સુરત: શહેરમાં દબાણોનો મુદ્દો દિવસે ને દિવસે વધુ ગરમાતો જાય છે. વરાછામાં મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનરે જાતે હાજર રહી વરાછા ફ્લાય ઓવર બ્રિજનાં દબાણો હટાવતાં શહેરમાં મોટો સંદેશો ગયો હતો કે, “દબાણો કોઈ પણ કિંમત પર નહીં ચાલે.” મેયરે કોઈપણ શેહશરમ રાખ્યા વગર ગેરકાયદે દબાણો તોડી પાડવાનો આક્રમક આદેશ આપતાં અન્ય ઝોનમાં પણ નાગરિકો દ્વારા મેયર સ્થળ પર આવી કાર્યવાહી કરે એવી માંગ વધી રહી છે.
- આશ્રમ ચાર રસ્તાની આસપાસ રોડ ખાઉધરા ગલીમાં ફેરવાવાની ભીતિ
- વરાછાની જેમ મેયર હોમ ગ્રાઉન્ડમાં પણ કડક કાર્યવાહી કરાવે તેવી માંગ ઊઠી
શહેરના કુખ્યાત ચૌટાપુલ વિસ્તારમાં વર્ષોથી દબાણોનું ન્યૂસન્સ ચાલે છે. અહીં રાજકીય ઇચ્છાશક્તિ બતાવવા માટે ખુલ્લા પત્રો લખાઈ રહ્યા છે. આ દરમિયાન હવે મેયરના પોતાના ઝોન કતારગામમાં પણ દબાણો ઝડપથી વધી રહ્યાં છે, ખાસ કરીને કતારગામ મેઇન રોડ અને આશ્રમ ચાર રસ્તાની આસપાસ ખાણીપીણીની લારીઓએ અડધો રસ્તો ગળગળી નાંખ્યો હોય તેવી હાલત થઇ ચૂકી છે.
આ વિસ્તારોએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં વડાંપાવ, દાબેલી, સમોસા, આઇસક્રીમ જેવી લારીઓનો કબજો વધ્યો છે. ગ્રાહકો રસ્તા પર જ ઊભા રહી ખરીદી કરતાં ટ્રાફિક જામ સર્જાય છે. પહેલાં આ લારીઓ આશ્રમની દીવાલ પાસે હતી, પરંતુ સોસાયટીવાસીઓના વિરોધ બાદ દબાણકર્તાઓ સીધા મુખ્ય રોડ પર આવી ગયા છે.
સ્થાનિકોનું કહેવું છે કે, “આજની સ્થિતિ પ્રમાણે કતારગામ મેઇન રોડ પણ ખાઉધરા ગલી અને ચૌટાપુલ જેવા હેરાનગતિના ઝોનમાં ફેરવાઈ જશે.” મનપા કમિશનરે પહેલા ઝીરો દબાણ રૂટ પર ઝુંબેશ ચલાવી હતી, જેના પગલે તાત્કાલિક દબાણો દૂર થયા પણ થોડા દિવસોમાં ફરીથી એ જ દબાણો ઊભા થઈ ગયા અને તંત્ર પાછું નિષ્ક્રિય બનતાં દબાણકર્તાઓમાં ફરીથી હિંમત આવી ગઇ છે.
સ્થાનિક રહેવાસીઓ મેયર પાસે સીધી માંગણી કરી રહ્યા છે કે, વરાછાની જેમ કતારગામમાં પણ કાર્યવાહી થાય, જેથી ઝોન તંત્ર સક્રિય બને અને મુખ્ય રોડ ગેરકાયદે લારીઓના કબજામાંથી મુક્ત થાય. સુરત શહેરમાં દબાણોનો મુદ્દો હવે માત્ર શિસ્તનો નહીં, પરંતુ ટ્રાફિક, સલામતી અને નગરવ્યવસ્થાનો ગંભીર પ્રશ્ન બની ગયો છે. આગામી દિવસોમાં મેયર કતારગામમાં ઊતરે છે કે નહીં એના પર સૌની નજર છે.
ઝોનનું તંત્ર જે ન કરી શક્યું તે સોસાયટીવાસીઓએ કરી બતાવ્યું હતું
આશ્રમ ચાર રસ્તાની આસપાસ હાલ જે ખાણી-પીણીનાં દબાણો છે, તે અગાઉ આશ્રમની દીવાલની લગોલગ કતારગામ આરોગ્ય કેન્દ્રવાળા રસ્તા પર થતાં હતાં. જ્યાં મનપાના તંત્ર પર દબાણકર્તાઓએ હુમલા પણ કર્યા હતા. છતાં મનપાના તંત્રએ જાણે મોટું મન રાખ્યું હોય તેમ દબાણો સતત ફૂલ્યાફાલ્યા હતા.
બાદ આસપાસના સોસાયટીવાસીઓ બહાર આવ્યા અને દબાણકર્તાઓને ખદેડી કાઢ્યા હતા. ત્યાર બાદ મુખ્ય રોડ પર દબાણો થવા માંડ્યા છે. જો વહેલી તકે તેને ઊગતા નહીં ડામી દેવાય તો આગામી સમયમાં આ દબાણકર્તાઓ મનપાની ટીમો પર ફરીથી હુમલો કરવા જેટલા મજબૂત થઇ જશે તેમાં કોઇ શક નથી.