Business

રિટેલ બિઝનેસનું સુકાન પુત્રી ઇશાને સોંપવાની મુકેશ અંબાણીની જાહેરાત

મુંબઇ: આરઆઇએલની ૪૫મી વાર્ષિક સામાન્ય સભામાં આજે આ ગ્રુપના વડા મુકેશ અંબાણીએ પોતાની પુત્રી (Doughter) ઇશાને પોતાના મહાકાય ધંધાકીય જૂથના રિટેલ બિઝનેસના વડા તરીકે જાહેર કરી હતી જયારે તેમણે દેશની સૌથી મૂલ્યવાન કંપનીના વારસાઇ આયોજનની વિગતો આ સભામાં આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી આ પહેલા જ પોતાના ગ્રુપની ટેલિકોમ શાખા રિલાયન્સ જીઓના અધ્યક્ષ તરીક પુત્ર આકાશનું નામ જાહેર કરી ચુક્યા છે. કંપનીના શેર હોલ્ડરોની ૪૫મી વાર્ષિક સભામાં અંબાણીએ પોતાની પુત્રીને રિટેલ બિઝનેસને વૉટ્સએપ સાથે સાંકળવા બાબતે બોલવાનું આમંત્રણ આપ્યું હતું. ૩૦ વર્ષીય ઇશાએ ઓનલાઇન કરિયાણુ મંગાવવા માટે વૉટ્સએપનો ઉપયોગ કરીને ઓર્ડરો મૂકવા અને પેમેન્ટ કરવા અંગેની વ્યવસ્થા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. મુકેશ અંબાણીને ત્રણ સંતાનો – જોડીયા આકાશ અને ઇશા તથા નાનો પુત્ર અનંત છે. ઇશાના લગ્ન પિરામલ ગ્રુપના અજય અને સ્વાતિ પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા છે. નાના પુત્ર ૨૬ વર્ષીય અનંતને ઓટુસી અને નવા એનર્જી બિઝનેસનું સુકાન મળી શકે છે.

અદાણી સામે મોટી લડતની અંબાણીની તૈયારી
મુંબઇ: અબજપતિ મુકેશ અંબાણીએ આજે પોતાના રૂ. ૨૨૧ અબજ ડોલરના સામ્રાજ્યના વિસ્તરણ માટે રૂ. ૨.૭પ લાખ કરોડના રોકાણની યોજનાની જાહેરાત કરી હતી જેમાં ઓકટોબરથી ફાઇવજી સર્વિસીઝ શરૂ કરવાનો, મહત્વના ઓઇલ અને કેમિકલ બિઝનેસની ક્ષમતા વધારવાનો અને એફએમસીજી સેકટરમાં હરીફ ગૌતમ અદાણીને ટક્કર આપવાની બાબતનો સમાવેશ થાય છે.

૬પ વર્ષીય અંબાણીએ પોતાના ત્રણ સંતાનો કયા ધંધાઓનું સુકાન સંભાળશે તેની પણ જાહેરાત કરી હતી જે એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ભારતની આ સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપનીનો વહીવટ વારસદારોને સોંપવાનું શરૂ થઇ રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(આરઆઇએલ)ની આજે મળેલી ૪૫મી વાર્ષિક સાધારણ સભામાં મુકેશ અંબાણીએ પોતાના વારસા સોંપણી આયોજનની જાહેરાત કરી હતી જે મુજબ જોડીયા ભાઇ-બહેન આકાશ અને ઇશા ટેલિકોમ અને રિટેલ બિઝનેસની ધુરા સંભાળશે અને સૌથી નાનો પુત્ર અનંત નવા એનર્જી યુનિટનું સુકાન સંભાળશે.

મુકેશ અંબાણીએ અલબત્ત, ભારપૂર્વક જણાવ્યું હતું કે પોતે નિવૃત્ત થઇ રહ્યા નથી અને ગ્રુપને અગાઉની જેમ જ દોરવણી આપતા રહેશે. તેમણે જણાવ્યું હતું કે મજબૂત માળખુ ઉભુ કરવામાં આવીર રહ્યું છે જે એ સુનિશ્ચિત કરશે કે રિલાયન્સ એક એકતાપૂર્ણ, સુસંકલિત અને સલામત સંસ્થા બની રહે અને ૨૦૨૭માં જ્યારે કંપનીનો સુવર્ણ દાયકો આવે ત્યારે તેનું મૂલ્ય બમણા કરતા વધારે હોય. રિલાયન્સ રિટેલ એ ૧૫૧૯૬ સ્ટોર્સ ધરાવતું ભારતની સૌથી મોટી રિટેલ ચેઇન છે જે કરિયાણાથી માંડીને ફેશન અને લાઇફ સ્ટાઇલ વસ્તુઓનું વેચાણ કરે છે. તે ખાદ્ય તેલથી માંડીને પેકેજ્ડ ફૂડનું વેચાણ કરતી ભારતની સૌથી મોટી એફએમસીજી કંપની અદાણી વિલ્મરને ટક્કર આપવા માગે છે, જેના વડા ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પાછળ મૂકીને ભારતની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

એફએમસીજી અને ટેલિકોમ ધંધાઓને મજબૂત બનાવવાની સાથે પોતાના મહત્વના ઓઇલ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં રિલાયન્સ રૂ. ૭પ૦૦૦ કરોડનું રોકાણ આગામી પાંચ વર્ષમાં કરશે, પોલિસ્ટર કેપેસિટી વધારશે અને વિનાઇલ ચેઇનની ક્ષમતા ત્રણ ગણી કરશે અને યુએઇમાં એક કેમિકલ યુનિટની સ્થાપના કરશે.

Most Popular

To Top