નવરાત્રિના નવ દિવસ મધરાત્રિ સુધી ગરબા રમ્યા બાદ આજે દશેરો આવ્યો છે. દશેરાના શુભ પર્વમાં સુરતીઓ ફાફડા જલેબી આરોગતા હોય છે.
સ્વાદ શોખીન સુરતીઓ રાત્રિના અઢી ત્રણ વાગ્યા સુધી ગરબા રમ્યા બાદ ફાફડા જલેબી ખરીદવા લાઈનોમાં ઉભા રહી ગયા હતા. ઘણા ઠેકાણે દુકાનો બે અઢી વાગ્યે જ ખુલી ગઈ હતી. સુરતીઓએ ગરબા રમ્યા બાદ ફાફડા જલેબી ઝાપટી પછી નિંદર ભેગા થયા હતા.
દર વર્ષે દશેરાના દિવસે શહેરમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી વેચાતા હોય છે. સુરતીઓનો ક્રેઝ સમજીને ફરસાણની દુકાનોવાળાઓએ મધરાત્રિના બે અઢી વાગ્યાથી જ દુકાનના શટર ઊંચા કરી દીધા હતા.ફરસાણના વેપારીઓ પણ ગ્રાહકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી રહ્યા હતા.
ગ્રાહકોનો ધસારો એટલો છે કે વહેલી સવારથી જ દુકાનોમાં રોનક જોવા મળી રહી છે. સવારે અઢી વાગ્યાથી કેટલાંક ઠેકાણે લાઈનો લાગી ગઈ હતી. પાંચ વાગ્યા સુધીમાં તો લાંબી લાઈનો જોવા મળી હતી. એક અંદાજ મુજબ આજે એક જ દિવસમાં સુરતીઓ 5 કરોડથી વધુના ફાફડા અને જલેબી ઝાપટી જશે. કેટલાંક સુરતીઓએ તો એડવાન્સ ઓર્ડર લખાવી દીધા હતા. તેઓને પણ રાહ જોવાની નોબત આવી હતી, એટલી લાઈનો હતી.
ભાવમાં 15 ટકાનો વધારો, ફાફડા 550થી 650 રૂપિયા કિલો અને જલેબી 600થી 700 રૂપિયા કિલો
સુરત સહિત ગુજરાતમાં દશેરા નિમિત્તે જલેબી અને ફાફડાની જ્યાફત માણવાની વર્ષો જૂની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા અને જલેબીમાં કિલોએ સરેરાશ 70થી 100 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને પ્રતિ કિલો ફાફડા 450 થી 550 રૂપિયા કિલો અને જલેબી 600થી 700 રૂપિયા કિલો વેચાઈ રહી છે.
શુદ્ધ દેશી ઘીમાં જલેબી 700થી 800 રૂપિયે કિલો વેચાઈ રહી છે, ત્યારે આ વર્ષે ગુજરાતીઓ એક લાખ કિલોથી વધુના ફાફડા-જલેબી એક જ દિવસમાં આરોગે તેવો અંદાજ છે. એટલે કે આ વર્ષે અંદાજે 5 કરોડના ફાફડા-જલેબી ઝાપટી જશે. જેને લઇને દશેરાના બે દિવસ પહેલાંથી જ ઠેર-ઠેર ફાફડા જલેબીના વિક્રેતાઓ દ્વારા કાઉન્ટરો લગાવવાના શરૂ કરી દેવામાં આવ્યાં છે.
ફાફડા અને જલેબીના ભાવમાં વધારો
છેલ્લા છ મહિનામાં ચણાના લોટ અને તેલના ભાવમાં વધારો થવાને કારણે ફાફડા અને જલેબીના ભાવમાં વધારો થયો છે, ત્યારે આ વર્ષે સુરતીઓ 20 હજાર કિલો ફાફડા જલેબી આરોગે તેવો અંદાજ છે. ફાફડા અને જલેબીના વિક્રેતા હિતેશભાઈએ જણાવ્યું હતું કે, 450 રૂપિયા કિલો મળતા ફાફડા આ વર્ષે 550થી લઇને 650 રૂપિયા પ્રતિ કિલો સુરતીઓને મળશે. જ્યારે જલેબીના ભાવમાં પણ વધારો કરાયો છે. જલેબીનો ભાવ 600થી 650 રૂપિયા પ્રતિ કિલોનો છે. ગત વર્ષે કિલોના ભાવ 500 રૂપિયા હતા. લોકો એડવાન્સ બુકિંગ પણ કરાવી રહ્યા છે. તેલ, ઘી, ખાંડ, ચણાના લોટના ભાવમાં વધારો થયો છે. તેના કારણે ફાફડા અને જલેબીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
નવરાત્રિ-દશેરા શુભ દિવસોમાં સુરતમાં 12,500 વાહનોનું વેચાણ નોંધાશે
નવરાત્રિ સહિત છેલ્લા 15 દિવસમાં સુરત શહેરમાં ટુ-વ્હીલર સહિત કુલ 12,500 વાહનો વેચાયાનો અંદાજ છે. નોરતાના આ 10 દિવસ દરમિયાન આ તમામ વાહનોનું રજિસ્ટ્રેશન સહિત નંબરપ્લેટ આપીને ગાડીઓની ડિલિવરી કરવામાં આવી હતી. જો કે, તેમ છતાં પણ અનેક ગાડીઓ એવી હતી કે તેઓના માલિકે પસંદગીના નંબર મેળવવા માટે ઓકશનમાં અરજી કરી હતી અને તેઓને સમયસર ગાડીની ડિલિવરી મળી શકી ન હતી. નવરાત્રિના 10 દિવસ અને તે પહેલાંના દિવસોમાં કુલ 12485 વાહનો વેચાયા હતા. ડીલરોએ નંબરો આપી વાહનનું રજિસ્ટ્રેશન કરીને ડિલિવરી કરી હતી. વાહનનોના વેચાણમાં CNG 438, ડીઝલ 641, ઇલેક્ટ્રિક 1083, પેટ્રોલ 9369, પેટ્રોલ-CNG 634,પેટ્રોલ હાઇબ્રિડ 320 નો સમાવેશ થાય છે.