએ પૂછ્યું, ‘અબ સચ બોલ, તું અભી ઉધર વડાપાઉં ખા કર આયા તબ રૂપા કુછ તો બોલી હોગી?’ મને ખબર હતી કે શિંદે અને લૈલા જાણ્યા વગર છાલ નહીં છોડે. એટલે મારી અને રૂપાની જે વાત થઇ હતી એ મેં ટૂંકમાં કહી. બન્ને સાંભળી ગેલમાં આવી ગયા. ‘હવે તમે રૂપાને પ્રપોઝ કરી જ દો રાજુભાઈ’ લૈલાએ સલાહ આપી. ‘મૈ તો કબ સે બોલ રહાં હું’ શિંદેએ કહ્યું.

ગઈકાલ અને આજના રૂપાના વ્યવહારનું ઝીણું પોસ્ટમોર્ટમ કરી શિંદે અને લૈલા એ નિષ્કર્ષ પર આવ્યા કે રૂપા મારી બાબત પઝેસીવ છે અને મારે પહેલ કરી રૂપા જોડે આ અંગે વાત કરવી જોઈએ. દરમિયાન બાંકડે આવેલા ગ્રાહકોને ચા આપી મેં શિંદે અને લૈલાને કહ્યું, ‘આમ કોઈના વહેવારનો મનગમતો અર્થ કાઢી નક્કી કરી લેવું બરાબર નથી. તમે લોકો ભૂલી ગયા છો પણ રૂપાએ પોતાના વિશે શું કહ્યું હતું?’ ‘યાદ હૈ’ શિંદેએ કહ્યું. ‘વો બોલી થી કી કિસી રાજુ કે સાથ ઉસકી શાદી હોનેવાલી હૈ ઔર વો મુંબઈ મેં ચાય બનાતા હૈ. વો ઉસકો ઢૂંઢને મુંબઈ આઈ હૈ.’ ‘હૈ ના યાદ? ફિર!’ મેં શિંદેને જોતાં પૂછ્યું.

‘અબ મુઝે બતા, કહાં હૈ વો ઉસકા રાજુ? યે રૂપા કો મુંબઈ આ કર સાલ ભર હો ગયા. કિધર ઢૂંઢા ઉસને અપને પ્રેમી કો? ઉલટા વો ઇસ બાત મેં ટાંગ અડા રહી હૈ કી ઇધર કોઈ લડકી આસિસ્ટન્ટ ક્યોં હોની ચાહિયે?’ લૈલાએ મને પૂછ્યું, ‘એ બધું છોડો. તમારું દિલ શું કહે છે?’ ‘દિલ!’ લૈલાના આ ફિલ્મી સવાલથી હું હસ્યો અને મેં કહ્યું, ‘મને ડર લાગે છે. તમે લોકો શું સમજો છો – આ રૂપા ખરેખર વડાપાઉં બનાવતી કોઈ સીધીસાદી છોકરી છે, જે એના વિખુટા પ્રેમીને શોધતી હોય. રૂપાના રંગ છેતરામણા છે.’ શિંદે અને લૈલા મને અચરજથી જોઈ રહ્યા.

Most Popular

To Top