Vadodara

શહેર-તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૪,૬૦૦થી વધારે વન્યજીવોનું રેસ્ક્યુ

વડોદરા: અપાર કુદરતી સંપદા તેમજ સૌંદર્યનો લખલૂંટ અને અમૂલ્ય વારસો ધરાવતું આપણું ગુજરાત રાજ્ય બહુવિધ પ્રજાતિની વનસ્પતિઓનું વૈવિધ્ય, વસાહતો અને જીવસૃષ્ટિથી હર્યુંભર્યુ છે. ત્યારે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારમાંથી ૧૦ ટકા વન વિસ્તાર ધરાવતા ગુજરાતમાં વન વિભાગના ખભે આવી જાય છે, વન્યજીવન અને વન વિસ્તારના રક્ષણ, સંરક્ષણ અને વિકાસ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી. જવાબદારી સાથે આ જ ઉદ્દેશ્યને વરેલું રાજ્યનું વન વિભાગ જૈવસૃષ્ટિની વૈવિધ્યતાના જતન સાથે તમામ પ્રકારની જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ૨૪*૭ કામ કરી રહ્યું છે. વન વિભાગના મિશન-વિઝન અને ઉદ્દેશ્ય પર લખવા બેસીએ તો, કદાચ આ લેખ વધારે શબ્દો અને સમય માંગી લે. પરંતુ, આપણા વડોદરા શહેર અને વડોદરા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા અને કયા-કયા પ્રકારના વન્યજીવોનું રેસ્ક્યુ થયું છે, તેના પર થોડો પ્રકાશ પાડીએ તો વડોદરાના સામાજીક વનીકરણ વિભાગની કાર્યશૈલીને સારી રીતે સમજી શકીએ.

સૌથી પહેલા આંકડાકીય માહિતી સમજીએ તો, છેલ્લા પાંચ વર્ષમાં સામાજીક વનીકરણ વિભાગ, વડોદરાના તાબા હેઠળના વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્રએ ૨૪,૬૦૦થી વધારે વન્યજીવોનું રેસ્ક્યું કર્યું છે. વર્ષવાર વાત કરીએ તો, વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૭૫૫, વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૫૩૪, વર્ષ ૨૦૧૯-૨૦માં  ૫૪૮૩, વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૯૩૭ તેમજ વર્ષ ૨૦૨૧-૨૨માં ૫૮૯૭ અલગ-અલગ પ્રકારના વન્યજીવોનો બચાવ કર્યો છે. આ વન્યજીવોમાં મોટા ભાગે સાપ, મગર અને વાનર પ્રજાતિનો સમાવેશ થાય છે. જો કે, આ ઉપરાંત અજગર, દીપડો, ઝરખ, કાચબા, નીલગાય, માંકડુ, ઝરખ, સાહુડી, પેરાગ્રીન ફાલ્કન, તાડબિલાડી, પાટલા ઘો, ખદમોર, સસલા, રોઝ, મોર, ઢેલ, વનીયર, શિયાળ, પક્ષીઓ સહિત અન્ય વન્યજીવોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top