Sports

ઋષભ પંત પર મોટું અપડેટઃ અંગૂઠામાં ફ્રેક્ચર થયું, 6 અઠવાડિયા રમી શકશે નહીં, આ ખેલાડીને મળી તક

ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચર હોવાની પુષ્ટિ થઈ છે. ડોક્ટરોએ પંતને ઓછામાં ઓછા 6 અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં પંત હવે માન્ચેસ્ટર ટેસ્ટમાં રમે તેવી શક્યતા ઘટી છે. માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે તે ઘાયલ થતા રિટાયર્ડ હર્ટ થયો હતો.

ભારતની ઇનિંગ્સની 68મી ઓવરમાં જ્યારે પંત 37 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે ઇંગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સ સામે રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના શૂઝ પર વાગ્યો હતો. બોલ તેના બેટની અંદરની ધારથી તેના પગના અંગૂઠામાં વાગ્યો હતો.

આ પછી, પંત જમીન પર સૂઈ ગયો અને પીડાથી કણસવા લાગ્યો. તેનો પગ સોજો થઈ ગયો હતો અને લોહી પણ નીકળી રહ્યું હતું. તે ચાલી શકતો ન હતો અને ફિઝિયોની મદદથી તેને મેડિકલ ટીમની કારમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્કેનમાં ફ્રેક્ચર જોવા મળ્યું છે. તે 6 અઠવાડિયા સુધી રમી શકશે નહીં. મેડિકલ ટીમ પેઇનકિલર્સ લઈને તપાસ કરી રહી છે કે તે ફરીથી બેટિંગ કરી શકે છે કે નહીં પરંતુ હાલમાં તે ચાલી પણ શકતો નથી તેથી તેના ફરીથી રમવાની શક્યતાઓ ખૂબ ઓછી છે.

ઈશાન કિશનને મળી તક
દરમિયાન પસંદગી સમિતિએ ઈશાન કિશનને અંતિમ ટેસ્ટ (31જુલાઈથી 4 ઓગસ્ટ, ઓવલ) માટે ટીમમાં ઉમેરવાનો નિર્ણય લીધો છે. કારણ કે પંત હવે તે મેચમાં રમી શકશે નહીં. ભારત પહેલેથી જ ઈજાની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી (ઘૂંટણની ઈજા) પહેલાથી જ બહાર છે અને ઝડપી બોલર આકાશ દીપ (જાંઘની ઈજા) અને અર્શદીપ સિંહ (અંગૂઠાની ઈજા) પણ ચોથી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી.

Most Popular

To Top