Comments

‘રામજી કી લીલા હૈ ન્યારી…’

ભારતમાં ભગવાન રામચન્દ્ર જન્મ્યા હતા એ બાબતે ઇતિહાસકારોમાં કોઇ વિવાદ નથી પરંતુ ઇતિહાસના કયા ચોક્કસ કાળ ખંડમાં એ થઇગયા તે વિષે થોડો વિવાદ છે. છતાં મોટા ભાગના ઇતિહાસકારો, જેમણે માત્ર ઇતિહાસ જાણવાની શુધ્ધ ભાવનાથી સંશોધનો કર્યા છે તેમનું માનવું છે કે રામજી સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વે થઇ ગયા. કેટલાક ઇતિહાસકારો અને પ્રાચીન ગ્રંથોના જાણકારો કહે છે કે રામજી ત્રેતા યુગમાં જન્મ્યા હતા જે આજથી લગભગ સાત હજાર વરસ પૂર્વે આવ્યો હતો. પ્રસિદ્ધ ઇતિહાસ સંશોધક સ્વર્ગસ્થ હસમુખ સાંકળિયા સાત હજાર વરસ પૂર્વેની વાત માન્ય રાખતા નથી. એમના મતે તે માત્ર એક કલ્પના જ છે.

અમુક ઇતિહાસવિદો કુરુ અને વૃષ્ની કૂળની વંશાવલીના આધારે એ તારણ પર આવ્યા છે કે શ્રી રામ 3250 વરસ અગાઉ થઇ ગયા. તેઓનું કહેવું છે કે ભરત અને શાશ્વત શ્રી રામના સમકાલીન હતા. જો કે ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્ટિફિક રિસર્ચ ઓન વેદાઝ (આઇ-સર્વ) દ્વારા રામજીના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રોની જે યુતિ અથવા પેટર્ન હતી તેના આધારે એમના જન્મની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. તે મુજબ ઇસવીસન પૂર્વેના 5114મા વરસની દસ જાન્યુઆરીના રોજ શ્રી રામનો જન્મથયો હતો. ગ્રહ નક્ષત્રોનાં લગ્ન અથવા જે યુતી સર્જાઇ હતી તે જન્મ સમયની ચોક્સ અને સચોટ માહિતી આપી શકે પરંતુ તે બાબતે હજી વિશદ અને આધારભૂત સંશોધનો કરવાની જરૂર છે. આઇ સર્વના સંશોધનો મુજબ અને વિવિધ રામાયણોનાં વર્ણનો મુજબ શ્રી રામનો જન્મ અયોધ્યા નગરીમાં દસ જાન્યુઆરીના રોજ બપોરના બાર વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે થયો હતો.

ઇસવીસન પૂર્વે 5114મુ વરસ એટલે આજથી 7138 વરસ પૂર્વે શ્રી રામનો જન્મ થયો હતો. વર્તમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગઇ દસ જાન્યુઆરીના રોજ, નિર્ધારિત તારીખ કરતા બાર દિવસ વહેલો યોજવામાં આવ્યો હોત તો એ દિવસે, આઇ-સર્વના સંશોધનો મુજબ પ્રભુ શ્રી રામનો જન્મ દિવસ હતો. ભારતમાં સામાન્યપણે તે ચૈત્ર મહિનાની સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી ઉજવવામાં આવી રહેલા ભારતીય ધર્મ-સંસ્કૃતિના મુખ્ય પાંચ તહેવારોમાં એક તહેવાર રામ નવમીનો ગણાય છે.

ભારતમાં, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, કમ્બોડિયામાં પણ રામજીનો ઇતિહાસ અને ગાથા વર્ણવતા પ્રાચીન છતાં સ્પષ્ટ પુરાવાઓ પુષ્કળ માત્રામાં મળી આવે છે. અજંતા-ઇલોરાની ગુફાઓમાં આઠમી સદીમાં આલેખાયેલાં રામાયણના પ્રસંગોના સુંદર ચિત્રો મળી આવ્યા છે. હજારો વરસથી જે રામાયણો કહેવાઇ છે, સંભળાઇ છે અને ગવાઇ છે તેમાં વિશાળ ભારત વર્ષ રાષ્ટ્રમાં જે જે સ્થળોના ઉલ્લેખો છે એ સ્થળો આજે પણ ત્યાન વિદ્યમાન છે. એ જંગલો, પર્વતો, સરોવરો, નદીઓ, વનો અને સેતુ આજે પણ ત્યાં જ અસ્તિત્વ ધરાવે છે.

આ હકીકત દર્શાવે છે ત્યારના પગપાળા, અશ્વસવારી અને રથ સવારીના દિવસોમાં પણ લોકો અને વિદ્વાનો પાસે દેશકાળની ભૂગોળનું કેટલું વિદ્‌વત્‌ અને તલસ્પર્શી જ્ઞાન હતું. આજે શબરી વન, પમ્પા સરોવર, ગોદાવરી, પંચવટી, દંડકારણ્ય, શ્રીલંકા, બાણગંગાઓ, કિષ્કિંધા, અયોધ્યા વગેરે ત્યારે પણ એટલા જ લોકમુખે હતા જેટલા આજે છે.

માનવોના ઉત્તરદાયિત્વો, અધિકારો, ભાવનાઓ અને સંવેદનાઓને જગતમાં કોઇ હસ્તી અને કોઇ ગ્રંથ ઉત્તમ સ્વરૂપમાં રજૂ કરતા હોય તો તે શ્રી રામ અને રામાયણ છે. રામજીને મર્યાદા પુરૂષોત્તમના રૂપમાં રજૂ કર્યા છે જેમનું મૂળ તત્વ સ્વરૂપ ભગવાન વિષ્ણુ છે. એવી કોઇ વાત કે વિચાર રામજી દ્વારા કહેવાતી નથી કે વર્તનમાં મુકાતી નથી જેમાં મર્યાદાઓનુન ઉલ્લંઘન હોય. ઉત્તરદાયિત્વ અથવા ધર્મના નિર્વાહનનું શાસ્ત્રોમાં બીજું એક શ્રેષ્ઠ ઉદાહરણ, રાજા હરિશ્ચંદ્ર અને એમના પરિવારનું છે.

શ્રી રામ માટે અંગ્રેજી શબ્દ-પ્રયોગનો આશરો લઇએ તો એમનું જીવન નો-નોન્સેન્સ અને એ જીવનમાંથી ઉદ્‌ભવેલો ગ્રંથ રામાયણ પણ એક નો-નોન્સેન્સ ગ્રંથ છે. તેમાંથી એવી કોઇ વાતને પ્રેરણા મળતી નથી જે નૈતિક રીતે અસ્વીકાર્ય હોય. રામા હરિશ્ચંદ્ર અને રામા રામ આ હજારો વરસમાં ભારતીય પ્રજાના ડીએનએમાં એ રીતે સમાયા છે જેને અલગ પાડવાનું લગભગ અશકય છે. પશ્ચિમ અને ઉત્તર ગોળાર્ધમાંથી અનેક હુમલાખોર હિંસક પ્રજાઓ આવી. અમુક સમય માટે, કે જેથી હિન્દુઓ, સનાતનીઓ પોતાના સાંસ્કૃતિક વારસા બાબતે સભાન અને સચેત બને, તેઓ સફળ રહ્યા.

પરંતુ આખરે વિજય તો શ્રીરામ નામનો, રામ તત્વનો, રામ વિચારનો થયો છે. ખૂદ રામજીના સમયમાં એમના વિરોધીઓ હતા, રાક્ષસો હતા તેવા આજે પણ છે. પણ તેથી એક સનાતની સત્ય જુઠું સાબિત થતું નથી. એક શુભ અને ઐતિહાસિક ઘટનાને વિવાદ અને ઝગડાનું સ્વરૂપ આપી રહેલા કોંગ્રેસીઓ, મુલાયમની સમાજવાદી કુપ્રજાને એટલો એક વિચાર પણ આવતો નથી કે તેઓ કઇ બાબતને, કઇ વાતને ઝગડામાં ફેરવી રહ્યા છે? રામ તત્વ તો પ્રજાનો આત્મા છે.

આજે ગ્રામ્ય પ્રદેશોમાં બે અજાણી વ્યકિત સામસામે મળી જાય તો પણ રામ રામ બોલીને આગળ વધશે જેનો અર્થ એ થાય છે કે બન્ને અજાણ્યાઓ એક મકે માટે સારૂં ઇચ્છી રહ્યા છે, શુભેચ્છાઓ આપી રહ્યા છે. લોકો ઘણી વખત કહેશે કે ‘એ કામમાં રામ નથી’. મતલબ કે નૈતિકતા નથી તેથી તે કરવા જેવું નથી. લોકો એમ પણ કહેશે કે તમારો રામ જે કહે તે પ્રમાણે કરો. અહીન રામ એટલે આત્મા છે.

કોઇનો જીવ જતો રહે એટલે રામ રમી ગયા. રામ અસંખ્ય પ્રકારે જીવનમાં વણાયેલા છે. શિખ સંપ્રદાયના ગુરુ ભગવંતોએ રામના જીવનને આદર્શ માન્યું હતું. અયોધ્યામાં વર્તમાન મંદિર બને ત્યાન સુધીની ઘટનાઓમાં શિખ સમુદાયનો ખૂબ મહત્વનો ફાળો અથવા યોગદાન રહ્યા છે. શ્રી રામથી મોટું એમનું નામ માનવામાં આવ્યું છે. આદર્શ પુત્ર, આદર્શ ભાઇ, આદર્શ પતિ, આદર્શ રાજા વગેરે તમામ વ્યાખ્યાઓમાં રામને શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય. જયાં કંઇ પણ ઉત્તમ હોય છે ત્યાં રામનો વાસ ગણવામાં આવે છે. જેમકે રામરાજય.

ભારતની આ પ્રજા હજારો વરસથી રામકથા વાંચતી, ગાતી, જોતી, સાંભળતી આવી છે અને છતાં તે વારંવાર તેમ કરવા પ્રેરાય છે અને તેમાંથી હંમેશા કંઇક નવનીત નિષ્પન્ન થાય છે. રામાનંદ સાગરની રામાયણ શરૂ થતી અને શેરીઓમાં સોપો પડી જતો એ હમણાના વરસોની ઘટના છે. આ લખનાર ગામડામાં દશેરા અને દિવાળીના દિવસે ભજવાતી રામલીલા અને હરિશ્ચંદ્ર કથાઓ જોઇ સાંભળીને જ મોટો થયો છે. એ રામજીના અસ્તિત્વનો આ ભારતભૂમિ પર કયારેય અંત આવ્યો નથી અને આવવાનો પણ નથી.

કારણ કે તે એવા વિચારોની જયોત છે જે વિચારો કાયમને માટે શ્રેષ્ઠ સમાજ માટેના છે અને સમાજ માટે શ્રેષ્ઠ છે. વિશ્વની એવી કોઇ ભાષા નથી જેમાં રામાયણ અને રામકથાઓના અનુવાદો ન થયા હોય. પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં, મોનાલીસાની પેન્ટિંગના રૂમમાં આ લખનારને રોમેનિયાના એક પ્રોફેસર મળી ગયા. અમને ભારતના જાણીને એમણે રામાયણ વિષે ઘણી સરસ વાતો કરી હતી. ભારતમાં શિખ ગુરુ ગોવિંદ સિંહે રામકથા લખી છે. પૂર્વ ભારતમાં કૃતિવાસ રામાયણ, પશ્ચિમ ભારત અને મહારાષ્ટ્રમાં ભાવાર્થ રામાયણ, વાલ્મિકી રામાયણ અને તુલસી રામાયણ, દક્ષિણ ભારતના મહાકવિ કંબ લિખિત ‘કંબરામાયણ’ વગેરે એવા ઉદાહરણો છે જે રામાયણની મહત્તા, લોકપ્રિયતા અને વ્યાપ દર્શાવે છે.

અયોધ્યામાં માત્ર રામ મંદિર જ બની રહ્યું નથી. મંદિરો તો આપણી પાસે ઘણા છે. પરંતુ ભાજપના નેતા રવિશંકર પ્રસાદ કહે છે તેમ અયોધ્યાનું રામ મંદિર રાષ્ટ્રીય ગૌરવનું પર્યાય બનશે. હિન્દુ નવજાગૃતિના સમયમાં સાંસ્કૃતિક ગતિવિધિઓનું એક વૈશ્વિક કેન્દ્ર બનશે અયોધ્યા. રામ તત્વ અને રામ વિચાર હવે સમગ્ર દુનિયામાં ફેલાશે અને સ્થાન પામશે. રામજીના આદર્શોને જગત જાણી સમજી શકશે. રામજી માટે ખરાબ દિવસો હતા. રામે જીવનમાં વનવાસ ભોગવ્યો હતો અને અયોધ્યામાં પણ દુર્ગતિના દિવસો જોયા.તે પણ રામજીની લીલા હતી અને હવે નવચેતના, નવજાગૃતિ આવી છે તેને પણ રામજીની એક લીલા જ સમજવી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top