તાજેતરમાં ડુમસ રોડ વી.આર. મોલ પાસેના રોડ ઉપર અડાજણના બે યુવાનો સ્પોર્ટ બાઇક ઓવર સ્પીડે ચલાવવાના કારણે રોડ પર પટકાયા, એક સ્વર્ગવાસી થયો બીજો હોસ્પિટલ ભેગો. ઓવર સ્પીડને કારણે અકસ્માત થાય છે. પરંતુ ઓવર સ્પીડે ગાડીએ ભગાવે છે કોણ? આ અકસ્માત કરનારા યુવાનો અડાજણના શકિત ફાઇટર ગ્રુપના હતા. આવા અનેક ગૃપો શહેરના તમામ વિસ્તારોમાં કાર્યરત છે.
આમાનાં મોટા ભાગના ગૃપો નાની મોટી લુખ્ખાગીરી કરે છે. ધાર્મિક તહેવારોમાં જબરજસ્તીથી રૂા. ઉઘરાવે છે. સ્થાનીક વિસ્તારોમાં રોડ પર ધૂમ સ્ટાઇલ બાઇકો ભગાવે છે. જોખમી બાઇક સ્ટંટ કરે છે. આવા લોકોને કહેનારૂં કે વારનારૂં કોઇ નથી. ઉપરથી પોલીસ પકડે તો જે તે વિસ્તારના રાજકારણીઓ એમને છાવરે છે છોડાવે છે.
પછી ફરિયાદીને જીવવું હરામ થાય છે. આવા સંતાનોના મા બાપ અઢળક કમાણી અને બે નંબરી રૂા.ના જોરે સંતાનોને મોંઘી સ્પોર્ટસ બાઇકો અપાવી પોરસાય છે. પરંતુ પોતાનો લાડલો શું ધંધા કરે છે? એ ધ્યાન રાખતા નથી આનું પરિણામ ભયાનક આવે ત્યારે માથે હાથ દઇને રડે છે. પરંતુ ત્યારે ઘણું મોડું થઇ જાય છે.
યુવાનોના મા-બાપે પોતાના નબરા સંતાનો કયાં જાય છે? કોની સાથે ફરે છે? શું ધંધા કરે છે? એની ઉપર સતત ધ્યાન આપવાની જરૂર છે તો પોલીસ વિભાગે બીજાના જીવ પણ જોખમમા મુકનાર આવા યુવાનોના ગૃપોની વિસ્તાર વાઇઝ નોંધ રાખી આવા સ્વછંદી યુવાનોનું કાઉન્સેલીંગ કરવા સાથે એમના મા-બાપને લેખીત જાણ કરીને સમજે તો યોગ્ય કડક કાર્યવાહી કરી કોઇની જીંદગી જોખમમા ન મુકાય એ જોવું જરૂરી લાગે છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.