વલસાડ : સુરતનો એક પરિવાર મુંબઈ જઈ રહ્યો હતો ત્યારે ઉબાડ્યું ખાવા વલસાડમાં ઉભો રહ્યો હતો. અહીં એક ગઠીયો તેમને ભટકાયો હતો અને તેણે સોનાના સિક્કા વેચવાના હોવાનો ઝાંસો આપી સુરતના પરિવારને વિશ્વાસમાં લીધો હતો. પહેલા તેણે આ પરિવારના મોભીને સાચો સોનાનો સિક્કો આપ્યો હતો. ત્યારબાદ વધુ બે વખત સાચા સિક્કા આપ્યા બાદ રૂપિયા 50 લાખની રકમ લઇ ખોટા સિક્કા પધરાવી દીધા હતા. જેની જાણ થતા સુરતના રહિશની હાલત કફોડી બની હતી અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
- સુરતના રહીશને સોનાના સિક્કાના નામે ખોટા સિક્કા પધરાવી ગઠિયો 50 લાખ લઈને ફરાર
સુરતના પૂણા ગામમાં રહેતા અને નિવૃત્ત ભરત પોપટભાઈ પટેલ પરિવાર સાથે મલાડ જઈ રહ્યા હતા ત્યારે હાઇવે પર ઉંબાડ્યાના સ્ટોલ પર તેઓ ઉબાડ્યું ખાવા ઉભા રહ્યા હતા. ત્યારે એક યુવાને તેને ચાંદીના અને સોનાનો એક સિક્કો આપ્યો હતો. યુવાને તેને આ સિક્કો ચેક કરાવવા આપ્યો હતો જેની સામે ભરતભાઈએ તેને રૂપિયા 1100 આપ્યા હતા. મુંબઈ ગયા બાદ ભરતભાઈએ આ સિક્કા ચેક કરાવતા સોનાનો સિક્કો રૂ. 5,000ની કિંમતનો જણાયો હતો. ત્યારે ભરતભાઈએ આ યુવાનને ફોન કરી સિક્કો સાચો છે એવું કહ્યું હતું અને બાકીના પૈસા પરત આપવા જણાવ્યું હતું. ત્યારબાદ રાહુલ નામના યુવકે ભરતભાઈને વધુ સિક્કા આપ્યા હતા. જેની સામે તેણે નજીવી રકમ લીધી હતી.
આ સિક્કા પણ ભરતભાઈ ચેક કરાવતા સાચા નીકળ્યા હતા. ત્યારબાદ રાહુલે મારી પાસે આવા ત્રણ કરોડના મૂલ્યના સિક્કા છે જે એક કરોડ રૂપિયામાં તમે લેતા હોવ તો હું તમને આપી દઉં. ત્યારે ભરતભાઈ લાલચમાં આવી મારી પાસે હાલ 50 લાખ રૂપિયા છે. સિક્કા વેચ્યા બાદ હું તમને બાકીના પૈસા આપીશ. જેના આધારે રાહુલે ભરત પટેલને બીલીમોરાથી ચીખલી રોડ પર એક મેદાન નજીક બોલાવ્યા અને ત્યાં એક મહિલાને તેની માતા તરીકે ઓળખાવી તેની પાસેથી સોનાના સિક્કા ભરેલી થેલી અપાવી હતી. તેમજ તેની સાથે અન્ય એક યુવાન તેનો ભાઈ હોવાનું જણાવ્યું હતું. બદલામાં તેણે ભરતભાઈ પાસેથી રૂ. 50 લાખ રોકડા લઈ લીધા હતા. સોનાના આ સિક્કા લઈ ભરતભાઈએ તેને ચેક કરતા તે ખોટા નીકળ્યા હતા ત્યારે ભરતભાઈને છેતરાયા હોવાનું જણાતા લોહીના આંસુએ રડવાનો વારો આવ્યો હતો.
રાહુલ નામના કોઈ વ્યક્તિ સાથે ઓળખાણ વગર રૂ. 50 લાખનો સોદો કરનાર ભરત પટેલે ડુંગળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ, તેનો ભાઈ તેમજ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અહીં ફરી વખત લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મરે એ કહેવત સિદ્ધ થઈ છે.