Dakshin Gujarat

ઓક્સિજનની તંગીના કારણે બારડોલી CHC માં નવા દર્દીઓ દાખલ નહીં કરવાનો નિર્ણય

BARDOLI : બારડોલી CHC ખાતે બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટર ( COVID CARE CENTER) માં ઓક્સિજનના અભાવે ( OXYGEN) નવા દર્દીઓને દાખલ નહીં અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતા કોરોનાના ( CORONA) દર્દીઓની હાલત કફોડી થવાની સંભાવના સેવાઇ રહી છે.કોરોના મહામારીમાં સુરત શહેર સહિત જિલ્લાની હાલત દિન પ્રતિદિન કથળતી જાય છે. આજથી સુરત શહેર અને જિલ્લામાં ઓક્સિજનની અછતને કારણે કેટલીક હોસ્પિટલોએ નવા દર્દીઓ દાખલ કરવા પર રોક લગાવી દીધી છે. ઓક્સિજનનો પુરવઠો ખૂબ જ ઓછો હોય ઓક્સિજન હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓને મુશ્કેલી પડવાની સંભાવના છે.

તંત્ર અને સરકારના અણઘડ વહીવટને કારણે ઓક્સિજનની કટોકટી સર્જાય છે. જો સમયસર ઓક્સિજન નહીં મળે તો જિલ્લાની સ્થિતિ કપરી થવાના એંધાણ વર્તાય રહ્યાં છે. ત્યારે બારડોલીની બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ આજથી જ કોરોના સંક્રમિત નવા દર્દીઓને દાખલ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને કારણે બારડોલી CHCમાં સારવાર માટે આવતા ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ ઓક્સિજન પૂરવઠો ખૂબ ઓછો હોવાથી કેટલીક ખાનગી હોસ્પિટલોએ પણ હવે દર્દીઓના સગાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. બારડોલી CHCના ઇનચાર્જ અધિક્ષક ડો.ભાવેશ પટેલ જણાવ્યું હતું કે, સુરત જિલ્લા વિકાસ અધિકારી તરફથી નવા દર્દીઓને હાલ પૂરતા દાખલ ન કરી નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવાની સૂચના આપવામાં આવી છે.

કોરોના મહામારીને કારણે મુસાફરો નહીં મળવાથી બારડોલી એસ.ટી. ડેપો દ્વારા બસોના અનેક શિડયુલ રદ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે એસ.ટી.ની આવકને પણ મોટો ફટકો પડી રહ્યો છે. હાલ એક્સપ્રેસ અને લોકલ મળી માત્ર 30 શિડ્યુલ જ ચાલુ હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું હતું.હાલ કોરોના મહામારીને કારણે શાળા કોલેજો બંધ છે સાથે જ લોકો પણ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વધી રહેલા સંક્રમણને કારણે બારડોલી એસ.ટી. ડેપોને મળતા રોજિંદા મુસાફરોમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે ડેપો સંચાલિત કેટલાક શિડ્યુલ હાલ પૂરતા રદ્દ કરવામાં આવ્યા છે.


ગત વર્ષે લોકડાઉન ( LOCK DOWN) પહેલા બારડોલી ડેપો ( BARDOLI BUS DEPO) દ્વારા 80 જેટલા શિડ્યુલનું સંચાલન થતું હતું. લોકડાઉનમાં એસ.ટી. બસો બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ અનલોક શરૂ થતાં ડેપો દ્વારા તબક્કાવાર ફરીથી 50 જેટલા શિડ્યુલ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં 30 લોકલ અને 20 એક્સપ્રેસ બસો ચાલુ કરાય હતી. પરંતુ છેલ્લા એક મહિનાથી સંક્રમણમાં ફરી ઉછાળો આવતા મુસાફરોની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. મુસાફરો ન મળતા ડેપો દ્વારા કેટલાક શિડ્યુલ રદ કરી દેવામાં આવ્યા છે.

અઠવાડિયા પહેલા ડેપોના ત્રણ કંડકટર અને 4 ડ્રાઈવરને કોરોના થયો હતો
બારડોલી ડેપોના કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. ગત અઠવાડિયે ડેપોના ત્રણ કંડકટર અને 4 ડ્રાઈવર કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તમામની તબિયત સારી હોય તેઓ હોમ આઈશોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.
ડેપો મેનેજર મિલન વાઢેરે જણાવ્યું હતું કે, મુસાફરોની સંખ્યા ઓછી ડેપો દ્વારા કેટલાક શિડયુલ પર કાપ મુકવામાં આવ્યો છે. જે પૈકી હાલ 20 એક્સપ્રેસ બસોમાંથી 15 અને 30 લોકલમાંથી 15 શિડયુલ જ ચલાવવામાં આવી રહ્યા છે

Most Popular

To Top