Columns

પ્રોબ્લેમ્સ આર સેલ્ફમેડ

ઇવનિંગ વોક પર મળતાં દોસ્તોની વોક બાદ ગાર્ડનના બાંકડા પર મહેફિલ જામી.એક લગભગ 65 વર્ષની આસપાસનાં જાજરમાન સન્નારી સ્નેહાબહેન સવારે જોગીંગ સૂટમાં જોગીંગ કરતાં અને સાંજે સલવાર કુર્તામાં વોક પણ …તેમની પાસે વાતોનો પણ સુંદર ખજાનો હતો. જીવનના અનુભવથી સુંદર વાતો બધાને સમજાવતા. સાંજે નિશાબહેને કહ્યું,‘ એક પ્રોબ્લેમ છે. કાલથી હું વોક પર નહિ આવી શકું. ઘરમાં વહુ પિયર ગઈ છે એટલે મારે સાંજની રસોઈ કરવી પડશે..’ એક ભાઈ બોલ્યા, ‘બધાના જીવનમાં નાના કે મોટા પ્રોબ્લેમ આવતા જ રહે છે. મારા ધંધામાં બહુ કોમ્પીટીશન વધી રહી છે. નવા બદલાવની જરૂર છે,નહિ તો ધંધો ઓછો જ થતો જશે.’ ત્રીજાં બહેન બોલ્યાં, ‘મૂકો વાત,બધાના જીવનમાં પ્રોબ્લેમ્સ જ પ્રોબ્લેમ્સ છે.

સ્નેહાબહેન હસ્યાં અને બોલ્યાં, ‘આપણા બધાના જીવનમાં પ્રોબ્લેમ્સ અને પ્રોબ્લેમ્સ જ છે તે વાત સાચી, પણ હું તમને કહું આ બધા પ્રોબ્લેમ્સમાંથી મોટા ભાગના પ્રોબ્લેમ્સ આપણા સેલ્ફ્મેડ જ હોય છે.’ આ સાંભળી બધા એક સાથે બોલી ઊઠ્યા, ‘કેવી વાત કરો છો, શું કામ કોઈ  પ્રોબ્લેમ્સ પોતાના જીવનમાં ઊભા કરે?…કોને ગમે કે પોતાની લાઇફમાં પ્રોબ્લેમ્સ હોય?’ સ્નેહાબહેન બોલ્યાં, ‘જો હું હમણાં સાબિત કરી દઈશ મારી વાત…આપણા બધાના જીવનમાં જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય છે તે આપણે જ ઊભા કરીએ છીએ. આપણા પ્રોબ્લેમ્સની પાછળ મોટા ભાગે બે મુખ્ય કારણો હોય છે. તે કારણોને લીધે જ મોટા ભાગના પ્રોબ્લેમ્સ થાય છે…પહેલું કારણ છે કે આપણે કંઈ પણ વિચાર્યા વિના કાર્ય કરી નાખીએ છીએ….અને બીજું કારણ છે આપણે માત્ર વિચારતા રહીએ છીએ, કંઈ કરતા નથી અને આ બે કારણોને લીધે જ મોટા ભાગના પ્રોબ્લેમ્સ સર્જાય છે અને વધતા જાય છે.’

બધાને સ્નેહાબહેનની વાત સાચી લાગી.એક જણે પૂછ્યું , ‘તો શું કરવું જોઈએ જેથી જીવનમાં પ્રોબ્લેમ્સ ન આવે?’ સ્નેહાબહેને કહ્યું, ‘ભાઈ, પ્રોબ્લેમ્સ આવે તો તેનો સામનો કરવો. ન આવે તેવું તો ન બને, પણ આપણે હાથે કરીને વિચાર્યા વિના કંઈ કરીને તેને બોલાવવા નહિ કે પછી માત્ર વિચારતા રહીને કંઈ ન કરીને તેને વધારવા નહિ. કોઇ પણ પ્રોબ્લેમનો સામનો કરવાનો એક જ રસ્તો છે…બરાબર સાચા સમયે સાચી પ્રતિક્રિયા આપવી; જે સમયે જે કરવું જરૂરી હોય તે કરવું તો પ્રોબ્લેમ્સથી દૂર રહી શકાશે અને પ્રોબ્લેમ્સ વધશે નહિ.’ સ્નેહાબહેને પોતાના અનુભવથી સચોટ હકીકત બધાને સમજાવી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top