Gujarat

વડોદરામાં દંતેશ્વરની 100 કરોડની સરકારી જમીન ઉપર કબ્જો કરનારા ત્રણ ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ

  • દંતેશ્વરની ૧૬,000 ચો.મી.ની સરકારી જમીન ઉપર ત્રણ ભૂમાફિયાએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી બંગલો બનાવી ટેનામેન્ટની સ્કીમ પણ લોન્ચ કરી હતી
  • શરતફેર, બિનખેતી અને પેઢીનામાના ખોટા દસ્તાવેજો ઉભા કરીને સરકારી જમીન પોતાના નામે ચઢાવી લીધી હતી
  • સરકારી જમીન ઉપર કબ્જો કરનારા ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કોરડો વિંઝતા કલેક્ટર

ગાંધીનગર: વડોદરા સીટીમાં દંતેશ્વર વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર પોતાનો આલિશાન બંગલો ઉપરાંત ટેનામેન્ટની સ્કીમ બનાવવાનો જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. 100 કરોડની કિંમતની આ સરકારી જમીન પચાવી લેવાનો પ્રયાસ કરનારા ત્રણ ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ કરવા માટે કલેક્ટર અતુલ ગોરે આદેશ કર્યો છે. ટૂંકા સમયગાળામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી થતાં ભૂમાફિયાઓમાં સોપો પડી ગયો છે.

ખોટો દસ્તાવેજોના આધારે છેલ્લા ત્રણ દાયકાથી સરકારી તંત્રની આંખમાં ધૂળ નાંખી રહેલા આ ભૂમાફિયાની કરમકુંડળી વડોદરા શહેર પ્રાંત અધિકારીના ઈન્સ્પેકશન દરમિયાન ધ્યાને આવી હતી. તલાટીના સામાન્ય દફતર તપાસણી દરમિયાન દંતેશ્વરના સર્વે નંબર ૫૪૧માં આકાર પામનારા કાનન વિલા ૧ અને ૨નું કૌભાંડ ધ્યાને આવ્યું હતું.

આ ભૂમાફિયાનું કારસ્તાન એવું હતું કે, દંતેશ્વરના ઉક્ત સર્વે નંબરની ૧૬૦૮૬ ચોરસ મિટર જમીન મૂળથી સરકારી હતી. તેના ઉપર ગામ નમૂના નંબર સાત અને બારના ઉતારા જોતા આ બાબત ધ્યાને આવી હતી. સરકારી જમીન ઉપર ખાનગી બાંધકામ કેવી રીતે થઇ શકે ? આ બાબતની મહેસુલી તંત્ર દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસમાં એવી હકીકતલક્ષી વિગતો સામે આવી હતી કે, આ સર્વે નંબરમાં 90ના દાયકાના શરતફેરના હુકમો, બિનખેતીના હુકમોથી સિટી સર્વેમાં વર્ષ ૨૦૨૧માં માલિકીપણાની નોંધો પડાવી દીધી હતી. એ દરમિયાન એમાં નગરરચનાના અંતિમ ખંડ નંબર ૮૭૩, ૮૭૯ અને ૮૮૧ પણ પડી ગયા હતા. સરકારી જમીન ઉપર સંજયસિંહ બચુસિંહ પરમારે આલિશાન બંગલો પણ ખડકી દીધો હતો. આટલું જ નહીં, તેમણે અન્ય જમીનના ગણોતિયા હોવાના દસ્તાવેજોનો ઉપયોગ કરી, ખોટા હુકમો બનાવી મહીજીભાઇ જીણાભાઇ રાઠોડનું નામ દાખલ કરાવી દીધું હતું. વળી, ખોટા પેઢીનામા બનાવી મહીજીભાઇના વારસદારોના નામોની પણ એન્ટ્રી પડાવી દીધી હતી. એમાંથી મહીજીભાઇના વારસ શાંતાબેન ઉર્ફે ગજરાબેન રાઠોડના નામે પણ રેકર્ડમાં એન્ટ્રી પડાવી દીધી હતી.

આ કૌભાંડકારીએ એવું પણ કારસ્તાન કર્યું હતું કે, મહીજીભાઇની એક જમીનમાં દાખલ થયેલા વારસો કરતા આ સરકારી જમીનમાં સાવ અલગ નામોના વારસોના નામો દાખલ કર્યા હતા. વળી, ૯૦ના દાયકાના શરત ફેર અને બિનખેતી ઉપરાંત વડોદરા નગરપાલિકાની બાંધકામ પરવાનગીના સાવ બોગસ દસ્તાવેજો પણ ઉભા કરી દીધા હતા. કલેક્ટર તંત્ર દ્વારા રેકર્ડની ખરાઇ કરવામાં આવતા આવા હુકમો થયા ન હોવાનું સત્ય બહાર આવ્યું હતું. કાનન -૧ અને ૨ નામની સ્કીમ બનાવી તેના વેચાણ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ તમામ હકીકતો જોઈને વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોર પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે સંજયસિંહ બચુસિંહ પરમાર, લક્ષ્મીબેન સંજયસિંહ પરમાર તથા શાંતાબેન ઉર્ફે ગજરાબેન બચુભાઇ રાઠોડ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા ટૂંકા જ સમયગાળામાં સરકારી જમીન બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવાના આદેશો આપવામાં આવતા ભૂમાફિયાઓ ફફડી ઉઠ્યા છે. હજું પણ આવી કાર્યવાહી શરૂ રહેશે, તેવો કલેક્ટર અતુલ ગોર અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ નિર્દેશ આપવાની સાથે ઉક્ત કેસમાં સરકારી રેકર્ડ ઉપર થયેલી નોંધોને રિવ્યુમાં લેવા આદેશ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top