Charchapatra

રોટી, કપડાં ઔર મકાન મોંઘાં હોય તો ન ચાલે

વિશ્વના સૌથી મોટા સ્વૈચ્છિક સંગઠન આર.એસ.એસે તાજેતરમાં જણાવેલ છે કે દેશમાં રોટી, કપડાં ઔર મકાન સસ્તાં હોવાં જોઇએ. દેશમાં આજે જીવનજરૂરી વસ્તુઓ પર જી.એસ.ટી. લાદવામાં જબરદસ્ત વિરોધ થઇ રહેલો છે તેવા સમયે આર.એસ.એસ.નું આ નિવેદન સરકારને પગલાં લેવા માટે બાધ્ય કરે તેવું હોઇ અભિનંદનને પાત્ર ગણી શકાય. આર.એસ.એસ.ના આ નિવેદનમાં સરકારે દેશની યુવાપેઢીને વ્યવસાય તરીકે એની તરફ વાળવા પ્રોત્સાહન આપવાની વાત કરીને કૃષિ મારફતે શહેરો તરફની આંધળી દોટ રોકવાની વાત કરેલ છે. આ નિવેદનમાં આર.એસ.એસે જણાવેલ હતું કે લોકોની જીવનજરૂરી વસ્તુઓની જરૂરિયાત પૂરી કરવામાં સહકારી સમિતિઓ મોટી ભૂમિકા ભજવી શકે એમ છે.

આર.એસ.એસ.ને સમાજ ઉપકારક આ સૂચનો માટે અભિનંદન છે. આર.એસ.એસ. પોતાની દર વર્ષે મળતી મીટીંગોમાં દેશ અને સમાજ હિતના નિર્ણયો અને તેના ઉકેલો વર્ષોથી જાહેર કરતું રહ્યું છે. પરંતુ દેશના કોંગ્રેસ સહિતના જુના સેકયુલર શાસકો આર.એસ.એસ. પ્રત્યેની ખોટી એલર્જીને કારણે નગણ્ય ગણતું રહ્યું છે. જો આવા આર.એસ.એસ.ના નિર્ણયોની સમય સમય પર જે તે કેન્દ્ર સરકરે નોંધ લઇને જરૂરી પગલાંઓ લીધાં હોત તો દેશના અને સમાજના ઘણા પ્રશ્નોના ઉકેલ આવી શકયા હોત અને દેશમાં જે ગંભીર પ્રશ્નો ઊભા થયેલ છે તે નિવારી શકાયા હોત.

આ કડવા સત્યનો સ્વીકાર હવે સર્વેએ કરવો જ રહ્યો. આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતના નીચેના કડવા સત્યવાળાં નિવેદનોની નોંધ દેશવાસીઓએ હવે ગંભીરતાથી લેવાની જરૂર છે. ભારતે ભારત રહેવું હોય તો તેણે હિન્દુ રહેવું પડશે. જયારે હિન્દુએ હિન્દુ રહેવું હોય તો ભારતે અખંડ બનવું પડશે. ભારતના ભાગલા થઇ પાકિસ્તાન બન્યું કારણ કે લોકો ભૂલી ગયા કે તેઓ હિન્દુ છે. હિન્દુહિત જ રાષ્ટ્રહિત, તેને જ પ્રાથમિકતા આપો, તેનાથી જ રાષ્ટ્રનિર્માણ થશે.
અમદાવાદ                  – પ્રવીણ રાઠોડ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top