પારડી: પારડીના (Pardi) મોતીવાડાના એક યુવાને પ્રેમસંબંધમાં યુવતી સાથે અણબનાવ થતા ખોટું લાગી આવતા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના અંગે મૃતકની બહેને પારડી પોલીસ મથકે (Police Station) ફરિયાદ નોંધાવી હતી.
પારડી તાલુકાના મોતીવાડા કૃષ્ણકુંજ વિહારમાં રહેતા 20 વર્ષીય ઉદય કાશીરામ બોહરાએ પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના સભ્ય નોકરી ઉપર ગયા હતા અને સાંજે માતા સોનલબેન ઘરે આવીને જોતા દરવાજો બંધ હતો. ઉદયને દરવાજો ખોલવા જણાવતા કોઈ જવાબ ન આપ્યો હતો. જેથી માતાએ બાજુમાં રહેતા પડોશીના ઘરના રૂમમાંથી અંદર પ્રવેશી ને જોતા ઉદય ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ આસપાસના લોકોને થતા દોડી આવ્યા હતા,અને ઉદયને શરીરે તપાસ કરતા મરણ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગેની જાણ 108 એમ્બ્યુલન્સને થતા તાત્કાલિક ઉદયને સરકારી હોસ્પિટલ પારડી ખાતે લઈ જવાયો હતો. ઘટના અંગે માતાએ તેની પુત્રી ઉર્મિલા પટેલને જાણ કરી હતી. તેઓ વાપીની કંપનીમાં નોકરી પરથી તેના પિયર મોતીવાડા ખાતે આવી પહોંચી હતી. સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકની બહેન ઉર્મિલા હાર્દિક પટેલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ઉદયનો છેલ્લા છ માસથી શ્રેયા સિંગ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, એક અઠવાડિયા પહેલા તેઓ બંને વચ્ચે અણબનાવ બનતા સંબંધ તૂટી ગયો હતો. જેથી ઉદયને ખોટું લાગી આવતા તેણે ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
બીલીમોરાથી મુંબઈ જતી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે અજાણ્યા વૃદ્ધનું મોત
બીલીમોરા: મુંબઈ તરફ જતી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક અજાણ્યો વૃદ્ધ ચડી જતા તેના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. બીલીમોરા રેલવે પોલીસે મૃત્યુદેહના અવશેષોને એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.
શુક્રવાર તા. 3જી માર્ચ 2023 ને બપોરે 3: 20 કલાકે અપ લાઈન પરથી મુંબઈ તરફ જતી ઓખા ટુટીકોરીન એક્સપ્રેસ ટ્રેન જ્યારે પ્લેટફોર્મ નંબર 2 પરથી પસાર થઈ હતી તે સમયે પ્લેટફોર્મ નંબર 2ના દક્ષિણ તરફના છેડા પર એક 60 વર્ષનો અજાણ્ય વૃદ્ધ ટ્રેન ની અડફતે ચડી જતા તેના માથાના ભાગેથી ખોપડી ફાટીને નષ્ટ થઈ ગઈ હતી, તે સાથે તેના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. મરનારનો બાંધો મધ્યમ, ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ,જેને શરીરે કેસરી કલરનું સફેદ લાઇનિંગ વાળું શર્ટ તથા કથ્થઈ કલરનું પેન્ટ પહેર્યું છે, સાથે સફેદ સાલ છે. બીલીમોરા રેલવે આઉટ પોસ્ટે અકસ્માત મોત નંબર 17/2023 સીઆરપીસી 174 મુજબ નોંધી વાલી વારસોએ બીલીમોરા રેલવે આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ શાંતારામ રાજારામ ભાઈનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે.