SURAT

વેક્સિન, રેપિડ અને RTPCR ની કામગીરીથી કાપડ માર્કેટના વેપારીઓ દુકાનો બંધ કરી ભાગી છૂટ્યા

સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસો તીવ્ર ગતિએ વધતાં મનપા દ્વારા કાપડ માર્કેટ (Textile Market) સાથે સંકળાયેલા વેપારી અને કર્મચારીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ અને કોરોના વેક્સિન ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમની પાસે નહીં હોય તેમને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવતો નથી અથવા તો દંડ લેવામાં આવે છે. સોમવારે પણ સુરત મહાનગરપાલિકાની (Corporation) આરોગ્ય વિભાગની ટીમે સવારે માર્કેટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. માટે નાની મિલેનિયમ માર્કેટમાં ચેકિંગ શરૂ કરાતાં વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી. માર્કેટમાં ચેકિંગ ટીમ આવી છે, એવું જાણ્યા પછી માર્કેટના મુખ્ય દરવાજે વેપારીઓનાં ટોળાં ભેગાં થઇ ગયાં હતાં. એસએમસી તરફથી દુકાનો બંધ કરાવવામાં આવી ન હતી. પરંતુ આરટીપીસીઆર કે રેપિડ ટેસ્ટ (Test) નહીં હોવાના કિસ્સામાં વેપારીઓએ ખુદ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.

એમ.એસ. સિન્થેટિક નામના વેપારી પાસે પાંચ હજાર રૂપિયાનો દંડ પણ લેવાયો હતો. કાપડ માર્કેટના વેપારીઓમાં મનપાની આ કાર્યવાહી સામે નારાજગી છે. આ મુદ્દે સુરત મર્કેન્ટાઇલ એસોસિસયેશના પ્રમુખ નરેન્દ્ર સાબુ તથા અન્ય પદાધિકારીઓ મેયર હેમાલી બોધાવાલાને મળ્યાં હતાં અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, કાપડ માર્કેટમાં કોરોનાને લીધે વેપાર રહ્યો નથી. લોકોની બોણી પણ થતી નથી અને પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી વેક્સિન સર્ટિ., રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆરનું સર્ટિ. ચકાસવા આવી જાય છે અને સીધો 5000નો દંડ ફટકારે છે. વેક્સિનની સમસ્યા છે ત્યારે માર્કેટના એસો.ની મદદથી જ કેમ્પ રાખી વેક્સિનેશનું કામ કરવું જોઇએ અને માર્કેટની દુકાનોની સંખ્યા પ્રમાણે વેક્સિનેશન સેન્ટર ઊભાં કરવા જોઇએ. વીક એન્ડમાં માત્ર કાપડ માર્કેટના લોકો જ સ્વૈચ્છિક બંધ રાખે છે. તેનાથી કોરોના સંક્રમણ અટકતું નથી. આકરો દંડ વર્તમાન સ્થિતિમાં બંધ થવો જોઇએ.

વેક્સિનેશન બાકી હોય તેવા 45 વર્ષથી ઉપરના લોકોનું લીસ્ટ લઇ નગર સેવકોને કામે લગવાશે

સુરત : શહેરમાં કોરોનાનો કહેર ઓછો થવાનું નામ લેતો નથી. અનેક પ્રયાસો છતાં સતત આગળ વધી રહેલા કોરોનાને અંકુશમાં લેવા હવે વધુમાં વધુ વેક્સિનેશન પર મીટ મંડાઇ છે. ત્યારે શહેરમાં હાલમાં ચાલી રહેલા 45 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની વેક્સિન મુકવાની કામગીરી લોકોમાં જાગૃતિ કે અન્ય કારણોસર ધીમી ચાલી રહી હોય, હવે શાસકોએ આરોગ્ય વિભાગ પાસેથી 45 વર્ષથી ઉપરના વેક્સિનેશન બાકી હોય તેવા લોકોની યાદી મંગાવી છે. તેમજ આ યાદીની મદદથી જે તે વોર્ડના નગર સેવકોને કામે લગાવી વેક્સિનેશન ઝડપથી આગળ વધારવા અને 1લી તારીખથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સિન મુકવાનું આયોજન વિચારાઇ રહ્યું છે.

Most Popular

To Top